કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?
વિવેક મનહર ટેલર

ગઝલ – ‘કાયમ’ હઝારી

ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !

તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.

સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !

જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તાં કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં.

કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈને રોકાયા !

તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને, હજી સુધી ન સમજાયા !

હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !

ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.

– ‘કાયમ’ હઝારી

પરંપરાના રંગે રંગાયેલી આ ગઝલમાં મોટા ભાગના શેર અર્થગંભીર થયા છે અને આજે પણ પ્રાણવાન લાગે છે… પણ મને તો ‘ગજું’ શબ્દની ભાવકની ક્ષમતા મુજબ નાનાવિધ અર્થછટાઓ ઉપસાવતો અને તખલ્લુસને બખૂબી નિભાવતો મક્તાનો શેર ખૂબ ગમી ગયો…

21 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    November 27, 2010 @ 2:30 AM

    જનાબ ‘કાયમ’હજારીસાહેબે પરંપરાનો રંગ બરોબર જાળવ્યો છે એક એક શેરને એનું પોતાનું વજન છે.
    મક્તા તો સરસ છે જ પણ ઈશ્વરને સનમ તરીકે લઈ, ભાવને અનુસરીએ તો,પાંચમો શેર પણ સુંદર લાગ્યો…..
    -કવિશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન.
    મેં લયસ્તરો માટે મોકલેલી ગઝલ-નાકામ કેમ લખવા-માં પણ કંઇક આવો જ ભાવ અભિવ્યક્ત છે…!

  2. jigar joshi 'prem' said,

    November 27, 2010 @ 3:28 AM

    Saral Baani ane Gahan Taatpary…vaah…vaah..
    Paramparaani to Vaat j shu karavi ? Adbhut Gazal 6. Hajari Saa’b ne Salute ane Vivek bhai tamne pan…Bahu saras Rachna Laavya 6o…

  3. P Shah said,

    November 27, 2010 @ 5:15 AM

    અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા…

    સુંદર રચના !

    હઝારી સાહેબને સલામ !

  4. સુનીલ શાહ said,

    November 27, 2010 @ 5:25 AM

    ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
    અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.
    ખૂબ સંદર ગઝલ.. બધા જ શેર મઝાના છે.

  5. pragnaju said,

    November 27, 2010 @ 8:38 AM

    ખૂબ સરસ ગઝલ
    આ શેર ખૂબ ગમ્યા
    તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
    ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.

    સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
    હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !
    યાદ્

    મને શંકા પડે છે કે, દિવાના શું દિવાના છે?
    સમજદારી થી અળગા થઈ જવાના સૌ બહાના છે.
    ખુદા અસ્તિત્વને સંભાળજે, કે લોક દુનિયાનાં,
    કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે

  6. shroff dipti said,

    November 27, 2010 @ 8:57 AM

    મસ્ત…….

  7. Pancham Shukla said,

    November 27, 2010 @ 9:01 AM

    પરંપરાગત શૈલીની સરસ ગઝલ. સાચે જ મક્તા મઝાનો છે. [On a light note: સજ્જન શાયરે મુશાયરાના યોજકો અને ભાવકોનું પણ વિચારવું પડે ને!]

    તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે * હસતાં’તાં,

  8. Bharat Trivedi said,

    November 27, 2010 @ 9:19 AM

    ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
    અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.

    સરસ ગઝલ.

  9. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    November 27, 2010 @ 10:01 AM

    ગમે ત્યારે માંગી જુઓને,હજાર સામટા જ દઈ દેશે.
    એક-બેની વાત જ નહીં.એ સ્વયં કાયમ હજારી છે.

  10. deepak said,

    November 27, 2010 @ 12:13 PM

    ખુબજ સરસ ગઝલ…

    આજે આ ગઝલ પહેલીવાર વાંચી છે, મક્તાનો શેર તો લાજવાબ છે, આ શેર વાચી ને મને યાદ આવ્યુ કે જોગાનુ જોગ ઘણા સમય પહેલા મને આવેલા એક વિચાર પર નિચેની પક્તિ લખી હતી, ત્યારે મને છંદ વિશે પણ ખબર નહોતી, પણ મને આ પક્તિ ખુબજ ગમેલી, આજ પક્તિને મે માર બ્લોગ ઉપર પણ મુકેલી છે… આશા રાખુ કોઈ આને ચોરી ના સમજે, આ ફક્ત એક સંજોગ છે…

    ગજુ જોઇને લેનારનુ, કિંમત મારી મે વધારી હતી,
    “દીપ”ને હવે કોઈ, મફતમા પણ લેવા તૈયાર નથી

  11. Bharat Trivedi said,

    November 27, 2010 @ 12:28 PM

    દીપકભાઈ, તમારી ચિંતા અકારણ છે. એક સરખો વિચાર જ નહીં, ક્યારેક બે અલગ ભાષામાં કામ કરતા અને એકબીજાની ભાષા પણ ના જાણતા સર્જકોની રચનાઓ એક સરખી હોવાનુંય સાંભળ્યું છે! ગઝલમાં વિચાર- સામ્ય સમજી શકાય તેમ છે. આમેય કવિ એક વ્રુક્ષ જેવો હોય છે. તેનાં રસકસ ક્યાંથી ક્યાંથી આવતાં હશે તે કોણે જાણ્યું ?- ભરત ત્રિવેદી

  12. indushah said,

    November 27, 2010 @ 2:44 PM

    સુંદર ગઝ્લ્
    કિંમત નક્કી કરવા વાળી હું કોણ્
    કિંમત ખુદન નથી ખુદાથી અજાણ્

  13. dHRUTI MODI said,

    November 27, 2010 @ 4:38 PM

    ખૂબ જ સુંદર ગઝલ. બધાં જ શે’ર ગમ્યા પણ મક્તાનો શેર વિશેષ ગમ્યો.

  14. sudhir patel said,

    November 27, 2010 @ 10:16 PM

    સુંદર પરંપરાગત ગઝલ માણવી ગમી!
    સુધીર પટેલ.

  15. devika dhruva said,

    November 27, 2010 @ 10:30 PM

    એક એક શેર લાજવાબ છે.

  16. ઉલ્લાસ ઓઝા said,

    November 28, 2010 @ 4:20 AM

    ખૂબ સુંદર, ગહન અને ભાવના-પૂર્ણ ગઝલ.
    દરેક શેર લાજવાબ !

  17. deepak said,

    November 29, 2010 @ 12:03 AM

    @ભરતભાઈ : તમારી વાત સાચી છે, પણ ગઝલનો મક્તો વાંચીને હું થોડો અંજાઈ ગયો હતો,, કાલે કોઈ મારા બ્લોગ ઉપર એ પક્તિ વાંચે અને કઈક કહે એ પહેલા મને થયું મારે મારો પક્ષ મુકવો જોઈએ. આપના સહકાર બદલ ખુબ ખુબ આભાર.

  18. Pinki said,

    November 29, 2010 @ 12:55 AM

    ‘કાયમ’ હઝારીની ગઝલો હંમેશા હૃદયસ્પર્શી હોય છે
    અને દર્દીલી પણ !

  19. કિરણસિંહ ચૌહાણ said,

    November 29, 2010 @ 4:13 AM

    ગુજરાતી ગઝલની ભવ્ય પરંપરાનો એક સબળ પુરાવો. દરેક શેર નમૂનેદાર. ‘કાયમ’સાહેબને સલામ.

  20. અનામી said,

    November 29, 2010 @ 9:10 AM

    ખરેખર સુંદર….

  21. deepak trivedi said,

    December 1, 2010 @ 7:26 AM

    એક એક શેર ખૂબ સુંદર
    હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
    યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment