કોનામાં લીલો મોલ લચી પડશે - શી ખબર !
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં.
રમેશ પારેખ

એવું અમથું ક્યારેક – હરિકૃષ્ણ પાઠક

અમથું ક્યારેક કો’ક સાંભરે.
આકાશે હોય નહીં વાદળીની રેખ,
નહીં મોરલાની ગ્હેક,નહીં માટીની મ્હેક;
ક્યાંય શીતળ પવનની એ લ્હેરખી યે ન્હોય
-એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગે :
કોક વરસી રહ્યું છે એમ લાગે;
ને બારીએથી જોઉં તો નેવલાં ઝરે !
એવું અમથું ક્યારેક કો’ક સાંભરે….

સૂની અગાશીમાં સૂનમૂન બેઠો
કે ઓરડામાં પેઠો;
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…
હોય આંગણ ખાલી ને વળી, ફળિયું ખાલી
સાવ શેરી ખાલી
ને એમાં સૂની આ વાટ જાય ચાલી
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
– ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !

– હરિકૃષ્ણ પાઠક

બુદ્ધ ન હોવા નો ફાયદો !! અજંપાનો આ આનંદ બુદ્ધત્વ સાથે અલોપ થઇ જાય ! Smile

8 Comments »

 1. preetam lakhlani said,

  August 20, 2010 @ 8:20 am

  હરિકૃષ્ણ પાઠક સાહેબના ગીત વિશે શુ બોલી એ ? બહુ જ સરસ તો મારી સમજણૅ શબ્દને ઓછુ લાગે!….લાજવાબ્…ગમતાનો ગુલાલ્….જેટલુ લખુ એટલુ ઓછુ……..

 2. pragnaju said,

  August 20, 2010 @ 8:30 am

  ને એમાં સૂની આ વાટ જાય ચાલી
  ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
  – ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
  એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !
  સુંદર અભિવ્યક્તિ

  યાદ આવી અજ્ઞાતની પંક્તીઓ
  ઘરોના નળમાં ‘બુડ…બુડ…’ અવાજ
  ને ડોલોને ઉપડે રિક્તતાની ખાજ,
  સૂના રસ્તાના અવાવરું બિસ્તર પર
  એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
  એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !

 3. Kirtikant Purohit said,

  August 20, 2010 @ 11:23 am

  એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !

  આ અજન્પાને કેન્દ્રસ્થ રાખી આપણા આ સશક્ત કવિ આપણને પણ ખેચી જાય છે એ સ્રુષ્ટિમા…. વાહ ,, સરસ રચના અને અદ્ભૂત અભિવ્યક્તિ.

 4. ધવલ said,

  August 20, 2010 @ 3:43 pm

  ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
  – ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
  એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !

  – સરસ !

 5. sudhir patel said,

  August 20, 2010 @ 10:19 pm

  પાઠક સાહેબના સુંદર ગીતનું લય નાવીન્ય પણ આકર્ષક છે!
  સુધીર પટેલ.

 6. વિવેક said,

  August 21, 2010 @ 1:35 am

  સુંદર રચના…

  પ્રજ્ઞાજુને સાંભરેલી રચના અહીં માણી શકાશે:

  http://vmtailor.com/archives/403

 7. mahesh dalal said,

  August 21, 2010 @ 6:41 am

  વાહ વાહ પાથક્જિ… આનન્દ આનન્દ ….ગમુતા નો ગુલાલ . વાહ્

 8. વજેસિંહ પારગી said,

  August 22, 2010 @ 3:43 am

  ગીતમાં યાદ-સ્મરણની સંહિતા આબાદ રીતે અભિવ્યક્ત થઈ છે. શબ્દવિન્યાસ અને પદવિન્યાસ સુશ્લિષ્ટ. શ્રેષ્ઠ ગીતકાવ્યોમાં માનભેર સ્થાન પામે તેવી રચના. કવિને ને લયસ્તરોને અભિનંદન. બંને અંતરા મનભર. ધ્રુવપંક્તિ- અમથું ક્યારેક… એવું અમથું ક્યારેક… એમ અમથું ક્યારેક… યાદની તીવ્રતાની જેમ બદલાતી રહે છે ને રચનાવિધાનમાં ઉપકારક બની રહે છે. કોઈ વિદગ્ધ વિવેચક આ કૃતિનું વિવેચન કરે તો એની ખૂબીઓ જાણવા ને માણવા મળે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment