ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
અંકિત ત્રિવેદી

આયનાની જેમ – મનોજ ખંડેરિયા

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને

ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તે એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામમાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે-
જાણે છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઈ દિવસ કોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને

– મનોજ ખંડેરિયા

આખી વાત એક રમ્ય ખલેલની છે. અસ્તિત્વના શાંત જળમાં એક વિક્ષેપ થાય છે અને ભાનનો લોપ થાય છે અને મદહોશીમાં સરી જવાય છે. જે એકલતા કદી પીડાદાયી નહોતી લાગતી-જે સ્થાયીભાવસમ હતી,તે પીડવા માંડે છે. ‘પરપોટો ફૂટે….’ – પંક્તિ કાવ્યને ચરમસીમાએ લઇ જાય છે.

12 Comments »

  1. વિવેક said,

    August 8, 2010 @ 1:59 AM

    ગઝલકાર મનોજ ખંડેરિયાને અમર ગીતકારની કક્ષાએ મૂકી શકે એવું અદભુત ગીત…

  2. AMIT SHAH said,

    August 8, 2010 @ 2:52 AM

    please find this song composed by ajit sheth

    sung very well by kavita krishnamurthy

    source : sangeet bhavan trust

  3. સુનીલ શાહ said,

    August 8, 2010 @ 3:24 AM

    માણસ નામના પ્રદેશમાંની એકલતા –અભાવના વિસ્તારનું સુંદર શબ્દચિત્ર આ ગીતમાં વ્યક્ત થયુંછે.

  4. Bharat Patel said,

    August 8, 2010 @ 4:00 AM

    પરપોટો ફૂટે તો જળને શું થાય
    નથી જાણ થતી કોઈ દિવસ કોઈને

    ખુબ જ સુન્દર્.

  5. Rekha Sindhal said,

    August 8, 2010 @ 9:21 AM

    ખુબ સુઁદર!

  6. Bharat Trivedi said,

    August 8, 2010 @ 12:04 PM

    કુંવારી કન્યાને જોવા માટે યુવક આવે અને “હા” કે પછી “ના” નો જવાબ હજી આવ્યો નથી એ પરિસ્થિતિમાં એ કન્યાના મનોભાવને વાચા આપતું આ ગીત પહેલા વાંચને જ ગમી જાય તેવું તેનું લાઘવ છે. વર્ષો પહેલાં શિકાગોમાં મનોજભાઈ, ચિનુભાઈ અને આ લખનારે મનુ વોરાને ઘેર રાખેલ કાવ્ય-વાંચનમાં કાવ્યો રજૂ કર્યાં ત્યારે મનોજભાઈએ આ ગીત વિશે સારી એવી પ્રસ્થાવના બાંધી આપી હતી. આ ગીત સાથે વણાયેલી ધણી બધી યાદો તાજી થઈ ગઈ!

    -ભરત ત્રિવેદી

  7. pragnaju said,

    August 8, 2010 @ 2:36 PM

    ચાર પાંચ વર્ષથી દરેક બ્લોગ પર આવી ગયેલું આ ગીત વારંવાર સંભળીએ ત પણ ગમે..
    તેમના જ ગીતની યાદઆપાવે
    આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી, ભીંત મૂંગી રહી

    ઘર વિષે અવનવી વાત સહુએ કરી, ભીંત મૂંગી રહી

    આભમાં ઊડતી બારીઓ પથ્થરે કાં જડાઈ ગઈ?

    વાત એ પૂછનારેય પૂછી ઘણી, ભીંત મૂંગી રહી

    ‘આવજો કે’વું શું પથ્થરોને?’ ગણી કોઈએ ના કહ્યું

    આંખ માંડી જનારાને જોતી રહી, ભીંત મૂંગી રહી

  8. ધવલ said,

    August 8, 2010 @ 2:51 PM

    આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
    પડછાયો મારો હું ખોઈને
    આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
    ગયું મારામાં કોઈ જરા જોઈને

    – સરસ !

  9. Girish Parikh said,

    August 8, 2010 @ 5:40 PM

    ‘અમર કાવ્યોના સર્જનની રોમાંચક કથાઓ’ (tentative title) કોઈ લખશે? દરેક મહાન કાવ્યના સર્જનનો રસમય ઇતિહાસ હોય છે. દા.ત. આદિલની અમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર.’ મા સરસ્વતી અને મા ગુર્જરીની કૃપાથી ‘અમર કાવ્યોના સર્જનની રોમાંચક કથાઓ’ પુસ્તક અને એનો સર્જક અમર થઈ જાય.
    ‘અમર કાવ્યોના સર્જનની રોમાંચક કથાઓ’ લેખમાળા રૂપે ‘લયસ્તરો’ પર પોસ્ટ થઈ શકે અને પછી એને પુસ્તક રૂપે પ્રગટ કરી શકાય.

    ભરતભાઈને મનોજના આ અમર ગીતના સર્જન વિશે એમણે જે કહ્યું હોય એમાંનું જે યાદ હોય એ પોસ્ટ કરવા વિનંતી કરું છું.

  10. Bharat Trivedi said,

    August 8, 2010 @ 8:59 PM

    ‘અમર કાવ્યોના સર્જનની રોમાંચક કથાઓ’ જેવું છપાય તો મઝા આવી જાય પરંતુ કવિઓ પોતાની કવિતા વિશે બોલવાનું ઘણે ભાગે ટાળતા હોય છે. આ એ વાંક કદાચ મુ. ઉમાશંકરભાઈનો છે! તેમણે જ કહ્યું છે ને કે ” કવિ, કવિતાને જ બોલવા દો” કવિ જો મુડમાં હોય તો રચના સાથે સંકળાયેલ એક/બે વાત કરે બાકી પૂર્વભુમિકા બાંધવાનું લગભગ બધા જ કવિ ટાળતા હોય છે તેમ મારું માનવું છે.

    આ ગીતની સાથે જ ચિનુભાઈની ફરમાઈશ પર મનોજભાઈએ શહામ્રગો રચના પણ પેશ કરી હતી અને એક ગઝલ વખતે કવિનો પ્રોફેશન કવિતા લખતી વેળા કેવું કામ કરતો હોય છે તે પણ ઉદાહરણ સાથે બતાવ્યું હતું પરતું એ બધી વાતો હવે બરાબર યાદ કરવી ખરેખર અઘરી છે.

    આદિલની ઘણી રચનાઓ પાછળ તેનો આગવો ઈતિહાસ છે. તેવું જ ચિનુ મોદીની અને બીજા ઘણા કવિમિત્રો બાબતમાં છે/હશે પરંતુ એ બધું શોધવાનો સમય કોની પાસે હશે?

    ભરત ત્રિવેદી

  11. ડૉ.મહેશ રાવલ said,

    August 9, 2010 @ 1:24 PM

    સરસ ભાવ-અભિવ્યક્તિ અને મનોજભાઈ જેવી કસાયેલી કલમના ટચથી ઓર નિખરેલી રચના ખૂબ ગમી.
    અંતિમ બંધ, માનવમાત્રને એના અસ્તિત્વ અને અનસ્તિત્વ માટે વિચારવા જેવો…..
    પરપોટાના પ્રતિકનો સ-રસ ઉપયોગ કર્યો છે અહીં કવિએ….
    સલામ.

  12. Praveen said,

    August 10, 2010 @ 9:28 AM

    ભાઈ મનોજનું અદ્ભુત સંઘેડાઉતાર પૂર્ણ સુંદર સાચે જ અમર ઊર્મિકાવ્ય :
    આ મહાન સર્જનને ખરી દાદ આપવી અઘરી જ નહિ, અશક્ય.
    માત્ર અહા, અહો, આફ્રીન !

    મનોજને પ્રત્યક્ષ મળ્યાંથી વધુ અંતરથી આજ મળાણું.
    તીર્થેશભાઈ, આ સારસ્વત સાક્ષાત્કાર સહેજે કરાવવા બદલ
    ઊંડાં અંતરનાં અભિનંદન, ધન્યવાદ !

    કવિશ્રી કિશોર પરીખે કરેલાં ઉત્તમ સૂચનને સાકાર કરવા કોઈક અધિકારીએ સમય મેળવી મથવૂં જ પડે.
    સ્વયં કવિ થઈને ભલા ભરતભાઈ, આમ અવળું કેમ ભાખો છો ?!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment