દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.
શૂન્ય પાલનપુરી

શેતરંજી – કાલિન્દી પરીખ

એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી,
જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો
ન વાગે
સહેજ અમથો કાંટો પણ ન વાગે.
અને હા, એના પગને રજ સુધ્ધાં ન સ્પર્શે.
એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં
એવી એક જાદુઈ શેતરંજીમાં
જેથી એ ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળે
એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી
એક સુંદરીના રૂપમાં ખડી રહું
અને એના મિત્રોને મિજબાની માટે
બોલાવી શકાય અડધી રાત્રે પણ
હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં
પણ બદલાઈ જાઉં
અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી
પણ શકે.

– કાલિન્દી પરીખ

આજે પણ આ સચ્ચાઈ છે. હા, થોડી પરિસ્થિતિ સુધરી છે. પણ કહે છે કે the more things change, the more they stay the same.

18 Comments »

 1. Rutul said,

  December 28, 2010 @ 12:09 am

  બહુ જ સચોટ કવિતા. ગુજરાતીમાં આ મિજાજની કવિતાઓના ખેડાણ બહુ ઓછા થયા છે. સામાજિક રીતે અત્યંત સુસંગત કાવ્ય.

 2. વિવેક said,

  December 28, 2010 @ 12:49 am

  સરસ !

 3. PRADIP SHETH . BHAVNAGAR said,

  December 28, 2010 @ 1:38 am

  સંવેદના, સુંદર રીતે અભિવ્યક્ત થયેલ છે….પણ અત્યારની નારી અટલી બધી લાચાર નથી રહી…ક્યાંક કદાચ આવી પરિસ્થીતી હશે, તેનો અસ્વિકાર નથી ..

 4. ઉલ્લાસ ઓઝા said,

  December 28, 2010 @ 3:26 am

  કવિયિત્રિ વેદનાને વાચા આપે છે.
  આજે જમાનો ઘણો બદલાયો છે છતાં આવા પ્રસંગો બનતા હોય છે અને કદાચ બનતા રહેશે.

 5. Satish Dholakia said,

  December 28, 2010 @ 4:30 am

  ભાવવાહિ કવિતા. સવાલ પરિસ્થિતિ નો નથિ મનસિકતા નો છે.

 6. PUSHPAKANT TALATI said,

  December 28, 2010 @ 5:20 am

  આ રચના વાંચી ખરેખર હું અસ્વસ્થ થઈ ગયો. મારું મન ખીન્નતાનો અનુભવ કરવા લાગ્યું . આજના જમાનમાં શું આ શક્ય હશે ?

  કદાચ હોય પણ શકે ! !! – પરન્તું આ પરિસ્થિતી શિક્ષિત સમાજમાં તો મને શક્ય નથી જ ળાગતી. – રચનાકારની તો નહી જ ; કદાચ તેમણે ક્યાંક અવલોક્યું હોય તેમ બની શકે છે.

  પણ હા – એકન્દરે વિચાર કરવા લાયક રચના તો ખરી જ.

 7. bharat vinzuda said,

  December 28, 2010 @ 7:46 am

  સુન્દર ક્લાત્મક અને પ્રમાણિક કવિતા…..

 8. Bharat Trivedi said,

  December 28, 2010 @ 9:47 am

  આ કવિતા મને બે બાબતો વિષે વિચારવા પ્રેરે છે. ગુજરાતીમાં આ પ્રકારની કવિતા સાથે બે નામ વિશેષ જોડાયેલાં છે. એક તો સ્વરુપ ધુવ અને બીજાં આપણાં પન્નાબેન. નારી હ્યદયની વેદનાને એક નારી જ સાચી વાચા આપી શકે તે સીધી સાદી વાત છે. અહીં એ વેદના કશા જ આડંબર વિના વ્યક્ત થઈ શકી છે તે આ કવિતાનું જમા પાસુ છે. તો, વપરાઈને ઘસાઈ ગયેલાં પ્રતીકો – ક્લિશેને કારણે અહીં કવિકર્મ ઓછું થયું છે તે ના બતાવીયે તો કોમેન્ટ લખવાનો ખાસ મતલબ ના રહે.

  -ભરત ત્રિવેદી

 9. bharat vinzuda said,

  December 28, 2010 @ 12:00 pm

  ગઝલોમા જેટલા વપરાઈને ઘસાઈ ગયેલાં પ્રતીકો હોય છે. એટલા શેતરંજીમાં નથી.!

 10. સ્વાતિ ગઢિયા said,

  December 28, 2010 @ 12:54 pm

  અમરેલીમાં પારેખ હોય તો આવા ગજાદાર પરીખ પણ હોય…! આધુનિકતાનો અંચળો ઓઢીને ફરતા સમાજને અસલિયતનો અરીસો ધરતી એક સંપૂર્ણ કાવ્ય રચના..

 11. dHRUTI MODI said,

  December 28, 2010 @ 4:13 pm

  ખરેખર દિલને વ્યથિત કરી દે ઍવી કવિતા.

 12. pragnaju said,

  December 28, 2010 @ 6:57 pm

  સુંદર
  એને પત્ની નહોતી જોઈતી
  એને તો એક શેતરંજી જોઈતી હતી,
  દિલમા કસક થાય
  હકીકતમાં તો ગૃહિણીને ‘હાઉસવાઈફ’ નહીં, ‘હાઉસમેનેજર’ કહેવી વધુ ઉચિત છે. તે ઘરને સુચારુ રીતે ચલાવે છે, જેથી પતિ ઘરની ચિંતા કર્યા વગર કારકિર્દીમાં ઉચિત ઘ્યાન આપી શકે, બાળકોનું જીવનઘડતર કરે છે, પરિવારના સહુ સભ્યોનું ઘ્યાન રાખી, તેમની કાળજી સમગ્ર પરિવારને એકસૂત્રે જૉડી રાખે છે. નોકરી કરવા જતી મહિલાની સરખામણીએ ઘરમાં રહી સૌની સંભાળ રાખતી સ્ત્રી-ગૃહિણીનું કામ વધુ અઘરું છે. જરૂરી નથી કે નોકરિયાત સ્ત્રીનું જ મહત્ત્વ ઘર-પરિવાર કે સમાજમાં વધુ હોય છે. ગૃહિણીનું મહત્ત્વ પણ ઓછું નથી. જૉ તમે નોકરી ના કરતાં હો અને ફકત એક ગૃહિણી હો, તો તમારી કિંમત ઓછી ના આંકશો અને ગર્વથી કહેજૉ, ‘‘હું ગૃહિણી છું.’
  ત્યારે જાદુઈ શેતરંજીની આશામા ખસમ પણ જશે!

 13. Kirtikant Purohit said,

  December 29, 2010 @ 12:03 pm

  સ્ત્રેીની વેદનાને ઉજાગર કરતી રચના.

 14. Bharat Trivedi said,

  December 29, 2010 @ 1:09 pm

  ભરતભાઈ,

  તમારી વાત સો ટકા સાચી છે કે ગઝલોમાં જેટલાં વપરાઈને ઘસાઈ ગયેલાં પ્રતીકો હોય છે. એટલા શેતરંજીમાં નથી.! પરંતુ જ્યારે કવિતામાં કેવળ એક જ પ્રતીકથી કામ લેવાનું હોય ત્યારે ઉપયોગમાં લેવાયેલા પ્રતીકે સારીયે કવિતાનો બોજ ઉપાડવાનો હોય છે એટલે મારું ધ્યાન તે તરફ ગયું હતું . નારીવાદ વિષે પશ્ચિમની કવિત્રીઓએ લખેલી કવિતા – ખાસ કરીને “શેરન ઑલ્ડ્ની” કવિતાઓ વાંચવા જેવી હોય છે. આ લખું છું ત્યારે તેની ‘સેતાન સેઝ્’ પુસ્તિકા મારા આ ટેબલ પર છે. વાત તો એજ હોય પણ કહેવા કહેવામાં કેવો ફરક પડતો હોય છે! અને આમેય કવિતા શું કહે છે કરતાં કેરી રીતે કહે છે તેનો જ મહીમા ગણાય એતો જગજાણી વાત છે. આપણે ત્યાં આજકાલ જેવી ને ખાસ તો જેટલી ગઝલો (?) લખાય છે, છપાય છે, વંચાય છે, ગવાય છે ને પછી વગોવાય છે એ બધું તો આપણે રુબરૂ મળીયે ત્યારે. બાકી, મસ્તીને, શેઠીયા?

  ભરત ત્રિવેદી

 15. himanshu patel said,

  December 29, 2010 @ 10:24 pm

  તસ્લિમા નસરીનના પડઘા સંભળાય છે…

 16. Lata Hirani said,

  December 6, 2011 @ 11:56 pm

  ધવલભાઇ. આ ગદ્યકાવ્ય મેઁ મારી કૉલમ ‘કાવ્યસેતુ’ માટે લીધુ છે… લયસ્તરોનો આભાર..
  લતા હિરાણી

 17. P Shah said,

  December 7, 2011 @ 12:19 am

  નારી સંવેદના સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે.

 18. Sandhya Bhatt said,

  December 7, 2011 @ 11:32 am

  આજે પણ આ પરિસ્થિતિ જોવા મળે…કવિતામાં વ્ય્ક્ત થયેલ વેદનાની સચ્ચાઈ માટે બે મત ન હોઈ શકે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment