કોઈની યાદ બારી બની ગઈ ‘નયન’
સાંજ જેવું ઝીણું ઝરમર્યા તે અમે
નયન દેસાઈ

પ્રેમસૂક્ત (અંશ) – હરીશ મીનાશ્રુ

તમે પુષ્પ ચૂંટ્યું
તો મેં ગંધ
તમે પાદુકા ઉતારી
તો મેં પંથ
તમે ત્યજ્યાં પટકૂળ
અને મેં ત્વચા
હવે ઝળહળે તે કેવળ પ્રેમ

– હરીશ મીનાશ્રુ
(‘પર્જન્યસૂક્ત’)

આવરણો -ભૌતિક અને અધિભૌતિક- પાછળ છોડી દો પછી બચે તે પ્રેમ. ને છોડવું જ હોય તો અડધું પડધું શું કરવા છોડવું ? – પુષ્પના આકારને બદલે ગંધનો આખો વિસ્તાર જ છોડવો, પાદુકાને ઉતારવાને બદલે સફરની ઈચ્છા જ ઉતારી નાખવી અને વસ્ત્ર પર અટકવાને બદલે અસ્તિત્વની ત્વચા જ ઉતારી દેવી. બધા આવરણ ઉતારી, અઠે દ્વારકા કરીને બેસો એટલે બધુ જ ઝળહળ ઝળહળ.

5 Comments »

  1. P Shah said,

    February 23, 2011 @ 3:16 AM

    વાહ !
    ધવલભાઈ તમારો આસ્વાદ વાંચ્યા પછી આ આધ્યાત્મિક કવિતા
    વધારે સરળતાથી સમજાઈ.

  2. pragnaju said,

    February 23, 2011 @ 10:46 AM

    તમે પાદુકા ઉતારી
    તો મેં પંથ
    તમે ત્યજ્યાં પટકૂળ
    અને મેં ત્વચા
    હવે ઝળહળે તે કેવળ પ્રેમ

    અ દ ભૂ ત

    પ્રેમ તમને આવું બધું કરશે કે જેથી તમારા હૃદયમાં રહેલા ગુણોને તમે જાણો અને તે જાણપણાથી જગજીવનના હૃદયનો અંશ બનો. પણ આથી ડરી જઈ જો તમે કેવળ પ્રેમની શાંતિ અને પ્રેમનો ઉલ્લાસ જ શોધતા હો, તો તો બહેતર છે કે તમે તમારાં ફોતરાંને જ લપેટી લઈ પ્રેમના ખળામાંથી નીકળી જ જાઓ. અને ઋતુઓ વિનાના જગતમાં પેસી જાઓ, કે જ્યાં તમે હસી શકશો, પણ તમારા પૂર્ણ હાસ્યથી નહીં, અને રડી શકશો પણ તમારાં બધાં આંસુથી નહીં.પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી, અને પોતા સિવાય બીજા કશામાંથી લેતોયે નથી. પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી, અને કોઈનો તાબેદાર બનતો નથી. કારણ પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે. અને જ્યારે તમે પ્રેમને અનુભવો ત્યારે ‘પ્રભુ મારા હૃદયમાં છે’ એમ કહેવા કરતાં ‘હું પ્રભુના હૃદયમાં છું’ એમ બોલો. એમ ન માનો કે તમે પ્રેમનો માર્ગ દોરી શકશો; કારણ, જો તમારી પાત્રતા હોય તો, પ્રેમ જ તમારો માર્ગ દોરે છે. માત્ર પોતે કૃતાર્થ થવું તે સિવાય પ્રેમને કશી કામના હોતી નથી. તમે પુષ્પ ચૂંટ્યું તો મેં ગંધ…

  3. preetam lakhlani said,

    February 23, 2011 @ 12:00 PM

    ફકત બસ આટલુ…….સરસ્

  4. dHRUTI MODI said,

    February 23, 2011 @ 2:22 PM

    સંપૂર્ણ સ્વાપર્ણની કવિતા. ખૂબ ખૂબ સુંદર.

  5. બીના said,

    February 24, 2011 @ 2:49 PM

    સુન્દર કવિતા!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment