માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
વિવેક ટેલર

એક પળ – કિરણસિંહ ચૌહાણ

પામી નહીં શકાય ઘણીવાર એક પળ,
ચોરી નહીં શકાય ઘણીવાર એક પળ.

સમજણ બધી જ આપણી માથે પડી શકે,
સમજી નહીં શકાય ઘણીવાર એક પળ.

પ્રત્યેક પળ ઉપર પછી એની અસર રહે,
જીવી નહીં શકાય ઘણીવાર એક પળ.

આખીય જિંદગી તને અર્પણ કરી છતાં,
આપી નહીં શકાય ઘણીવાર એક પળ.

પ્રત્યેક માપ આપણું ખોટું પડે ‘કિરણ’,
માપી નહીં શકાય ઘણીવાર એક પળ.

-કિરણસિંહ ચૌહાણ

લયસ્તરો પર અગાઉ આપણે કિરણની ગઝલોના ચૂંટેલા શેર કિરણોત્સવમાં માણ્યા હતા. કિરણ વ્યવસાયે શિક્ષક છે અને ભાષા સાથે એવો ઘરોબો એમણે કેળવ્યો છે કે શબ્દો સહજ સરળતાથી એની પાસે દોડતા આવે છે. આ અઠવાડિયે જ મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી.એ ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કિરણ ચૌહાણને પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” આપવાની જાહેરાત કરી છે. લયસ્તરોની ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, કિરણભાઈ!

6 Comments »

 1. Jayshree said,

  September 17, 2006 @ 3:11 pm

  ગમતા શેર અહીં પાછા લખું તો આખેઆખી ગઝલ જ લખવી પડે.. એકદમ સરસ ગઝલ… કશુંક ખૂટતું, કશુંક ખટકતું યાદ આવી જાય…

  સમજણ આપણી બધી માથે પડે… કેટલી સરળ ભાષામાં જણાવ્યું છે કે ઘણીવાર આપણે પોતાને જ સમજી શકતા નથી., પોતાના સંજોગો, અને લાગણીઓને સમજી શકતા નથી.

  કિરણભાઇને ‘શયદા પુરસ્કાર’ માટે ખૂબ ખૂબ અભિનંદન.

 2. ધવલ said,

  September 21, 2006 @ 10:16 pm

  આખીય જિંદગી તને અર્પણ કરી છતાં,
  આપી નહીં શકાય ઘણીવાર એક પળ.

  બહુ ઊંચી વાત !

  કિરણ સુરતનો કદાચ પહેલો નામાંકિત કવિ છે જેને હું જરાય જાણતો નથી. સુરતનો કોઈ કવિ હોય અને એને હું જાણતો ન હોઉં એ વાત એટલી અડવી લાગે છે કે મન એ માનવા તૈયાર નથી થતું. હવે જ્યારે સુરત અને એની બધી મહેફીલો છૂટી ગઈ છે ત્યારે મનને તૈયાર કરવું પડશે એ વાત સ્વિકારવા કે નવા કવિઓની આખી પેઢી જોડે મારી ઓળખાણ તો માત્ર એમના શબ્દો દૂરથી વાંચવાની જ રહેશે.

  વતનની સાથે જે વસ્તુઓ છૂટી ગઈ એમા આ એક વાત ઉમેરવાની એટલું જ.

  શબ્દો તો દુનિયાની માયા છોડાવી દે એટલા શક્તિશાળી હોય છે, તો પછી શબ્દો અને એ પણ એક સ્થાન સાથે જોડાયેલા શબ્દોની આટલી બધી માયા શા માટે ? – આવી (દ્રાક્ષ ખાટી છે જેવી) વાતો કરીને મનને સમજાવી લેવાનું, બીજું શું ! 🙂 🙂

 3. Jayshree said,

  September 22, 2006 @ 2:29 am

  પ્રિય ધવલભાઇ…

  આ મન મનાવાની વાત પણ મન મનાવવા માટે જ કરી હોય એવું ના લાગે ?? કોઇ જગ્યા સાથે એમ તે કંઇ માયા છૂટે ?? અને કદાચ છોડવાની જરૂર પણ નથી…. જેની સાથે અસ્તિત્વ જોડાયેલું હોય.. એની માયા છૂટી જાય… તો તો પછી આપણે કંઇક અંશે અધૂરા ના થઇ જઇએ ??

 4. પંચમ શુક્લ said,

  September 22, 2006 @ 7:32 am

  ખૂબ કહ્યું ધવલભાઈ

  મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
  આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે….

  જૂઓઃ http://www.commsp.ee.ic.ac.uk/~pancham/RajendraShukla/JPG%20files/mamane%20samajavo%20nahi%20jpg.jpg

 5. sures parmar said,

  April 10, 2008 @ 7:55 am

  nice. saras.

 6. 'ISHQ'PALANPURI said,

  May 19, 2008 @ 5:55 am

  ખુબ સરસ ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment