નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
બરકત વિરાણી 'બેફામ'

જંગલ વિષે – મનોજ ખંડેરિયા

જંગલને યાદ નથી કરવું વાલમજી !

ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.

પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.

– મનોજ ખંડેરિયા

પહેલી નજરે સરળ લાગતા આ કાવ્યમાં અત્યંત ખૂબીપૂર્વક નાયિકાના મનોભાવને વાચા અપાઈ છે. જંગલ એ અતીતનું પ્રતિક છે. સૂરજ,ખુલ્લું આકાશ તે આવનારી કાલ છે. વળી જંગલ અને તેને આનુષાન્ગિક રૂપકોને અજ્ઞાનના રૂપક ગણી શકાય અને સૂર્યને જ્ઞાનનું. જોકે અતીતના સંદર્ભમાં અર્થ વધુ બંધબેસે છે.

7 Comments »

 1. pragnaju said,

  November 28, 2010 @ 9:42 am

  પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
  જીવતરની માંડી છે વાત
  આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
  ઝાડીમાં ખોવી ના જાત
  પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
  ખુલ્લું આકાશ મારું સુખ.
  સ રસ
  વળી તેનું રસદર્શન માણતા અમારા અતીતમા પહોંચી જવાયું.અમારો પૌત્ર કાંઇક આવો જ વર્તમાનને અતીત સાથે જોડવાનો પ્રયોગ કરે છે!કોઈ શહેરની એવી કોઈ જગ્યા કે જ્યાં તમે રહેતા હતા. હાલ ભલે આ સ્થળ ન હોય પરંતુ સોફ્ટવેર જુની તસવીરના આધારે અગાઉ લેવાયાલી તસવીર જેવો જ પોઝ લઈ શકાશે. રીફોટોગ્રાફી કહેવાતી આ ટેકનિકમાં તમારે મૂળ ફોટો કેમેરામાં લોડ કરવાનો રહેશે જેના આધારે તે વર્તમાન અને ભૂતકાળની તસવીરોમાં અંતર સમજી શકશે. આ તસવીરોને આપ ફ્લિકર કે હીસ્ટ્રીપીન ડોટ કોમ પર પિનઅપ પણ કરી શકો છો.

 2. dHRUTI MODI said,

  November 28, 2010 @ 2:56 pm

  સરસ ગીત. જીવનને, ભૂતકાળના જીવનને જંગલ અને ઝાડી ઝાખરા સાથે બખૂબી સરખાવ્યું છે. ગીતનો લય પણ સરસ સચવાયો છે.

 3. ડૉ.મહેશ રાવલ said,

  November 28, 2010 @ 11:34 pm

  સુંદર રચના….
  નિવડેલી,સશક્ત માવજત વડે કઈ હદે અને કેટલું કામ લઈ શકાય શબ્દો પાસેથી એ કવિશ્રી મનોજ ખંડે રિયાની રચનાઓમાંથી શીખવા જેવું છે,અંગતરીતે હું એમ માનું છું.
  ભાવ,અભિવ્યક્તિ,લય,પ્રતિકો બધું જ જાણે સો ટચનું સોનું.
  સો સો સલામ કવિને….

 4. Pinki said,

  November 29, 2010 @ 12:59 am

  કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
  બંધ રહે ઝંખનાનો ઝાંપો
  ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
  સૂરજનું ઝંખું હું મુખ.

  વાહ… ! તેમનાં ગીતો બે વાર વાંચીએ તો જ સમજાય
  અને એટલે જ કદાચ તેમની ગઝલો કરતાં ગીતો પ્રત્યે મને વધુ લગાવ છે ! 🙂

 5. વિવેક said,

  November 29, 2010 @ 1:32 am

  સુંદર અર્થસભર ગીત… લાંબા અંતરાલ બાદ માણ્યું.

  પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
  જીવતરની માંડી છે વાત
  આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
  ઝાડીમાં ખોવી ના જાત
  – આ બે કડી તો વરસોથી અંતરસ્થ થઈ ગઈ છે…

 6. Bharat Trivedi said,

  November 29, 2010 @ 9:56 am

  જંગલને યાદ નથી કરવું વાલમજી !

  નાયિકાના મનોભાવને વાચા આપતું મનોભાઈનું પેલું ગીત યાદ આવે છેઃ

  આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
  ગયું મારામાં કોઈ જરા જોઈને

  ગીતનો લય જ એવો લોભામણો કે ગીત ગાવાનો જ નહીં – ગીત લખવાનુંય મન થઈ જાય!
  ગીત એ સરળ લાગતો એક અઘરો કાવ્ય-પ્રકાર છે ને એટલે જ આપણે ત્યાં બકવાસ ગીતો લખાય પણ ઘણાં અને છપાય છે પણ ઘણાં. પણ એતો બધું ચાલ્યા કરે ગઝલ લખવા એક અલગ મિજાજ જોઈયે તેમ ગીત સર્જન માટે પણ કોમળ હ્રુદય, ગીતને અનુરુપ મિજાજ અને ભાષામાં લાઘવ એ બધું અનિવાર્ય ગણાય. મનોજભાઈનાં ગીતોની સફળતાનું રહસ્ય આ જ છે. આ ગીતમાં નાયિકાની લાચારી, અને એની પાછળ ઘૂંટાતી વેદના, અને વાસ્તવના સ્વીકાર સાથે જીવી જવાની સમજ ! એ બધા વિષે વિચારવા બેસીયે તો ઘણું ઘણું વિચારી બેસાય.

  -ભરત ત્રિવેદી

 7. P Shah said,

  November 29, 2010 @ 10:44 am

  ખુલ્લું આકાશ મારું સુખ…

  એક સુંદર રચના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment