આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?
- વિવેક મનહર ટેલર

નેજવાંની છાંય તળે – હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તો ય ફૂલ જેમ ખૂલ્યું છે મન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!

છોગાની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવન.
સમણાંને સાદ કરી , હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુનાં પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

હરિકૃષ્ણ પાઠક

ઘરમાં આનંદ મંગળનો પ્રસંગ હોય અને વૃધ્ધ મન પણ પોતાના વીતેલા ઓરતા યાદ કરી હરખાતું હોય, તેવી ઘડીની અહીં બહુ નાજુકાઇથી કવિએ માવજત કરી છે. અહીં બુઢાપાના ખલીપાની નહીં પણ હુક્કાના કેફમાં તરબતર આશા અને આનંદના ગગનમાં ઝૂલતા; અને શરીરે વૃધ્ધ પણ અંતરથી યુવાન માનવની તરોતાજા, ખુશનુમા કેફિયત છે.

Leave a Comment