હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ

ગઝલ – અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

-અનિલ ચાવડા

ગઝલનું સૌથી મોટું સુખ એની શીઘ્ર પ્રત્યાયનક્ષમતા છે. કવિતા ઘણુંખરું દુર્બોધ હોય છે અને એમાં ઊંડે ઉતરવાની જરૂર પડતી હોય છે-મહીં પડ્યા તે મહાસુખ પામેની જેમ! પરંતુ મોટાભાગની ગઝલ શીરાની પેઠે ગળે ઉતરી જતી હોય છે.  ક્યારેક ગઝલની આ ઉપરછલ્લી સરળતા છેતરામણી હોય છે. છીપના બે ભાગ જેવા શેરના બે મિસરા સાચવીને ન ખોલીએ તો વચ્ચેનું મોતી ચૂકી પણ જવાય…  અનિલની આવી જ એક મોતીદાર ગઝલસહેજ સાચવીને ખોલીએ…

35 Comments »

  1. વિહંગ વ્યાસ said,

    October 1, 2010 @ 1:46 AM

    સુંદર ગઝલ.

  2. ડૉ.મહેશ રાવલ said,

    October 1, 2010 @ 2:11 AM

    ખરૂં કહ્યું તમે વિવેકભાઈ….
    ખરેખર સાચવીને જ ખોલવા જેવી છે અનિલભાઈની આ ગઝલ…..
    માણસ પ્રમાણે સત્ય નોંખા હોવાની વાત કેવી સરસ આવી છે…!
    -અભિનંદન.

  3. MANHAR MODY said,

    October 1, 2010 @ 3:30 AM

    બધા જ શેર અર્થપૂર્ણ અને મક્તા તો લાજવાબ.

    કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
    સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

  4. jigar joshi 'prem' said,

    October 1, 2010 @ 3:49 AM

    ‘અનિલ’ની રચનાઓ વાંચીને મે ઘણીવાર કહ્યું છે અને આજે ફરી કહું છું કે એક યુગ અનિલ-યુગ તરીકે ઓળખાશે…સાહિત્ય જગતને એક એવો આ બળકટ કવિ મળ્યો છે…..

    તાજગી સભર નાવિન્ય એ અનિલની રચનાઓના મૂળામાં છે…..જાણે માઁ સરસ્વતિએ ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા છે આ શાયરને…………

    કાફિયાઓમાં નવી જાન પૂરતો આ કવિ મિત્રતા પણ બખૂબી નિભાવે છે………..

    સર્વાંગ સુંદર ગઝલ થઈ છે…અભિનંદન અનિલ…………ને વિવેકભાઇને પણ્

  5. preetam lakhlani said,

    October 1, 2010 @ 7:28 AM

    મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
    ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને

    ભરત વિંઝુડા….
    કયા બાતી ! બહુ જ સરસ શેર્…….

  6. Deval said,

    October 1, 2010 @ 7:46 AM

    Hello Anil ji….maja pade evi gazal….abhishek bhai ae aap na sher fwd karta rahe chhe ane hu pan emane aapna sher fwd karati rahu chhu… 🙂 🙂

  7. ધવલ said,

    October 1, 2010 @ 7:51 AM

    માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
    એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

    – સરસ !

  8. pragnaju said,

    October 1, 2010 @ 8:23 AM

    સુંદર ગઝલના આ શેર
    હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
    મારું એ મારી કથાના બોધમાં છે.

    કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
    સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
    વાહ્
    ‘સત્ય‘ શબ્દ સતમાંથી છે. સત્ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઈ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્‘ એટલે ‘સત્ય‘ છે. તેથી પરમેશ્વર ‘સત્ય‘ છે એમ કહેવા કરતાં ‘સત્ય‘ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે. આપણું રાજકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અને રહેવાનું. પણ વિચાર કરતાં તો ‘સત્‘ કે ‘સત્ય‘ એ જ ખરું નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારું છે.
    અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન – શુદ્ધ જ્ઞાન – છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઇશ્વર નામની સાથે ચિત્ એટલે જ્ઞાન શબ્દ યોજાયો છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય, શોક હોય જ નહીં. અને સત્ય શાશ્વત છે તેથી આનંદ પણ શાશ્વત હોય. આથી જ ઈશ્વરને આપણે સચ્ચિદાનંદ નામે પણ ઓળખીએ છીએ.

  9. Sandhya Bhatt said,

    October 1, 2010 @ 8:54 AM

    અનિલભાઈની ગઝલ એમના નામ પ્રમાણે આપણને પુલકિત કરી દે છે!

  10. Pinki said,

    October 1, 2010 @ 9:32 AM

    વાહ્.. અનિલ, બહુત ખૂબ !

    રદીફ, કાફિયા, શેરિયત, – તારી કલમ એક નવી જ ઊંચાઈને સ્પર્શે છે !

  11. Gunvant Thakkar said,

    October 1, 2010 @ 12:31 PM

    સરળ સચોટ અને હદય સોંસરવી અભિવ્યક્તિ

  12. કવિતા મૌર્ય said,

    October 1, 2010 @ 2:31 PM

    માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
    એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

    કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
    સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

    વાહ, સુંદર શેર !!!

  13. Kirtikant Purohit said,

    October 1, 2010 @ 2:38 PM

    સર્વાન્ગ સુઁદર ગઝલ અને મઝા આપતી.

  14. Taha Mansuri said,

    October 1, 2010 @ 9:53 PM

    જીગરભાઇની વાત સાથે સમંત થઇશ કે અનિલ ચાવડા એ ગુજરાતી ભાષાની આવતીકાલ છે.
    હમણાં ગયા અઠવાડિયે જ અનિલભાઇને રૂબરૂ મળવાનો અને સાંભળવાનો લ્હાવો પ્રાપ્ત થયો છે.

  15. ઊર્મિ said,

    October 1, 2010 @ 10:22 PM

    ખૂબ જ સુંદર ગઝલ… ૧,૩,૫ શેરો તો ખૂબ જ ગમ્યાં.

  16. sudhir patel said,

    October 1, 2010 @ 11:21 PM

    સુંદર દમદાર ગઝલ!
    સુધીર પટેલ.

  17. સુનીલ શાહ said,

    October 1, 2010 @ 11:39 PM

    નાવીન્યસભર, શેરિયતથી ભરપૂર સુંદર ગઝલ.

  18. prabhat chavda said,

    October 2, 2010 @ 12:00 AM

    patthar mathi pan kupno kadhi anilbhai vah vah .athi vishes sbado nthi.

  19. jayesh patel said,

    October 3, 2010 @ 2:01 AM

    એક્દમ સુન્દર ગઝલ

  20. jayesh patel said,

    October 3, 2010 @ 2:35 AM

    superb anilbhai

    કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
    સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

  21. M.Rafique Shaikh, MD said,

    October 3, 2010 @ 7:00 AM

    What an inspiring message for eternal hope in two powerful lines!

  22. M.Rafique Shaikh, MD said,

    October 3, 2010 @ 7:02 AM

    What an inspiring message for eternal hope in two powerful lines!

    કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
    સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

  23. dhrutimodi said,

    October 3, 2010 @ 3:07 PM

    ખૂબ જ જાનદાર ગઝલ. બધાં જ શે’ર શેર જેવા મજબૂત અને દમામદાર છે.

  24. P Shah said,

    October 4, 2010 @ 4:38 AM

    માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
    એક આંસુમાં છે, બીજો ધોધમાં છે….

    સર્વાંગ સુંદર ગઝલ થઈ છે.

    અભિનંદન !

  25. VIJAY JANI said,

    October 4, 2010 @ 4:58 AM

    રચના સારી છે.જીગર જોષીની લાગણી હું સમજી શકું છું. પરંતુ કોઇ એક જણના કહેવાથી આખો યુગ એક વ્યક્તિના નામે નથી થઇ શકતો. મરીઝ, શયદા વગેરે ગઝલકારો વાહ વાહ અને પ્રશંસાના
    પ્રદેશથી અળગા રહેલા જોવા મળે છે છતાં તેમની રચના હજી સાંભળતા સંતોષ થતો નથી.
    માણસનું પોતાનું કાર્ય ઘણું બધું કહી શકતું હોય છે. મને ઇર્ષ્યા આવે છે એટલે આવું લખું
    છું એવું જરાય ન માનતા. આજ નો સાહિત્ય રસિક સભાન અને સજાગ છે. કોઇપણ વસ્તુની
    અતિશયોક્તિ થાય તો ધ્યાન દોર્યા વગર રહી શકાતું નથી. સાહિત્યમાં દરેક રચનાકારને પોતાનું
    એક અલગ સ્થાન અને માભો હોય છે. શુન્ય તેના સ્થાને છે, બેફામ તેના સ્થાને છે. એક આખો
    યુગ કોના નામે કરવો એ તો જીવન પર્યંત કરેલી સાહિત્યિક સાધના પછી નક્કી થતું હોય છે.
    લયસ્તરોમાં મુકાતી આવી અતિશયોક્તિ ભરી કોમેન્ટ્સ ડીલીટ કરવા વિનંતિ. બાકી કોમેન્ટ્સમાં
    સાહિત્યનો “સ” પણ ન આવડતો હોય તેવા વ્યક્તિ દ્વારા પ્રશંસા થાય ત્યારે એમ સમજવું કે
    રચનાકાર સફળ રહ્યો છે. બાકી અમુક નક્કી કરેલ પ્રશંસકોથી જો રચનાકાર દુર નહી જઇ
    શકે તો તેની રચના પણ આમ જનતા સુધી પહોંચવામાં નિષ્ફળ નિવડેલ જોવા મળે છે.

  26. વિવેક said,

    October 4, 2010 @ 6:57 AM

    એ વાત સાચી કે જીગરના કહેવાથી આજનો યુગ અનિલ-યુગ નહીં થઈ જાય અને એ વાત પણ સાચી કે મરીઝ અને શયદા ગુજરાતી ગઝલના યુગપુરુષ હતા. પણ કોઈના પ્રતિભાવને ડિલિટ કરવાની પ્રથા લયસ્તરોએ અપનાવી નથી. જેને જે ગમે એ કહે. દરેકને વાણી સ્વાતંત્ર્યનો પૂરેપૂરો હક છે. હા, સંચાલક તરીકે અમને એટલું જરૂર અપેક્ષિત રહે કે પ્રતિભાવ કૃતિને કેન્દ્રમાં રાખીને આપવામાં આવે.

    જીગરે જે કહ્યું એ એના હૃદયનો ભાવ છે જે અતિશયોક્તિ અલંકાર તરીકે વ્યક્ત થયો છે. અનિલ મારો પણ પ્રિય ગઝલકાર છે અને એનું ભવિષ્ય સાંપ્રત સમયના ગઝલકારોમાં ખાસ્સું ઉજળું પણ છે જો એ કલમની વફાદારીને વળગી રહે તો…

  27. અનામી said,

    October 4, 2010 @ 7:04 AM

    Vijay Jani sir…
    In short…Jigar Joshi is very impressed by Anil Chavda…nd so he is giving blessing to Anilsir by heart..that’s i conclude…we shouldn’t be hypersensitized..
    Nd personally speaking..I like Anil Chavda’s work…he is promising poet of gujarati….”લીલોતરીના નામે ય પાંદડું….”

  28. mustukhan.k.sukh said,

    October 5, 2010 @ 7:03 AM

    અનિલની આ ગઝલ ઝાકળબિન્દુ જેવી મનોહર અને પવન(અનિલ)જેવી બલકટ લાગી. -“સુખ”

  29. chandresh mehta said,

    October 5, 2010 @ 10:37 AM

    કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
    સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
    this is really different. he can explain a large thing in short words. great!!

  30. ઈશ્ક પાલનપુરી said,

    October 5, 2010 @ 11:06 PM

    સરસ ગઝલ !

  31. કિરણસિંહ ચૌહાણ said,

    October 5, 2010 @ 11:40 PM

    બહુ જ સુંદર ગઝલ. અનિલ એટલે નાની વયનો મોટો કવિ.

  32. Bharat Trivedi said,

    October 6, 2010 @ 6:34 PM

    સુંદર ગઝલ ! અનિલ-યુગ જરાક વધારે પડતી વાત કે premature કથન ગણાય કેમકે ગઝલકારે તો ગઝલે ગઝલે નવો જન્મ લેવો પડતો હોય છે ને પ્રત્યેક વાર પોતાને પુરવાર કરવો પડતો હોય છે! કાલ તો કોણે દીઠી છે? પરંતુ ગઝલક્ષેત્રે આજે જે આશાસ્પદ કલમો સક્રિય છે તેમાં અનિલ ચાવડાનું નામ ગર્વપૂર્વક લઈ શકાય. જીગરના કથનમાં મને ગમતા કવિ પ્રત્યેની શ્રદ્ધાનો જ પડઘો સંભળાય છે. અકળામણ તો ત્યારે થાય છે જ્યારે કોઈ બગભગત સાવ અકારણ બેશરમ થઈને કોઈ કવિ/કવિતા પર વ્હાલ વરસાવી દેતો જોવા મળે ને તેને વારી પણ ના શકાય.

    ભરત ત્રિવેદી

  33. PRADIP SHETH . BHAVNAGAR said,

    October 9, 2010 @ 6:01 AM

    રચનાના ભાવ અને સંવેદનને બદલે કવિને આપણે જ્યારે પકડીયે ત્યારે ચુક થતી હોય છે.પ્રસ્તુત રચના કોઇ ખાસ સંવેદના જગાવી શકી હોય તેવુ નથી લાગતુ.દરેક શેરમાં કહેલ ભાવ અગાઊ ઘણિ વખત પ્રગટ થઈ ગય છે, પાછી રજુઆતમાં પણ વેધકતાની અસર ઓછી જણાય છે. કવિના યુગને બદલે તેની રચનાનો યુગ અથવા રચનામાં રહેલા ભાવનો યુગ કહેવું વધુ પ્રમણીક ગણાશે..કદાચ કવિની અન્ય રચના વધુ બળકટ્ હોય્……

  34. Mrugesh Vaishnav said,

    January 17, 2011 @ 5:23 AM

    હજી હમણાં જ થોડા સમય પહેલા જયારે કવિ ચિનુ મોદીને વલી ગુજરાતી એવોર્ડ અપાયો ત્યારે જાહેરમાં એમને એવું કહ્યું હતું કે અનીલ ચાવડા એ આવતીકાલ નો ‘મરીઝ’ છે…
    ચિનુ મોદી જેવા દિગ્ગજ કવિ આવું કહી શકે તો આ વાતમાં કઈ તથ્ય હોવું જ ઘટે…
    અભિનંદન………

  35. PIYUSH M. SARADVA said,

    December 3, 2011 @ 6:22 AM

    જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
    ત્યારથી આખું જગત વિરોધમાં છે.

    માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
    એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

    સરસ ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment