શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.
– જવાહર બક્ષી

તિથિસાર ! – વીરુ પુરોહિત

પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી !

ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી ,
છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી !

મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી,
આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી !

નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી પાંખો જી;
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

તોરણ બાંધી દશે દ્વાર પર અમને લખિયો કાગળ જી !
“અગિયારસના શુભ અવસર પર તમે વધેરો શ્રીફળ જી !”

બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી !
ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી !

પૂનમનો તેં ભરી વાડકો, મને કહ્યું કે ‘ચાખો જી !’
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

– વીરુ પુરોહિત

તમામ ગુજરાતી તિથિઓને કળાત્મકરીતે સાંકળી લેતું આવું સરસ મસ્તીસભર પ્રણયગીત આ પૂર્વે કદી વાંચ્યાનું સ્મરણ છે ?

7 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    June 12, 2010 @ 2:11 AM

    પડવેથી પૂનમના તિથિમેળે પાંગરતી, સુંદર તો ખરી જ પણ માદક પ્રેમેભરી લાગણીથી ઊભરાતી લાવણ્યસભર અભિવ્યક્તિનું ગીત કહીશ હું તો……આજે જે તિથિ હોય એ, પણ આ ગીતે પૂનમ-પૂનમ કરી મુક્યું આખુંય તારિખિયું….!

  2. સુનીલ શાહ said,

    June 12, 2010 @ 2:12 AM

    ભઈ..વાહ..! સુંદર ગીત.

  3. વિહંગ વ્યાસ said,

    June 12, 2010 @ 5:33 AM

    સુંદર મજાનું નાવિન્યભર્યું ગીત.

  4. pragnaju said,

    June 12, 2010 @ 6:34 AM

    તોફાની પ્રણય ગીત
    બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી !
    ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી !
    વાહ
    ગજબના નશીલા રાતના પ્રહરમાં ગવાતો આ રાગ.
    માલકૌંસના સ્વરો મનમા ઝંકૃત થઈ ઊઠ્યા..

    પૂનમનો તેં ભરી વાડકો, મને કહ્યું કે ‘ચાખો જી !’
    પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
    —————————–
    આવું સરસ મસ્તીસભર પ્રણયગીત
    આ પૂર્વે કદી વાંચ્યાનું સ્મરણ છે ?
    હા,તેમની આ પંક્તી વાત વાતમા કહું છું!

    મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
    કાગળ જેવું તો કંઈક આપો.

  5. sudhir patel said,

    June 12, 2010 @ 12:50 PM

    દરેક તિથિની ખાસિયતને કાવ્યમય અને લયબધ્ધ વ્યક્ત કરતું ગીત અહીં વાંચી માણવાની મજા આવી!
    સુધીર પટેલ.

  6. "માનવ" said,

    June 13, 2010 @ 12:10 AM

    વાહ શું ગીત છે!

  7. Pancham Shukla said,

    June 14, 2010 @ 7:01 AM

    ગુજરાતી તિથિઓને મધુર અને નાવિન્યપૂર્ણ રીતે સાંકળી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment