બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
નયન દેસાઈ

ડોકટરની પ્રાર્થના – કુંદનિકા કાપડિયા

એ મારી મોટી વિડંબણા છે ભગવાન
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે.

પણ એ મારું સદભાગ્ય પણ છે
કે લોકોની પીડા દૂર કરવાની
એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
એક ઉત્તમ તક તેં મને આપી છે.
મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
એવી મને શક્તિ આપજે.

દરદીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું
રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું
કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું
તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું
તેનો ઉપચાર કરતાં, તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં
એવી મને સદબુદ્ધિ આપજે.

તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું
તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં
નિદાન અને દવા ઉપરાંત
આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ
તેને ખૂબ જ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં
તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા
અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું
એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.

આ વ્યવસાય પૂણ્યનો છે,
પણ તેમા લપસવાપણું પણ ઘણું છે,
તેમાં હું મારી જાતને જાળવી રાખું
ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે
વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની ભૂમિકા વચ્ચે
સમતોલપણું જાળવી શકું
એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.

અને આ બધોય વખત
સૌથી મહાન ઉપચારક તો તું જ છે,
સ્વસ્થતાનો સ્ત્રોત તો તારામાંથી જ વહી આવે છે
હું તો માત્ર નિમિત્ત છું –
એ હંમેશા યાદ રાખી શકું, એવી મને શ્રદ્ધા આપજે.

– કુંદનિકા કાપડિયા
(‘પરમ સમીપે’)

જેણે ડોકટરના વ્યવસાયને નજીકથી ન જોયો હોય એના માટે આ પ્રાર્થનાની બારીકી સમજવી અઘરી છે. આજે બદલાતા જતા સમયમાં પણ ડોકટરો સૌથી વધારે વિશ્વાસનીય વ્યવસાયનું સ્થાન ભોગવે છે એનું કારણ છે કે આ વ્યવસાયના પોતમાં જ સેવા વણાયેલી છે. સમય, સમજ કે ધીરજના અભાવે જ્યારે ડોકટરનો ધર્મ વિસરી જવાય છે ત્યારે આ પ્રાર્થના એને તરત યાદ કરાવે છે.

6 Comments »

 1. Jayshree said,

  January 19, 2007 @ 11:33 pm

  ઘણા વર્ષો પહેલા વલસાડની કોઇ હોસ્પિટલમાં કયાં તો આ જ પ્રાથના, અથવા તો આવા અર્થવાળી બીજી કોઇ પ્રાથના વાંચી હોય એવું યાદ છે, પ્રથમ પંકિત આવી જ હતી….

  એક ડોક્ટરની પ્રાથના વાંચીને હું બસ આટલું જ કહીશ :
  આભાર ધવલભાઇ, વિવેકભાઇ અને આ વાંચતા સૌ ડોક્ટર્સનો…. !!
  Thank You, for being you. 🙂

 2. વિવેક said,

  January 20, 2007 @ 2:50 am

  આમીન !

 3. Bhavna Shukla said,

  September 5, 2007 @ 3:14 pm

  વડોદરા માં ડો. અમિતભાઇ ની હોસ્પિટલ માં અનેક વખત આ વાચેલી ૫ણ કુંદનીકાબહેનની રચના છે તે આજે જ જાણ્યુ. આભાર. આઠમુ પગલુ પણ ઉંચેરુ તે આ……

 4. Pishpakant Talati said,

  October 23, 2010 @ 6:37 am

  સરસ, ખુબ જ સરસ .

  આવી જ એક પ્રાર્થના “વકીલ / એડવોકેટ” માટે પણ રચવી બહુજ જરુરી છે અને તે કરતાં પણ વધુ જરુરી છે તેઓના હ્રદય નું જાગ્રુત થાવું.

  અત્યારના જમાનામાં આપણા સમાજનાં આધાર સ્થંભ સમા મુખ્ય બે વ્યવસાયો અને તેમાંનો એક “વકીલ” અને બીજો “ડોક્ટર”. પરન્તું આ સ્વાર્થી માણસવ્રુતી એ આ બન્ને વ્યવસાયો ને “દલાલ” થી પણ ઉતરતા બનાવી દીધા છે

  ઈશ્વર દરેક ને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના .

 5. vasant shah said,

  January 16, 2013 @ 4:27 am

  MAF KARJO. AAJ KAL AAVA PRATHNA KARE TEVA DOCTOR CHHE KHARA ?
  HA, KNDNIKABEN DOCTOR THAY TO JARUR AAVI PRATHNA KARE !

 6. vasant shah said,

  January 16, 2013 @ 4:30 am

  VAKIL, DOCTOR ANE SHIXAK TRANE AA PRATHNA VANCHE ANE SAMJE TO JAGAT SUDHRI JAY. JIVVA JEVU BANIJAY .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment