પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે -
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?
વિવેક ટેલર

તૃપ્ત કરે જળકૂપ – બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

કરે ચૂંચવતો રહેંટ
ઘટિકાચક્ર ચક્રભ્રમણે ફરી ઠલવે ધડધડ વારિભાર
સ્ફટિક મુશળ શી ધાર સ્ફાર
ઊછળી પછડાટે વેરછેર
છંટાતો શીકરનિકરનો મોતીફુવાર
જળપૂરે ખળખળ ઊભરાતી વેગે વહત પ્રણાલ :
.                          વનસીમાન્તે કરે ભલેરો આ જળકૂપ
શ્રાન્ત, પિપાસુ ગ્રીષ્મ-પથિકનાં
.                         લોચન, કંઠ, શ્રવણ સંતૃપ્ત

– બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

સાતમી સદીમાં રાજા હર્ષવર્ધનના શાસનમાં રાજકવિ તરીકે સ્થાન પામેલ બાણભટ્ટનું આ નાનકડું કાવ્ય કવિતાના પ્રાણને સમજવામાં મદદરૂપ થઈ શકે એમ છે. એક સફળ કવિતા શી રીતે બને છે? શબ્દોની ગોઠવણી કે પ્રાસગુંથણીથી ? મને લાગે છે કે કવિતાનો ખરો પ્રાણ એ કવિની દૃષ્ટિ છે. જે વસ્તુ આપણે સહુ રોજબરોજની જિંદગીમાં જોતા રહીએ છીએ એ જ વસ્તુ પર કવિની નજર પડે છે ત્યારે ફરક સમજાય છે.

વનના સીમાડે કૂવામાંથી પાણી ખેંચવા માટેનો રહેંટ ફરતો જાય અને ધડધડ પાણી પછડાતાં ઉડતી રહેતી વાંછટનું સાવ સીધુંસાદું દૃશ્ય કવિની નજરમાં ચડે છે તો કવિતા બની જાય છે… શરૂઆતની પંક્તિઓમાં કવિ એક મજાનું શબ્દચિત્ર ઊભું કરે છે અને અંતે છેલ્લી બે લીટીના આઠ શબ્દોમાં કવિતાનું સર્જન કરે છે… ઉનાળાના તાપથી તપેલા, થાકેલા, તરસ્યા ઉનાળુ માટે આ રહેંટ શું છે?  પાણીની સાચી તાકાત શી છે? છેલ્લા ત્રણ શબ્દ પર નજર નાંખીએ અને વિચારીએ…

*

રહેંટ = કૂવામાંથી પાણી ખેંચવાને માટે કરેલી ઢોચકાંવાળા ચક્કરની યોજના; ઘટીચક્ર
શીકરનિકર = પાણીની છાંટનો ઢગલો
પ્રણાલ = પરનાળ; ખાળ; નીક; પાણી નિકળવાનો માર્ગ; ધોરિયો
શ્રાન્ત = થાકેલું

9 Comments »

  1. Dinesh Pandya said,

    July 1, 2011 @ 3:00 AM

    અતિ સુંદર!
    કવિ બાણભટ્ટની બળકટ કવિતાનો મહાન ગુજરાતી સારસ્વત સ્વ. શ્રી હરિવલ્લભ ભાયાણીએ કરેલ એટલો જ સુંદર ભાવાનુવાદ! મૂળ રચનામાં જ હશે એ રીતે અનુવાદમાં પણ ક્યાંય શબ્દોની ગોઠવણ કે પ્રાસગુંથણ ન લાગે.
    તમે ખરું જ લખ્યું છે ” કવિતાનો ખરો પ્રાણ એ કવિની દૃષ્ટિ છે”. અમને જ્યાં પાણીનાં છાંટા ઉડતા લાગે ત્યાં તમને કવિઓને ” છંટાતો શીકરનિકરનો મોતીફુવાર” લાગે.

    ધન્યવાદ અને અભિનંદન!

    દિનેશ

  2. Pooja said,

    July 1, 2011 @ 7:11 AM

    બહુજ સરસ

  3. Kalpana said,

    July 1, 2011 @ 7:15 AM

    વાહ
    તાદ્રુશ શબ્દચિત્ર અને બાણભટ્ટ જેટલી જ ઉંચી ભાષામા થયેલો ભાવાનુવાદ વાંચીને સવાર ધન્ય થઈ ગઈ.
    “શીકરનિકરનો મોતીફુવાર” શબ્દરચના કેવી શોભેછે! લોચન, શ્રવણ, કંઠ,કર્ણ સંતૃપ્ત વાચકોના પણ!!

    આભાર વિવેકભાઈ, સચોટ સમજણ માટે, આટલી સુંદર પસંદગી માટે.
    કલ્પના

  4. himanshupatel555 said,

    July 1, 2011 @ 10:57 AM

    પંચેન્દ્રિયથી અનુભવાય તેવી સક્ષમ કવિતામાં પેલો (ભગવદ કે લેક્ષિકોનમાં ન મળતો) ‘સ્ફાર’ શું છે?
    સ્ફટિક મુશળ શી ધાર સ્ફાર…

  5. મીના છેડા said,

    July 1, 2011 @ 11:20 AM

    ગજબ…

    આભાર માનવો જ રહ્યો….

  6. Pancham Shukla said,

    July 1, 2011 @ 7:00 PM

    સાદ્યંત સુંદર….

    મને લાગે છે કે …. સ્ફાર = પ્રચુર , વિપુલ (full blown, Very extensive) ના અર્થમાં લઈ શકાય.

    સ્ફારિત એટલે વિસ્તૃત અને એના પરથી ‘વિસ્ફારિત નયન’ જેવો પ્રયોગ વધુ જાણીતો છે.

  7. marblelessmonk said,

    July 1, 2011 @ 8:31 PM

    ખૂબ જ સુન્દર. ઘણો ઘણો આભાર.

  8. Maheshchandra Naik said,

    July 3, 2011 @ 11:39 PM

    સરસ કાવ્ય અને ગ્રામ્ય વાતાવરણમા અને બાળપણમા ગામ જતા ત્યારે અનુભવેલુ અને જોયેલુ ચિત્ર આંખ સામે આજે વયસ્ક વયે કેનેડામા લઈ આવવા બદલ ડો. વિવેકભાઈ આપનો આભાર, વળી સાથે સમજ પણ જુદાજુદા શબ્દોની આપી એટલે અમારા પૌત્ર, પૌત્રીઓને પણ સમજાવ્યુ કે આપણૂ ગામ કેવુ હતુ અને પાણી માટે શું શું કરવું પડતું એ બધી વાતો યાદ કરી ખુબ આનદ પ્રાપ્ત થયો, કવિશ્રીને અને અનુવાદકને પણ સલામ……………..

  9. ધવલ said,

    July 5, 2011 @ 12:09 PM

    સરસ ચિત્ર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment