સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.
વિવેક મનહર ટેલર

અહીં સંધ્યા ખર્યા કરે – આસિફ મીરાં

પ્રત્યેક ક્ષણની વારતા મનમાં ફર્યા કરે
ને ફેફસાંમાં શ્વાસના ફુગ્ગા તર્યા કરે

ઘટનાને સાવ સત્ય તમે માનશો નહીં
ઈચ્છાના શ્વેત દેડકા દરિયા ઝર્યા કરે

આભાસી ભીંત ચીતરું છું ઝાકળની આંખમાં
શબ્દો ગઝલના પ્રાસ બની વિસ્તર્યા કરે

ભૂલી ગયો છું પીળા સમયની દિશાને હું
તારા અભાવની અહીં સંધ્યા ખર્યા કરે.

– આસિફ મીરાં

પીળા પડી ગયેલા સમયની આ ગઝલમાં અભાવ અને ઉદાસીને કવિએ બારીકાઈથી કંડાર્યા છે.

15 Comments »

  1. Bharat Trivedi said,

    December 21, 2010 @ 9:07 AM

    અત્યાર સુધી લયસ્તરો પર વાંચેલી ગઝલોમાં આ સૌથી અલગ લાગી. મારા કવિ-મિત્ર મનહર મોદીએ અગાસી ગઝલ લખી ત્યારે વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ તેને મોં-માથા વગરની કહી હતી ! મને તે વાત અહીં યાદ આવે છે.

    -ભરત ત્રિવેદી

  2. અનામી said,

    December 21, 2010 @ 12:50 PM

    નિખાલસતાપૂર્વક કબૂલુ છું…કંઈ ખબર ના પડી…

  3. pragnaju said,

    December 21, 2010 @ 3:24 PM

    કવિતા વિશે સહુનો પોતાનો અંગત અભિપ્રાય હોઈ શકે એટલે
    કોઈ એક ભાવક કવિ કે કવિતાની ઝટકણી કાઢે તો એના પર તૂટી પડવું યોગ્ય નથી…
    નિઃશંકપણે આ ગઝલ આસિફ મીરાં ની ઉત્તમ ગઝલોમાંની એક નથી જ…
    મને પોતાને આ ગઝલમાં કેટલાક શેરમાં ખાસ ગતાગમ પડતી નથી…
    કોઈ વિચાર વિસ્તાર કરી આપશે?ખાસ કરીને
    ઘટનાને સાવ સત્ય તમે માનશો નહીં
    ઈચ્છાના શ્વેત દેડકા દરિયા ઝર્યા કરે

    આભાસી ભીંત ચીતરું છું ઝાકળની આંખમાં
    શબ્દો ગઝલના પ્રાસ બની વિસ્તર્યા કરે
    ……………………………………………..
    ગમી આ પંક્તીઓ
    ભૂલી ગયો છું પીળા સમયની દિશાને હું
    તારા અભાવની અહીં સંધ્યા ખર્યા કરે.
    યાદ આવી
    આમ જે રંગ જ નથી તેનું વિસ્તરવું
    એટલે શૂન્ય સૃષ્ટિનું પ્રસ્તરવું.
    આટલું જ્યારે સમજાય ત્યારે તો
    રંગની વાત નીકળતાં જ
    શ્વેત એટલે જ શ્યામનો અભાવ
    ને શ્યામ છે શ્વેતનો અભાવ –
    એ પરસ્પરના અભાવમાં
    અસ્તિત્વનું ટકી રહેવું તે જ સ્વ-ભાવ.

  4. Pancham Shukla said,

    December 21, 2010 @ 5:18 PM

    આ સરસ ગઝલ/કવિતાનું ભાવવિશ્વ ગમ્યું.

  5. Pinki said,

    December 22, 2010 @ 2:26 AM

    પ્રત્યેક ક્ષણની વારતા મનમાં ફર્યા કરે
    ને ફેફસાંમાં શ્વાસના ફુગ્ગા તર્યા કરે

    ઘટનાને સાવ સત્ય તમે માનશો નહીં
    ઈચ્છાના શ્વેત દેડકા દરિયા ઝર્યા કરે.

    વાહ… સરસ ! લાંબા સમયે કંઇક નવું વાંચવા મળ્યું !!

  6. હેમંત પુણેકર said,

    December 22, 2010 @ 5:08 AM

    ખરેખર અર્થવિસ્તારની જરૂર છે. મને એક પણ શેરમાં ટપ્પો ના પડ્યો. શક્ય છે કે આ કાવ્યને સમજવામાં મારી સજ્જતા ઓછી પડે છે. કવિને અભિપ્રેત અર્થ શું હતો એ વાત જવા દઈએ તો મને નથી લાગતું કે કોઈ પણ બે ભાવકોનું અર્થઘટન ચારે શેર માટે સરખું આવે.

    ભાવક જ્યારે શેર સાંભળે ત્યારે એ પ્રથમ અર્થઘટન કરે છે. અર્થ ઘટિત થાય એ સાથે ભાવની, વિચારની ચોટ આવે છે અથવા એવું અપેક્ષિત છે. અર્થઘટન અને ભાવસ્ફોટ આટલું થાય એટલે પ્રત્યાયન પૂર્ણ થયું ગણાય. મને તો અર્થ જ નથી સમજાયો એટલે આગળની વાત શું કરવી.

    મને જો કોઈ શેરની કાવ્યક્ષમતા (કાર્યક્ષમતા જેવી જ કાવ્યક્ષમતા) વ્યાખ્યાયિત કરવા કહે તો હું કહું કે ભાવસ્ફોટથી મળતો આનંદ ભાગ્યા અર્થઘટન માટે લાગતો સમય. જો વાત કહેવા માટે કોઈ અરુઢ સાધનો/ઉપકરણો પ્રયોજાયા હોય અને અર્થઘટનમાં વધુ સમય લાગતો હોય તો સામે પક્ષે એનો ભાવસ્ફોટ પણ એ કક્ષાનો હોવો જોઈએ નહીં તો કાવ્યક્ષમતા માર ખાઈ જાય છે.

    જવાહર બક્ષીનો આ શેર વાંચ્યો ત્યારે અર્થઘટન માટે ખાસ્સો સમય લાગ્યો, પણ જ્યારે અર્થ સમજાયો ત્યારે મજા પણ એટલી જ આવી એટલે મને એ શેર કાવ્યક્ષમ લાગે છેઃ

    મારી પાસેથી તમે ચાલ્યા ગયા
    ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો

  7. અનામી said,

    December 23, 2010 @ 5:44 AM

    હેમંતજી જવાહર બક્ષીનો ઉપરોકત શેર સમજાવશો તો આભારી થઈશ….

  8. Pinki said,

    December 23, 2010 @ 6:24 AM

    મારી પાસેથી તમે ચાલ્યા ગયા
    ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો

    જવાહરજીની આ આખીયે ગઝલની લિંક મૂકું છું,જેની ચર્ચા અધૂરી જ રહી ગયેલી .

    અમસ્તો થઈ ગયો – જવાહર બક્ષી

    જવાહર બક્ષી એટલે જ, પોતાની ગઝલ સંભળાવે ત્યારે, ભાવકનો ખ્યાલ રાખીને,
    થોડું બેકગ્રાઉન્ડ તૈયાર કરી આપે છે. જેથી તેના કાવ્યત્વને કે ગઝલિયતને વધુ પામી શકાય.

  9. Pancham Shukla said,

    December 23, 2010 @ 11:10 AM

    હેમંતભાઈએ બહુ સરસ અને સમજવા જેવી વાત કરી છે. એ આપણને કવિતાના પ્રકાર, મૂળગત સ્વરૂપ અને લાક્ષણિકતાઓ વિશે ખૂબ વાંચવાનું/વિચારવાનું આહ્વાન આપે છે. હેમંતભાઈ, આજ રીતે કવિતા વિશે સ્વકીય મનન નવનીત આપણને વહેંચતા રહે એવી આશા રાખીએ.

    કવિતા એક એવી કળા છે કે જેને પામવા માટે કે એનું ભાષ્ય રચવા માટે આપણે બહુશ્રુત અને સજ્જ હોવું અનિવાર્ય છે. લયસ્તરો દ્વારા આપણે એ દિશામાં આગળ વધતા રહીએ. મારી કરું તો, રીસર્ચ પેપર લખતી વખતે હું એનાલિટિકલ રહું છું પણ કાવ્ય વાંચું ત્યારે એક હોલિસ્ટિક ભાવવિશ્વ વધુ પસંદ કરું છું. ક્યારેક સમજવા કરતાં માત્ર માણવું પણ વધારે ગમે છે. લીટીઓ કરતાં લીટીઓની વચ્ચે કાવ્ય રહેલું હોય તો આપણે ત્યાં એને મોટા ગજાનું કાવ્ય કહેવાય છે.

    કવિતા વિશે કવિવર રાજેન્દ્ર શુક્લને ટાંકવાની ઈચ્છા થાય છે:

    રાજેન્દ્રભાઈ કહે છે, “લાઘવ અને સંક્ષેપ પ્રેમને કારણે ગઝલ મને ગમે છે. તેમાં વ્યંજનાને અવકાશ છે. મારી ગઝલના શેર પેલી એકસરખા શબ્દવાળા શેરની કોલમમાં નહીં મળે તેનું કારણ છે કે, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે કે, કાવ્યમાં કોઈ ભાવ સ્વશબ્દ વાંચ્ય નથી તેને માટે સંદર્ભ રચવો પડે”

    વધુ વાતો આ લિન્ક પરથી:
    http://www.divyabhaskar.co.in/2009/04/15/0904151747_kavita_be_capable_being_alive_life_division.html

  10. હેમંત પુણેકર said,

    December 23, 2010 @ 1:20 PM

    @અનામી:

    મને જે અર્થ સમજાયો એ આ પ્રમાણે છેઃ

    કાવ્યનાયકને એની પ્રેમીકા છોડીને જતી રહી અને આ નગર રૂપી જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો. નગર/શહેર ને જંગલ કહ્યું છે કારણ કે જેમ જંગલમાં ગીચોગીચ ઝાડ હોવા છતાં એ એકબીજા સાથે વાત કરતાં નથી એ જ રીતે માણસોની ભીડ વાળા નગરમાં કોઈ એકબીજા સાથે વાત કરતું નથી. કાવ્યનાયક અને નાયિકા બે જણા વાત કરતા હતા એમાં પણ નાયિકા જતી રહી એટલે વાત ના કરનારા બે વૃક્ષોનો વધારો થઈ ગયો.

    તો નગરને જંગલ કહીને માણસ-માણસ વચ્ચેના સંવાદમાં પડેલ ભંગાણની વાત કરે છે.

    આ મારું અર્થઘટન છે. ચપોચપ બેસે છે એટલે કવિને આ કહેવું ન હોય તો પણ આ અર્થઘટન બરાબર જ ગણાશે. મને આ સમજાયું ત્યારે એની મજા પણ બહુ આવી.

    @ પંચમભાઈ

    ઘણીવાર કાવ્યમાં ભાવની એટલી જોરદાર ફેંક હોય છે કે અર્થનું પ્રત્યાયન થાય એ પહેલા ભાવ પહોંચી જાય છે. પણ એવા શેરને પણ અર્થ તો હોય જ છે. તો ભાવ પહેલા પહોંચી જાય એવી સ્થિતિમાં કાવ્યને માણવાની આપની વાત સાથે હું સહમત છું.

    પણ, ઘણા પ્રયત્નો પછી પણ જો કોઈ શેરનો અર્થ જ ન નીકળે તો શું માણવું?

  11. વિવેક said,

    December 24, 2010 @ 8:55 AM

    આ ગઝલ વિશે ધવલ પોતે જ વાત કરશે પણ હાલ એ ભારતપ્રવાસે હોવાથી સમયની તંગી અનુભવી રહ્યો છે… અમેરિકા પહોંચીને એ આ ગઝલ વિશે બે-એક વાત કરે પછી ચર્ચા આગળ વધારીશું… હેમંત પુણેકર અને પંચમદાની વાતો વાંચીએ ત્યારે કવિતા વિશે નવું શીખવા મળે છે અને મજા આવે છે…

  12. અનામી said,

    December 24, 2010 @ 9:02 AM

    આપનો ખુબખુબ આભાર હેમંતજી..તમારું અર્થધટન મને સાચું લાગ્યુ…કવિને પણ કદાચ આ જ કહેવુ હશે…વૃક્ષોને આપ કહો છો એમ જડતાના પ્રતિક તરિકે જ લેવાયા હશે..ફરી એકવાર આપનો ખુબખુબ આભાર….

    ને હા, આ શેર સરસ થયો છે…

    ભૂલી ગયો છું પીળા સમયની દિશાને હું
    તારા અભાવની અહીં સંધ્યા ખર્યા કરે.

  13. હેમંત પુણેકર said,

    December 24, 2010 @ 1:35 PM

    ધવલભાઈની વાત વાંચવાની ઈંતેજારી રહેશે. આ પહેલું એવું કાવ્ય નથી કે જે મને સમજાયું નથી. બીજા ઘણાય છે જ. નવું શીખવા મળશે એવી આશા રાખું છું.

    @ વિવેકભાઈ

    મારી વાતોથી તમને શીખવા મળે એ વાત હું માનતો નથી. હા, તમને ખબર જ હોય એવી કોઈ વાત મેં મારી રીતે રજૂ કરી હોય અને એ રજૂઆત તમને ગમી હોય એ શક્ય છે.

    @ અનામી

    આટલા પિષ્ટપેષણમાં ઉતર્યા જ છીએ તો થોડું વધારે. વૃક્ષ જડતાના નહીં, પણ સંવાદ ન સાધતા ચૈતન્યના પ્રતીક છે.

  14. અનામી said,

    December 25, 2010 @ 1:54 AM

    હા, આપની સાથે સંમત છું હેમંતજી…હું પણ કદાચ એમ જ કહેવા માંગતો હતો…આપનો ખુબ આભાર…

  15. PRADIP SHETH . BHAVNAGAR said,

    December 30, 2010 @ 12:00 AM

    કવિનો સંપર્ક કરી, તેમને શું કહેવુ છે ,તે અહીં મુકવાનો પ્રત્યન કરીશ્..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment