આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?
– મેહુલ એ. ભટ્ટ

આજે છે ‘રૂસ્વા’ મઝલૂમીનો 91મો જન્મ દિન

આજે પાજોદ દરબાર શ્રી ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી –  ‘રૂસ્વા’ મઝલૂમી – નો જન્મદિન છે. 91 વર્ષના આ શાયર ગુજરાતી સાહિત્યનું એક ઘરેણું છે. જેને માણસ કહી શકાય તેવા આ માણસે પોતે તો બહુ જ ઉચ્ચ કક્ષાની ગઝલો સરજી છે, પણ તેથી પણ વધારે સારું કામ તેમણે આપણા સાહિત્યના અણમોલ રત્ન જેવા બે ગઝલકારો અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરીના ઘડતરનું કર્યું છે. તેમના જ બાગમાં આ બે છોડ પાંગર્યા હતાં. આ ઉપરાંત તેમણે લખેલી સ્વાનુભવ આધારિત વાર્તાઓ પણ અણમોલ રત્ન જેવી છે.

નવાબી ઠાઠમાં ઉછરેલા અને નવાબી શોખવાળા આ ‘માણસ’ને નવાબી જતાં જીવનના સંઘર્ષોનો ઘણો સામનો કરવો પડ્યો. છતાં 91 વર્ષની ઉમ્મરે પણ જળવાઇ રહેલી તેમની મગરૂરી અને જિંદાદિલી આ ગઝલોમાં બહુ સરસ રીતે ઉપસી છે.

આજના શુભ દિને આપણે તેમને શુભ કામનાઓ અર્પીએ અને કમ સે કમ આપણી ભાષાના આ પ્રેમને ટકાવી રાખી તેમને એહસાસ આપીએ કે, તેમણે ગુજરાતી સાહિત્યની કરેલી સેવા આપણે હંમેશાં યાદ રાખીશું.

તેમના જીવન વિશે વધુ જાણવા અહીં ‘ક્લીક’ કરો.

તેમની રચનાઓ – તેમના જ શબ્દોમાં – તેમના જીવન વિશે કેટલું બધું કહી જાય છે?

જીવન સિધ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો,
ફકીરી કે અમીરી ફેર વર્તનમાં નથી હોતો;
સદા રહેશે અમારો આ નવાબી ઠાઠ ઓ ‘રૂસ્વા’ ,
ખરો વૈભવ તો મનમાં હોય છે, ધનમાં નથી હોતો.  

***

મને જિંદગીના પ્રસંગો ન પૂછો,
બધા હસતા, હસતા પતાવી દીધા છે.
પ્રલોભન, જો આવ્યા છે જીવનમાં જ્યારે
મેં ખુદ્દારે દિલથી ફગાવી દીધા છે.

બધા ઓરતાઓ, ને આશાઓ ક્યાંથી,
ફળે, મંજરીની, મહેક થઇને કાયમ
અફળ કામનાઓના, ઓથાર બેશક
રહી મૌન દિલમાં સમાવી દીધા છે.

તરંગોની માફક જે દિલમાં, ઊઠ્યા તે,
મનાવી લીધા છે રૂઠેલા ઉમંગો,
અને આવકાર્યા છે અવસર મળ્યા જે
હૃદય ઉર્મિઓથી વધાવી દીધા છે.

ખુદાની કસમ હું- છું ઇન્સાન ‘રૂસ્વા’
ને ઇન્સાનિયતનો પ્રશંસક રહ્યો છું,
મળી છે મને બાદશાહી ફરીથી
જે આવ્યા પ્રસંગો દીપાવી દીધા છે.

***

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

7 Comments »

  1. mukesh shukla said,

    December 11, 2006 @ 8:18 AM

    વાહ, ખુબજ સરસ

  2. ધવલ said,

    December 11, 2006 @ 6:05 PM

    સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
    વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

    – સરસ વાત !

  3. ઊર્મિસાગર said,

    December 11, 2006 @ 11:43 PM

    ખુબ જ સુંદર રચનાઓ છે….

    ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
    મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

    કવિની આ મગરૂરીને તો લાખો સલામ…
    ભગવાન એમને દીર્ઘાયુની સાથે તંદુરસ્તી પણ બક્ષે એવી પ્રાર્થના!

  4. wafa said,

    December 12, 2006 @ 7:31 PM

    91 વર્ષના બુઝુર્ગ ,શાયરી ના નવાબ(રૂસ્વા મઝલૂમી) ને સલામ અને સેહત,ઈમાન ની દૂઆ સાથે અર્પણ.

    રૂસ્વાતો થા મગર બદનામ નહીઁ થા,
    મઝલુમ તો રહા મગર જાલિમ નબના.

    ઈસ સાહેબે ગયરત સે અલ્લહ હો રાજી
    વકતકી ગર્દીશ મેઁ”વફા”માયુસ નબના.
    ‘વફા”
    :For more pl go to:

    http://www.bazmewafa.blogspot.com/

    ૧૨ડીસે.૨૦૦૬

  5. Pravin V. Patel said,

    December 13, 2006 @ 12:11 AM

    અમીરી કે ફકીરીમાં સદાય અલમસ્ત નિજાનંદી પારકાના દુઃખ પોતાના કરનાર દિલે-અમીર ”રુસ્વા” સાહેબને જન્મદિન મુબારક અને બાદશાહી ફકીરને સો સો સલામ.
    વિજયભાઈ આપની સુઝબુઝને વંદન——–આપ
    કવિઓ અને ગઝલકારો-વિષપાન કરી અમૃત પિરસતા મરજીવાઓને સ્ટેજ પર પ્રકાશિત કરો છો.
    ધન્યવાદ.

  6. Pravin V. Patel said,

    December 14, 2006 @ 2:17 AM

    ભાઈશ્રી સુરેશ જાની,
    મારી ભૂલ તરફ આપના અંગુલિનિર્દેશ બદલ આપનો આભાર.
    આપનુ અમૂલ્ય પ્રદાન સતત વહેતુ રહે એવી શુભેચ્છાઓ.
    ધન્યવાદ.

  7. ‘રૂસવા’ મઝલૂમી, Rooswa Majhaloomi « ગુજરાતી સારસ્વત પરિચય said,

    February 14, 2008 @ 2:52 PM

    […] #    91મા જન્મદિને શુભકામનાઓ …………..       લયસ્તરો       :       કવિલોક  […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment