આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
મનોજ ખંડેરિયા

કાનજી ને કહેજો કે – જયંત પાઠક

કાનજીને કહેજો કે આવશું,
બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં વાંકું શું પાડવું તમારે!
કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે?
પળની ન મળે નવરાશું…
કાનજીને કહેજો કે આવશું.

મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
જીવતરની વેચીએ છાશું…
કાનજીને કહેજો કે આવશું.

મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી,
આખી રહેશે તો લેતા આવશું…
કાનજીને કહેજો કે આવશું.

– જયંત પાઠક

2 Comments »

 1. pragnaju said,

  February 25, 2011 @ 2:29 pm

  એક સુંદર રચના
  મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
  સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
  જીવતરની વેચીએ છાશું…
  કાનજીને કહેજો કે આવશું.
  મધુર મધુર પંક્તીઓ
  સુંદર સ્વરાંકનમાં સાંભળવાની મઝા તો કાંઇ ઔર!!

 2. dHRUTI MODI said,

  February 25, 2011 @ 4:18 pm

  સુંદર ગીત. મઝાની ગોપીની ફરિયાદ અને અંતે તો હદ કરી કહે કે છાતી ન ભાંગી જશે તો તમારી પાસે સાબૂત હૃદય લઈને આવશું. ખૂબ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment