બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
વિવેક મનહર ટેલર

ખંડેરના એકાંત – રાજેન્દ્ર શુક્લ

ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
તે એક સાથે બીજી પળને કોક સાંકળતું રહ્યું.

ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.

આ વન્ય કેડીઓ સમય ગાતો રહ્યો, ગાતો રહ્યો,
ને તે ક્ષિતિજની રેખ પર કોનું વદન ઢળતું રહ્યું !

‘ના કોઈની યે વાટ….’ કહી જેણે ક્ષિતિજ તાક્યા કર્યું,
છેવટ સુધી એ આંખમાં આકાશ ટળવળતું રહ્યું.

હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.

રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨) નો જન્મ બાંટવા, જૂનાગઢ. હાલ અમદાવાદ. શબ્દના તળમાં ઠેઠ ઊંડે ડૂબકી લગાવ્યા બાદ હાથમાં આવેલા અલભ્ય મોતીની ચમક એમના કાવ્યોમાં આવ્યા વિના રહેતી નથી. મૌનને બોલતું સાંભળવું હોય તો એમની કવિતાનો ભગવો ધારણ કરવો પડે. આ ગઝલના બધા જ શેર એક વિશિષ્ટ અભિવ્યંજના લઈને સામાન્ય પ્રતીકોમાંથી અસામાન્ય કલ્પનલીલા સર્જે છે, જેના અર્થ-વર્તુળો ધીમે-ધીમે આપણી અંદર કંઈક હચમચાવતા હોય એવું ભાસે છે…

કાવ્યસંગ્રહ: ‘કોમલ રિષભ’, ‘સ્વવાચકની શોધમાં’, ‘અંતર ગાંધાર’, ‘ગઝલ સંહિતા’- ૧ થી ૫ (સભર સુરાહિ, મેઘધનુના ઢાળ પર, આ અમે નીકળ્યા, ઝળહળ પડાવ, ઘિર આઈ ગિરનારી છાયા).

2 Comments »

 1. સુરેશ જાની said,

  October 8, 2006 @ 10:58 am

  હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
  યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.

  બધું ભૂલવાનું કેટલું બધું કઠણ હોય છે? તેવા મુકામે પહોંચેલાઓનો અનુભવ એમ કહે છે કે, ત્યાં પહોંચ્યા પછીનો ખાલીપો બહુ દુષ્કર હોય છે. જ્યાં આનંદ અને ચૈતન્ય પણ ઓગળી ગયા હોય અને કેવળ સત્ય જ રમમાણ હોય તે અવસ્થાની આ વાત છે.
  અને છતાં સત્ય શોધક પાછો નથી વળતો. ત્યારે જ તે પરમ તત્વને પામે છે.
  શ્રી અરવિંદ તો આ તત્વને પામ્યા પછી એક સાવ નવી જ ભૂમિકાની વાત કરે છે. પરમ તત્વના અવતરણની. માત્ર જીવિત કોશે કોશ માત્ર નહીં પણ જડ અણુના કેન્દ્ર સમા ન્યુક્લીયસમાં રહેલા ન્યુટ્રોનના ય કેન્દ્ર સુધી આ પરમ તવ વિલસવા માંડે તે તેમનું સ્વપ્ન હતું.
  જ્યારે આપણે રાજે ન્દ્રભાઇ અને જવાહર બક્ષી જેવા કવિઓની રચનાઓને વાંચીએ ત્યારે એ યાદ રાખીએ કે, આ સામાન્ય સ્તરના કવિઓ નથી પણ પરા- વાણીના ઉદ્ ગાતાઓ છે.
  આવી કવિતાઓને માત્ર વાહ! કહીએ તો બહુ ક્ષુલ્લક વાત થઇ. આ તો એક અદીઠ પંથ પર ચાલતા થવાનું આમંત્રણ – આવાહન છે.
  આભાર વિવેક ! આવી મૌન કરી દે તેવી રચના આપવા બદલ.

 2. ઊર્મિસાગર said,

  October 8, 2006 @ 2:30 pm

  ખૂબ જ સુંદર ગઝલ…. મઝા આવી ગઇ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment