ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
મુકુલ ચોક્સી

એકલો – નિરંજન ભગત

હું એકલો છું મુજ ગેહ માંહી,
આ દેહ માંહી!
મુજ બંધ દ્વાર,
ને બહાર
ઊભો ઘન અંધકાર
કહે, ‘મને તું હ્રદયે જ ધાર!’
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’
હલત ન હાથ,
ન દ્વાર ખોલ્યું;
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું:
‘ના, સ્નેહસંધિ
આવો રચીને ઉભયે જ, સાથ!
ને ત્યાં લગી રહ્યાં છો પ્રવેશબંધી

મુજ ગેહ માંહી!’
હું એકલો છું મુજ દેહ માંહી!

– નિરંજન ભગત

પ્રકાશ કે અંધકાર બન્નેમાંથી કોઈને પણ એકલા સ્વીકારવાની કવિની તૈયારી નથી. બન્ને સાથે મળીને આવે તો જ વાત બને. અને જુઓ, જે નિર્ણય મન કરી શક્યું નહીં, એ હ્રદય એક જ ક્ષણમાં કરી લે છે.

13 Comments »

 1. jigar joshi 'prem' said,

  April 5, 2011 @ 3:26 am

  વાહ

 2. pragnaju said,

  April 5, 2011 @ 9:54 am

  કવિનું નામ ન લખ્યું હોય તો ય તરત જ પારખી શકાય કે
  નીરંજન ભગતની રચનાની છે.
  સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપવાનું કૌવત જે
  એમની રચનામાં જોવા મળે છે તે બીજે ક્યારેક જ દેખાય છે.
  નાની સરખી અનુભૂતિ
  પ્રકાશ કે અંધકાર બન્ને સાથે મળીને આવે તો જ વાત બને
  આ કવિ જ કરી શકે !
  મુજ ગેહ માંહી!’
  હું એકલો છું મુજ દેહ માંહી!
  આ હ્રદયની અનુભૂતિની વાત
  વર્ણવું અસંભવ

 3. જયેન્દ્ર ઠાકર said,

  April 5, 2011 @ 10:45 am

  ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું:
  ‘ના, સ્નેહસંધિ
  જ્યાં પ્રેમ છે ત્યાં પ્રકાશ કે અંધકારનો ભેદભાવ રહેતો નથી!

 4. વિવેક said,

  April 5, 2011 @ 11:16 am

  કવિતાનો આંતરિક લય અને પ્રાસની જુગલબંધી એટલા પાકા છે કે આ કવિતાને અછાંદસ કહેવી કે મુક્તપદ્ય કહેવું એ કોયડો થઈ પડે છે, બરાબર એવો જ કોયડો જે કવિ કાવ્યમાં પ્રકાશ અને અંધકારના અન્વયે અનુભવે છે…

  સુંદર કવિતા !

 5. P Shah said,

  April 5, 2011 @ 12:26 pm

  અછાંદસ છે છતાંય આ કાવ્યના લયસ્તરો પાકા જળવાયા છે.
  એકલો પ્રકાશ કે એકલો અંધકાર કવિને માન્ય નથી,
  કવિને ઉભયની સ્નેહસંધિ સમ સંધ્યા આવકાર્ય છે, એમ
  દુઃખ સાથે સુખની અને સુખ સાથે દુઃખની સ્નેહસંધિ સ્વીકારીએ તો
  જીવન ધન્યતા અનુભવે !

 6. preetam lakhlani said,

  April 5, 2011 @ 12:40 pm

  Dr. વિવેક ભાઈની વાત બિલકુલ સાચી છે……….. કે આ કવિતાને કહેવી કે મુક્તપદ્ય કહેવું એ કોયડો થઈ પડે છે, સુંદર કવિતા !

  ભગતસાહેબની વાત જ નિરાલી છે……… કહેવાતી આ અછાંદસ ખરેખર તો છ્ંદ બધ કરતા પણ વિશેશ છે…..આ કવિતાને કવિતાથી વિશેષ કઈ જ ન કહી શકાય્!! આનુ નામ જ કવિતા!

 7. DHRUTI MODI said,

  April 5, 2011 @ 2:10 pm

  સુંદર કાવ્ય.

 8. Maheshchandra Naik said,

  April 5, 2011 @ 2:59 pm

  સરસ રચના કવિશ્રી નિરંજન ભગત પ્રકાશ અને અંધકાર જીવનના બે પાસા છે એની અનુભુતી અનુભવી શકે એ જ માનવી એ વાત સરસ રીતે કરી છે…………………

 9. Bharat Trivedi said,

  April 5, 2011 @ 5:22 pm

  મહારાજ ઉવાચ ‘સાંભળો મારા સાધકો’

  જી મહારાજ.

  ‘સૉયના કાણામાંથી હાથી ગયો’

  જી મહારાજ.

  ‘ને પૂછડું અટક્યું’

  જી મહારાજ.

  મહારાજ ઉવાચ

  ‘સાલાઓ, સોયના કાણામાંથી હાથી જાય ખરો? ને જાય તો તેનું પૂછ્ડું અટકે ખરૂ?’

  આ વાત એટલે યાદ આવી કે એક બોલ્યો ને બીજાએ સૂર પૂરાવ્યો!

  ચાલો કામ પતી ગયું ! હમભી ખુશ ને આપભી ખુશ ! પણ કદાચ અહીં એવું નથી. ‘ગેહ’ એટલે શું ? અને સ્નેહ-સંધિ જ કેમ?

  એવું તો કદાચ ના હોય કે ધવલભાઈનો ભગત સહેબ પાસેથી કોઈ કામની વાત કરાવવાનો આશય હોય ! આગંતુકોમાં એક પ્રકાશ છે ને બીજો અંધાર ! આવકાર તો બન્નેને દેવો પદે પણ માત્ર એકજ શરતે કે આવો તો ‘સ્નેહ-સંધિ’સાથે ! નહી તો ….

  વાત સમજાણી,ને ?

 10. Bharat Trivedi said,

  April 5, 2011 @ 5:50 pm

  આ કાવ્ય વિશે વિચારતાં થાય છે કે અંધકાર ને પ્રકાશ એક સાથે હોઈ શકે? પ્રકાશની ગેર હાજરી એટલે જ અંધકાર. બરાબર ને? કવિતાનું લોજિક કદાચ થોડું જૂદું હોય છે .અહીં વાત છે હૈયાની એટલે કે હૈયાની. કવિતા વાંચતાં કોઈને આવા પ્રશ્ન થાય તો ચલાવી પણ લેવાય પણ ‘જી મહારાજ’વાળાઓનું શું કરવું ?

  -ભરત ત્રિવેદી

 11. P Shah said,

  April 5, 2011 @ 10:42 pm

  સંધ્યાકાળને શું કહેશો ?

 12. Kirtikant Purohit said,

  April 6, 2011 @ 12:01 am

  ભગત સાહેબનેી ગેહરી ચિઁતનની લ્હાણ

  મુજ ગેહ માંહી!’
  હું એકલો છું મુજ દેહ માંહી!

 13. Bharat Trivedi said,

  April 6, 2011 @ 11:00 am

  દીવા કરવાનો વખત! .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment