જિંદગીભર જાતને અદ્રશ્ય રાખી તેં ખુદા,
છેક છેલ્લો ઘાવ કરવા, રૂબરૂમાં આવજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગુલામી – દલપત ચૌહાણ

ગુલામીની બેડીઓ
કેવી હોય છે, દોસ્તો ?
નજરે જોઈ નથી.
રાજમાર્ગ પર ચાલતાં ચાલતા
હ્રદય થડકો ચૂકી જાય
પૂજા માટે ઝૂકેલું મસ્તક
છેદાય જાય
નજર સામે સંભોગાતી સ્ત્રીની ચીસ
સંભળાય, તો ય
મૌનનો કિલ્લો તૂટે નહીં
તેને શું કહીશું, દોસ્તો ?

– દલપત ચૌહાણ

ગુલામી તો માનસિક અવસ્થા છે. કોઈ કાયદો કદી કોઈને સ્વતંત્ર બનાવી શકતો નથી. સ્વતંત્રતાની કિંમત આપવાની તૈયારી, એને પચાવવાની તાકાત, અને એને જીરવવાની હિંમત આ બધુ હોય તો જ કોશિશ કરવી. બાકી તો ઘેટાંના ટોળામાં એક વધારે, બીજું શું ?

10 Comments »

 1. gunvan thakkar said,

  March 22, 2011 @ 1:41 am

  કવિ સ્ત્રીઓ પર થતા બળાત્કારની સામે આપણી લાચારીની વાત કરે છે અહી સંભોગાતી શબ્દનો પ્રયોગ અસ્થાને છે સંભોગ = સમ+ભોગ એટલેકે બન્ને જણની સંમતીથી માણેલો ભોગ

 2. વિવેક said,

  March 22, 2011 @ 6:55 am

  ગુણવંતભાઈ સરસ મુદ્દો લઈ આવ્યા…

 3. preetam lakhlani said,

  March 22, 2011 @ 11:15 am

  ગુણવંતભાઈની વાત જો ભાઈ દલપતને સમજાણી હોત તો દલિત કાવ્ય સોળે કળાએ ખીલી ઉઠયુ હોત્! જો કવિ બળાત્કારની વાત અહિયા કરતા હોય તો, કાવ્ય બને છે નહિતર કાવ્યમા કાવ્યત્વ ખોવાય જાય છે………….બાકી બધુ બરોબર છે!!!!!!!!

 4. preetam lakhlani said,

  March 22, 2011 @ 11:19 am

  સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
  એની તને પરવા અને દહેશત શું છે ?
  પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
  અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
  મરીઝ
  જે વાત દલપતભાઈ ઉપર કાવ્યમા કહે છે એ જ વાત મરીઝ જરા જુદી રીતે કરે છે!

 5. DHRUTI MODI said,

  March 22, 2011 @ 3:00 pm

  માનસિક ગુલામીની સુંદર રજુઆત. ગુણવંતભાઈનો મુદ્દો સાચો છે.

 6. Bharat Trivedi said,

  March 22, 2011 @ 4:44 pm

  એક સારો વિચાર કવિતાને સફળ કવિતા બનાવવા માટે ક્યારેક પૂરતો હોતો નથી. આ કવિતા તેનું એક સુંદર ઉદાહરણ છે.

  -ભરત ત્રિવેદી

 7. pragnaju said,

  March 22, 2011 @ 10:12 pm

  મધ્યમવર્ગી ગુજરાતને અજાણી એક આખી દુનિયા, કહો કે દલિતોનો દેશ, જોસેફ મેકવાન,દલપત ચૌહાણ, મોહન પરમાર અને બીજાઓ એમનાં ચરિત્રો સાથે ને કાવ્યો,વાર્તા-નવલકથાઓ સાથે ઉઘાડી આપી. આ વાત માટે લાંબો સમય દલિત સર્જકોનું ઋણી રહેશે..
  દલપતભાઇની આ પંક્તીઓ સહજ યાદ રહી જાય
  આભલાનાં રૂપ થઇ વરસો રે આમ ભલે,
  કોડિયાની ભાત છે અમારી.
  આપ્યાં રે રીત ગીત ફાગણનાં તમને,
  પાનખરની પ્રીતડી અમારી.
  ત્યારે ગુલામીના અન્યાયના આક્રોશની અભિવ્યક્તી
  પૂજા માટે ઝૂકેલું મસ્તક
  છેદાય જાય
  નજર સામે સંભોગાતી સ્ત્રીની ચીસ
  સંભળાય, તો ય
  મૌનનો કિલ્લો તૂટે નહીં
  તેને શું કહીશું, દોસ્તો ?
  અહીં સંભોગ વ્યંગ તરીકે વપરાયો છે.જોકે શબ્દકોષમા તપાસતા સંભોગ એટલે કોઈ પદાર્થનો સુખરૂપ ભોગવટો. સ્ત્રાળ – પુરુષાનો સાંસારિક કામસંબંધ, ભોગવિલાસ, મૈથુન.થાય છે.તેમનો સચોટ આક્રોશ ચીસ વ્યક્ત થાય છે.આ ચીસ શબ્દ વાંચતા જ ગુલામીની લાચારી કરતા મૌનનો કિલ્લો ન તોડતા સમાજના ગુલામી ડરપોકતા અંગે કવિને શબ્દ જડતો નથી!
  આ વાત દિલ પર ચોટ કરે છે.

  લીબીયનોનો બળવો શરુ થાય છે.

 8. Pancham Shukla said,

  March 23, 2011 @ 7:01 am

  આ કવિતા બને છે કે નહિ એ મને ખબર નથી પણ આ ચર્ચા પરથી કવિતાની પ્રત્યાયન ક્ષમતા બાબત એક જનરલ વાત સૂઝે છેઃ કવિતાનો શબ્દ ઘણી વાર એના વાચ્યાર્થ પ્રમાણે નહિ પણ આસપાસના સંદર્ભો અને શબ્દોની ગૂંથણી પર આધાર રાખતો હોય છે. જે શબ્દ વિશે ચર્ચા ચાલે છે એનો ધ્વન્યાર્થ આપણે પામી શકયા એનો એક અર્થ એમ ન થાય કે કવિ એક ઋગ્ણ આયામ સાથે પ્રગટતા શબ્દને બદલે બધુ પોએટિક શબ્દ વાપરી કોમ્યુનિકેટ કરી શકયા છે?

 9. preetam lakhlani said,

  March 23, 2011 @ 8:17 pm

  આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
  કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !

  અંકિત ત્રિવેદી
  બહુ જ સરસ્ ………..

 10. વિવેક said,

  March 24, 2011 @ 1:32 am

  પ્રીતમભાઈની વાત સાચી છે…
  કવિને જે કહેવું છે એ કવિ સફળતાપૂર્વક કહી શક્યા છે એ એમની સિદ્ધિ છે, ભલે શબ્દ ગમે એ વાપર્યો કેમ ન હોય… મારો તાત્ક્ષણિક પ્રતિભાવ આપી દીધા પછી હું બે દિવસથી વિચારતો હતો કે મારાથી કાચું બફાઈ ગયું છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment