‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.

નિનાદ અધ્યારુ

ગઝલ – ઉર્વીશ વસાવડા

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું

સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં
નદી, પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું

શિલાલેખો, ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું

સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું

નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું

ઉર્વીશ વસાવડા

ગુજરાતી સાહિત્યજગતમાં તબીબ-કવિઓની ખોટ નથી. ઉર્વીશ વસાવડા એમની સરળ ભાષામાં જ્યારે ખૂલે છે ત્યારે કળાવા નથી દેતા કે તેઓ એક તબીબ – રેડિયોલોજીસ્ટ છે. જૂનાગઢના વતની હોવાના નાતે એમની ગઝલોમાં ગિરનાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો કેદારો અને અશોકના શિલાલેખો ખૂબ સહજતાથી વણાઈ જાય છે. સાવ સરળ ભાસતા કાફિયાઓ પાસે પણ એ બેનમૂન કામ લઈ શક્યા છે એ એમની કવિ તરીકેની સાર્થક્તા સૂચવે છે. કાવ્યસંગ્રહ: “પીંછાનું ઘર”. જન્મ: ૧૩-૦૪-૧૯૫૬.

6 Comments »

 1. Suresh Jani said,

  October 28, 2006 @ 8:05 am

  સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
  અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું
  Excellant. What a way to express self expression !

 2. જયશ્રી said,

  October 29, 2006 @ 5:38 pm

  એકદમ સરળ, છતાં એટલી જ સુંદર ગઝલ. ‘પીંછાના ઘર’ નું મોડેલ હોય એવી લાગે છે આ ગઝલ.

 3. Suresh Jani said,

  October 30, 2006 @ 1:27 am

  તમોને ભેટ ધરવા ભર જવાની લઇને આવ્યો છું.
  મજા લાંબી અને રાતો મજાની લઇને આવ્યો છું.

  કહો તો રોઇ દેખાડું , કહો તો ગાઇ દેખાડું
  નજરમાં બેઉ શકિઓ હું છાની લઇને આવ્યો છું.

  – અમૃત ઘાયલ

 4. ધવલ said,

  November 3, 2006 @ 11:39 pm

  મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
  ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું

  શું વાત છે ! સુંદર !

  અને આ શેર પણ બહુ સરસ થયો છે…

  સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
  અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું

  વખત જતા તબીબ-ગઝલકારોનો એક અલગ સંગ્રહ કોઈ બનાવે તો નવાઈ નહીં !

 5. Riyaz Munshi said,

  November 5, 2010 @ 7:49 am

  હતો હુ સુદર્શન સરોવર છલોછલ
  હવે કુડ દામોદરે હુ મળીશ જ
  જુનાગઢ તને તો ખબર છે
  અહિ હર ઝરે ઝાખરે કાકરે હુ મળીશ જ ….

 6. shahpriti said,

  March 17, 2012 @ 9:25 pm

  urvishbhai ni gazalo ma saralata ane gahanata ekbijani sathe harifaee karata hoy evu lage jabarjast pakad chhe aa gazalkar ni abhivyaktikshamatama kahevu pade bhai vah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment