આવશે ‘ઈર્શાદ’, અસલી ઘર હવે,
જીવ મારો ખોળિયે મૂંઝાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !

તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !

ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.

– ડૉ. હરીશ ઠક્કર

ફરી એકવાર આજે એવી ગઝલ જેના દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય છે… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કળવું દોહ્યલું થઈ પડે એમ છે. પણ જે રીતે કવિએ બીજા શેરમાં લાગણીને નાણી છે એ શબ્દાતીત છે…

18 Comments »

 1. Gunvant Thakkar said,

  August 28, 2010 @ 3:00 am

  લાગણી, ઋણાનુબંધ, અને આંસુના પ્રતિકોથી ગઝલમા અંતરંગ ભાવો સરસ રીતે વણાયા છે.

 2. Pinki said,

  August 28, 2010 @ 4:33 am

  લાગણી, સંવેદનાનું સુંદર શબ્દચિત્ર !

 3. Dr. J. K. Nanavati said,

  August 28, 2010 @ 9:09 am

  આપણે સૌ આવી સુંદર ગઝલો માણવા કરતાં
  શા માટે કોઈ એક રચના પાછળ આટલો બધો હોબાળો કરીએ છીએ

  જાગ્યા ત્યાંથી સવાર…

  ચાલો સહુ ગઈ “ગુર્ઝરી” ભુલી
  નવલોહિયા ને માણીએ…નવાજીએ

 4. himanshu patel said,

  August 28, 2010 @ 5:35 pm

  બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
  મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે
  આ વાત/અબિવ્યક્તિ વધારે ગમી, સમસ્ત સુંદરતામાંથી.

 5. વિહંગ વ્યાસ said,

  August 28, 2010 @ 11:21 pm

  વાહ….વાહ….બધાં જ શેર આસ્વાદ્ય !

 6. Ruchir Pandya said,

  August 28, 2010 @ 11:57 pm

  લાગે છે ગુજરાતી સર્જકો હવે ખરાહ્રદયથી કવિતાને ચાહતા થયા છે. વચ્ચે થોડો નબળો તબક્કો આવેલો . અને લયસ્તરો નું સ્તર પણ classic ગણવું પડે. અહી કવિતા કે સાહિત્ય ને કારકિર્દી બનાવવા માગતા લોકો ની કૃતિ ઓછી હોય છે પણ સંવેદના અને અનુભૂતિએ કાવ્યનું સ્વરૂપ લઇ લીધું હોય તેવી સરસ રચનાઓ પ્રકટ થાય છે. આમ પણ સાહિત્ય ને સંસ્થા કે ઔપચારિકતા ને બદલે સહજતા અને કળા ના શોખીન પ્રેમીજન (amateur ) સાથે વધુ નાતો છે………ગઝલનો બીજો અને ત્રીજો શેર અતિઉત્તમ
  …રુચિર પંડ્યા.

 7. Bharat Trivedi said,

  August 29, 2010 @ 8:31 pm

  ભાઈ રુચિર પંડ્યા સાથે સંમત થવું પડે કે નામથી વિષેશ કામથી આપણને મતલબ હોવો જોઈએ અને સદભાગ્યે અહીં મૂકાતી ગઝલો એ વાતની સાક્ષી પૂરે છે પરંતુ પીળુ એ બધું કાયમ સોનું નથી જ હોતું તેવી રીતે ગાગાલગા ના ચોકઠામાં ફીટ થઈ ગઈ હોય ને રદીફ/કાફિયા જળવાયા હોય તેથી કૈ જંગ જીતાઈ જતો નથી.

  ચીલાચાલુ રદીફ/કાફિયા અને એક/બે અતિશય ખેડાઈ ચૂકેલી બહરમાં બનતી ગઝલની માર્કેટ વેલ્યૂ ઓછી અંકાય તો રોકકળ ના થવી જોઈએ. કવિતાને ભાષા સાથે જેટલી નિસ્બત છે તેટલી બીજા કશા સાથે નથી એટલે ભાષાનું પોત પણ તપાસવું પડે. છંદ સાચવવામાં ભરતીના શબ્દ આવી ગયા હોય તો તેને પણ અણદેખ્યા ના કરી દેવાય.

  મત્લાના શેરમાં કાફિયા નક્કી થઈ ગયા પછી આગળના શેરમાં ઠોકમાર ચલાવી હોય તો ગઝલકારના કાન પકડવા પણ પડે. રદીફ/કાફિયા સાચવી બાકીની પંક્તિમાં ભળતો જ મસાલો ભેળવી દઈ અર્થબોધનો ભાર વાંચક પર છોડી દેવાયો લાગે તો સવાલ પૂછવાય પડે.

  નવી ગઝલોમાં સૌથી મોટી ઊણપ મને એ દેખાય છે જાણે કે બધું કામ એક બીજાની નકલપર નભતું હોય! ચિનુ મોદી કે આદિલની અસર હેઠળ તો લખાતું રહ્યું છે હવે રાજેન્દ્ર શુક્લના અધ્યાત્મની પણ દાણચોરી થતી હોવાનું લાગ્યા કરે છે!

  ગઝલમાં (ભલેને અજાણમાંય) કોઈની જાણીતી પંક્તિ જ ઘુસી ગઈ હોય તો તે બતાવી શો ફાયદો? જો કાકવ્રુત્તિ રાખીને બેસીએ તો ઘણા દોષ દેખાડી શકાય પરંતુ આપણું કામ અહીં કવિ માત્રને બિરદાવવાનું છે નહીં કે વગોવાનું.

  આ આખી વાતનો સાર એટલો જ કે અહીં જોવા મળતું સઘળુ એવું તો અફલાતુન નથી જ હોતું કે કોઇનાય કપાળ પર તે ચોટાડી શકાય. અસ્તુ.

  -ભરત ત્રિવેદી

 8. deepak said,

  August 30, 2010 @ 12:03 am

  આખી ગઝલજ સરસ થઈ છે…

  પરંતુ મને આ બે શેર ખુબજ ગમી ગયા…

  ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
  જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

  સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
  જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.

 9. Ruchir Pandya said,

  August 30, 2010 @ 4:02 am

  મુરબ્બી ભરતભાઈ,
  આપ સાંપ્રત સામયિકો માં પ્રકટ થતી રચનાઓ વાંચતા જ હશો. મને ક્યારેક પ્રશ્ન થાય કે અમુક કૃતિ શા માટે છાપી? આ મારો અંગત મત પણ ગણી શકો. પછી થાય કે સંપાદક-તંત્રી થવું એ કેટલીક સમાધાન વૃત્તિ માગી લે છે. કૃતિ નો અસ્વીકાર પોતાને કૈક સમજતા કવિઓ ને દઝાડે છે. ક્યારેક અતિ સમર્થ કવિ ની નબળી કૃતિ પણ છાપવી પડે છે. આમ છતાં સંપાદક પોતાનો વિવેક જાળવે છે. સંતુલન કરવું પડે છે. કેટલાક જબરા સંપાદકો નબળી કૃતિ નો અસ્વીકાર પણ કરી દે છે. પરંતુ લયસ્તરો મારા માનવા મુજબ શોખ થી ચાલતું મંચ છે. તેથી તેના ચયાનકર્તાઓ માત્ર સામર્થ્ય ધરાવતી કૃતિ નો આગ્રહ રાખી શકે અને તેઓ આવો આગ્રહ રાખે છે તે અત્યાર સુધી ના મારા લયસ્તરો ના વાંચન પર થી અનુભવી શકું છું .હા ક્યારેક નવો ચીલો ચાતરતી હોય તેવી રચના તેના સ્વરૂપમાં કે બંધારણ માં થોડી છૂટ છાટ લેતી હોય તો ચલાવી શકાય,

  રુચિર પંડ્યા

 10. Deval said,

  August 30, 2010 @ 5:48 am

  Mara vishe thodik vaat karu to mane kavita ena darrek swarupe game chhe ane layastaro per saari gazal ke geet ke muktak ke acchandas kai pan saru malyu to vanchi lidhu – maani lidhu ane khub gamyu to yaad rakhyu ane chaahi pan lidhu…ane na gamyu to biju kai saaru kale jarur aavshe em mani close nu button daabi bije kyak surf kari lidhu…its as simple as that…ane bus aatlu karva ma pan mari office horus ni vanchan bhukh santoshai jai chhe…uprokt rachana ni vaat chhe tya sudhi mane bijo ane trijo sher thoda vadhare gamya……thanx Vivek ji…ahi humesha kaik saaru ne saru aapta rehva mate…..

 11. Bharat Trivedi said,

  August 30, 2010 @ 8:46 am

  રુચિરભાઈ,

  મારી વાતનો હેતુ કેવળ એટલો જ હતો કે પસંદગીની રચનાનાં ભારોભાર વખાણ અને નાપસંદ રચનાનો સાવ અનાદર ક્યારેક ગેરસમજ પેદા થવાનું નિમિત્ત બનતો હોય છે. આવા આત્યાંતિક વલણથી આપણે બચવા જેવું હોય છે. જ્યાં સુધી રચનાઓની પસંદગીનો સવાલ છે તેમાં તો અહીં કશો દોષ જોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હું તો માનું છું કે અહીં મુકાતી કવિતા શબરીનાં બોરની મિઠાશ લઈને આવતી હોય છે! સામયિકવાળાની જે કૈ મજબુરી હોય તેઓ જાણે અહીં તો દિલનો સોદો છે. વાત જ સાવ અલગ છે. અહીં થતી ચર્ચાની ગુણવત્તા પણ જરાયે કમ નથી. વિવેકભાઈ ક્યાંક નારાજ ના થશો. દોસ્તીમાં આવું બધું તો ચાલ્યા જ કરશે.

  ભરત ત્રિવેદી

 12. વિવેક said,

  August 31, 2010 @ 12:21 am

  પ્રિય ભરતભાઈ અને તમામ વાચકમિત્રો,

  નારાજ થવાનો કોઈ પ્રશ્ન ઊભો જ થતો નથી… દરેક વ્યક્તિને પોતાનો સ્વતંત્ર પણ અર્થપૂર્ણ અને વિવેકી પ્રતિભાવ આપવાની સ્વતંત્રતા આ ફોરમમાં છે જ… અમે પણ કવિતાના વાચક તરીકે જ અમારો પ્રતિભાવ આપીએ છીએ, સાઇટના વહીવટદાર તરીકે નહીં !!

  આપે દોસ્તીની વાત કરી તો એક શેર ફટકારી દેવાની લાલચ રોકી નથી શક્તો:

  દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
  જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

 13. pragnaju said,

  August 31, 2010 @ 7:50 am

  સરસ ગઝલનો આ શેર
  ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
  જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.
  વાહ્

 14. કિરણસિંહ ચૌહાણ said,

  September 3, 2010 @ 10:02 am

  અનોખી અને અદભુત ગઝલ. હરીશભાઇ ઓછું લખે છે પણ ચોટદાર લખે છે.

 15. Jay Naik said,

  September 5, 2010 @ 8:23 am

  Hundred persent agreed with kiranbhai`s coment. Weldone Dr. Harishbhai.

 16. preetam lakhlani said,

  September 8, 2010 @ 7:54 am

  નવી ગઝલોમાં સૌથી મોટી ઊણપ મને એ દેખાય છે જાણે કે બધું કામ એક બીજાની નકલપર નભતું હોય! ચિનુ મોદી કે આદિલની અસર હેઠળ તો લખાતું રહ્યું છે હવે રાજેન્દ્ર શુક્લના અધ્યાત્મની પણ દાણચોરી થતી હોવાનું લાગ્યા કરે છે!
  ભરત્ ભાઈની આ વાત ગમી પણ રુચિર પંડ્યા ની વાત પણ માણવા જેવી તો ખરી…..રુચિર ભાઈ સાથે તો ધણી વાર ફોન પર જો ભાનુભાઈ ન હોય તેમની સાથે વાત કર વાનો અવસર મલે છે!!!!!!!!!

 17. Ruchir Pandya said,

  September 8, 2010 @ 10:09 am

  આદરનિય શ્રી પ્રીતમ ભાઈ

  આપનું સ્પષ્ટવક્તાપણું ગમે છે. મને પણ આપની સાથે ગોષ્ઠી કરવાનો આનંદ આવે છે. ભાવકો કે સર્જકો પાસે સિદ્ધાંતો કે અભ્યાસ નથી પણ તેથી તેઓ સાંપ્રત સાહિત્ય વિષે passive રહે તે જરૂરી નથી. માત્ર વિવેચકો જ સાહિત્ય ની નબળી કડી વિષે લખવા ના અધિકારી છે તેવું નથી. તટસ્થ રીતે અને સાહિત્યને ઉપકારક એવી વાત કોઈ પણ સર્જક કે ભાવક કરી શકે છે . આપ પણ જાગૃત છો અને આપના નિરીક્ષણો કહેતા રહો છો તેથી આનંદ થાય છે. હું માનું છું કે અનુભૂતિ અને સંવેદના વિના કાવ્ય અધૂરું રહે છે. આજના ગઝલકારો વાંચે છે વિચારશીલ છે પણ ક્યારેક કૈક ખૂટતું હોય તેવું લાગે તો તે અનુભૂતિ છે. જે ગઝલ કે શેર સર્જન ની ઉત્તમ પળો માં રચાયો હોય તે સીધો અપીલ કરે છે. ઉદાહરણ તરીકે મુ.ડો. અશરફ ડબાવાલા નો શેર સ્પર્શી જાય છે.

  ડૂબી ડૂબી ને ડૂબવાનું શું માણસ માં ? છે
  એક વેંત ઉતરો ત્યાતો તળિયા આવે.

  અહી આ કઈ અમથું નથી આવ્યું …તેમાં કોઈ અનુભૂતિ હશે. વળી આ મારી તમારી વાત પણ છે. શું કહો છો?

 18. ruchir said,

  September 8, 2010 @ 1:11 pm

  શેર મા “છે ” ભુલ થી ટઈપ થયો છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment