બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.
મનોજ ખંડેરિયા

અ-ગતિ – રઘુવીર ચૌધરી

હું હજી મધદરિયે ગયો નથી.
મારો તો તટવાસી સ્વભાવ
કદીયે ઊંડો ઊતર્યો નથી,
અને તેથી
આખા દરિયાનો ભાર
મેં હજી ઝીલ્યો નથી.

તર્કનાં લંગર નાખીને
હજાર વાર ચીપકી રહ્યો છું
અ-ગતિને.
વિષાદને વચગાળો માનીને
સહેલાઈથી સુખી રહ્યો છું.

અનાગતને ભાવી કમાણી માની
કરજ વધારી આંનદનું
વિષાદના સાતત્યની આડે આવું છું
અને ગાવા લાગું છું ગીત
ગાગરમાં સાગરનું.

– રઘુવીર ચૌધરી

તટસ્થ આત્મનિરીક્ષણ !

8 Comments »

 1. pragnaju said,

  April 17, 2011 @ 7:05 am

  અ-ગતિને.
  વિષાદને વચગાળો માનીને
  સહેલાઈથી સુખી રહ્યો છું.
  અ દ ભૂ ત
  વિમાન જ્યારે પુરા વેગમાં હોય છે ત્યારે એવું લાગે છે કે જાણે એતો ઊભું જ છે, ઊડતું જ નથી. એનો અર્થ એવો નથી કે જે પણ ઊભું હોય એ પ્રત્યેક એટલા વેગમાં ગતિ કરી રહ્યું હોય છે કે ગતિ કરતું હોય એવું લાગતું જ નથી. બે વસ્તુઓ ઊભી રહેલી હોય એવો આભાસ થાય છે – એક તો એ કે જે ગતિ જ ન કરતી હોય, અથવા તો એ કે જે એટલા વેગમાં ગતિ કરી રહ્યું હોય કે એની ગતિ જ અ-ગતિ, એનો વેગ જ અ-વેગ લાગે. મન સંસારમાં આમ-તેમ ભાગતું ફર્યા કરે છે. એ ક્યાં ક્યાં નથી જતું ? અનેજત્ એકં મનસો જવીયઃ – ગતિ ન કરતા હોવા છતાં પણ એ મન કરતા પણ વધારે ગતિશીલ છે. પ્રત્યેક વસ્તુમાં એની ઝાંખી છે, આ ઝાંખી જ મનને દોડાવ્યા કરે છે, પરન્તુ આમ દોડવું એ તો પડછાયાને પકડવા જેવું છે. જેનો એ પડછાયો છે એ જ્યાં સુધી પકડમાં નથી આવતો ત્યાં સુધી પડછાયાની પાછળ દોડતો ફર્યા કરે છે.પરમાત્મા પ્રત્યેક વસ્તુમાં ગતિનો સંચાર કરી રહ્યા છે, જે પ્રત્યેક વસ્તુને ચલાવે એ તો એવું લાગે છે કે જાણે ન ચાલતા હોવા છતાં ચાલી રહ્યા છે – तत् एजति; પરન્તુ ચલાવતા હોવા છતાં પોતે તો નથી ચાલતા, જાતે ગતિ નથી કરતા – तत् न एजति; સંસારમાં ડૂબેલાઓ, જે લોકો વિષયોના દાસ છે

 2. Bharat Trivedi said,

  April 17, 2011 @ 9:03 am

  અને ગાવા લાગું છું ગીત
  ગાગરમાં સાગરનું.

  ખૂબ સાચી વાત છે !

  કોઇ પણ કવિતાને મૂલવવા માટે તેના veinની અન્ય કોઈ કવિતાની બાજૂમાં ઊભી રાખીને તેને જોવી જોઈયે. આ કવિતા વાંચતાં મને ટાગોરની ‘ગીતાંજલી’નાં કાવ્યોની યાદ આવે છે. અહીં મુશ્કેલી એ છે કે ગીતાંજલીના કાવ્યોમાં જે વાત બને છે તેનો અહીં સદંતર અભાવ વર્તાય છે. અહીં પાણી પોચી અનુભુતિ કે કૃતકતા ઊડીને આંખે વળગે તેવી છે. એ પણ ખરૂ કે પ્રત્યેક સર્જક પોત પોતાની મર્યાદામાં રહીને કામ કરતો હોય છે.

 3. Maheshchandra Naik said,

  April 17, 2011 @ 11:45 am

  જીવનને મુલવવાની દ્રષ્ટી કવિશ્રીને પ્રાપ્ત થઈ, જે આપણા સુધી આવતા આપણને પણ આંતરખોજ કરવાનૂ મન થઈ જાય અને વિષેશ વિચારતા, મુલ્યાંકન કરતા થોડૉ સુધાર જીવનમાં આવી જાય તો પ્રસન્ન જીવન પ્રાપ્ત થઈ શકે એવુ લાગે છે…. સરસ રચના આપણા સુધી લઈ આવવા બદલ ડો.તીર્થેશ્ભાઈનો આભાર………………

 4. હેમંત પુણેકર said,

  April 18, 2011 @ 12:59 am

  સુંદર કાવ્ય!

 5. વિવેક said,

  April 18, 2011 @ 2:46 am

  કોઈપણ જાતની ફૂટપટ્ટી વાપર્યા વિના માણવું ગમે એવું કાવ્ય… ત્રણેય ખંડમાં કવિએ સહજ પ્રાસ વાપરીને અછાંદસમાં પણ હળવો લય સિદ્ધ કર્યો છે…

 6. સંજય ચૌધરી said,

  April 18, 2011 @ 7:06 am

  પિતાજીનું આ એક સુંદર કાવ્ય છે. વાચકો માટે તમે વેબ સાઈટ પર ઉપલબ્ધ કરાવ્યું તેનો આનંદ વ્યક્ત કરું છું.

 7. વિવેક said,

  April 19, 2011 @ 1:50 am

  કવિશ્રીના સુપુત્રનો આનંદ અમારા માટે ગર્વનો વિષય છે…

  આભાર…

 8. Kirtikant Purohit said,

  April 21, 2011 @ 2:04 am

  અ-ગતિને.
  વિષાદને વચગાળો માનીને
  સહેલાઈથી સુખી રહ્યો છું.

  આ ગમ્યુઁ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment