ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
મુકુલ ચોક્સી

(નવો હાકેમ છે) – ચિનુ મોદી

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.

જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.

હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.

થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.

– ચિનુ મોદી

ચિનુ મોદીએ ગુજરાતી ગઝલના નવા દેહને ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એ તદ્દન નવા વિષયો અને કલ્પનો ગઝલમાં લઈ આવે છે. છેલ્લો શેર મારો બહુ પ્રિય શેર છે. કાયાના બંધનથી પર થઈ જે જીવે એ દુનિયા પર રાજ કરે છે એ વાત કવિએ એમના અંદાજમાં સરસ રીતે કહી છે.

3 Comments »

 1. UrmiSaagar said,

  February 7, 2007 @ 1:43 pm

  હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
  એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.

  અરે વાહ… કવિની ભાષામાં તો સુરતીપણાની ઝલક લાગે છે! 🙂

 2. વિવેક said,

  February 9, 2007 @ 9:19 am

  ગુજરાતી ગઝલના નવોન્મેષમાં ચિનુ મોદીનું પદાર્પણ કદી ભૂલી નહીં શકાય… સુંદર ગઝલ…

 3. ABHIJEET PANDYA said,

  September 21, 2010 @ 4:58 am

  ખુબ સુંદર રચના.િચ્નુભાઇની રચનાઓને હું ચાહક છું. ગઝલના બધાં જ શેર કાિબલે દાદ છે.
  આ ગઝલ મેં અગાઉ પણ વાંચેલી છે.ચીનુ ભાઇની ગઝલોમાં કોઇપણ પ્ર્કાર્ની ભુલ્ને સ્થાન જ નથી. તેથી જો સુધારાની શક્યતા હોય તો એક પ્રીન્ટ એરર તરફ ધ્યાન દોરું છું.
  ગઝલમાં રમલ છંદ વપરાયો છે.

  ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.

  ઉપરોક્ત િમસરામાં “પછી” અને “ઘર” વચ્ચેના “ગા” માં બંધબેસતો શબ્દ છાપવાનું ચુકી જવાયું છે.

  જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
  પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.

  સુંદર શેર.

  અિભજીત પંડ્યા (ભાવનગર ).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment