વ્હાણને સહકાર વાયુનો મળે,
પણ હલેસું હાથમાં તું રાખજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

મન ઉમંગ આજ ન માયો – નલિન રાવળ

મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
નીલ નભે જઈ ઈન્દ્રધનુ બની છાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
ફળફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
પંખીગણના કલરવ મહીં ગવાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
અપરિમેય લાવણ્યમયીના હિય મહીં
                             મધુર રાગ થઈ વાયો

– નલિન રાવળ

દુ:ખનું ગીત લખવા કરતાં આનંદનું ગીત લખવું અઘરું છે. આ ગીતના કલ્પનો બધા જાણીતા છે છતાંયે એના ઉપાડમાં જ એવું કશુંક છે કે તરત આકર્ષે છે. આનંદ જ્યારે ઊભરાય ત્યારે આખા વિશ્વને ગાતો કરી જાય છે એ ઘટનાનું મધુરું ચિત્ર કવિ દોરી આપે છે. ‘હિય’ શબ્દ ક્યાંય મળતો નથી, એ હૈયા કે હ્રદયનો અપભ્રંશ હોય એવું અનુમાન કરું છું.  

(અપરિમેય=જેનું માપ ન થઈ શકે એવું, હિય=?હ્રદય)

4 Comments »

  1. પંચમ શુક્લ said,

    September 13, 2006 @ 5:02 AM

    ખરું ધવલભાઈ, હિય શબ્દ હૈયા સાથે સરસ મેળ ખાય છે.

  2. Suresh Jani said,

    September 13, 2006 @ 7:42 AM

    આવું જ બીજું મધુર આનંદનું ગીત આજે સવારે ‘અમી ઝરણું ‘ પર વાંચવા મળ્યું — ‘તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું.’
    આજની સવાર સુધરી ગઇ.
    ધવલ, તારી વાત સાચી છે. નિર્ભેળ આનંદની અબિવ્યક્તિનાં ગીત ઘણાં ઓછાં છે.
    કદાચ એમ બને કે આનંદમાં આવીએ ત્યારે આપણે એટલાં બધા ખીલી જતા હોઇએ છીએ કે બીજા કોઇ વિચાર સુઝે જ નહીં. ગમમાં આપણે બહુ જ અંતર મુખી થઇ જતા હોઇએ છીએ.
    આવાં સુંદર ગીતો ભેગા કરવાનું સૌને આમંત્રણ આપીએ તો?

  3. Jigar said,

    April 2, 2016 @ 3:05 AM

    સરસ ગીત,
    “હિયા” શબ્દ હિન્દી ગીતો માં મળી આવે છે, જે હ્રદય માટે વપરાય છે.

    हिया जरत रहत दिन रैन हो रामा
    जरत रहत दिन रैन

    (A masterpiece of Mukesh from Godaan, 1963 )

    કદાચ કવિ ને આવા જ કોઇ હિન્દી ગીતમાંથી પ્રેરણા મળી હોય ‘હિય’ શબ્દ પ્રયોજવાની.

  4. Dhaval said,

    April 2, 2016 @ 11:29 AM

    આભાર જીગર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment