તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.
સુનીલ શાહ

એક પગલાની પીછેહઠ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)

રેતી,ધૂળ,ઢેફાં અને કાંકરા જ માત્ર
ફરી એક વાર પોતીકી સફરે નીકળ્યાં હતાં એમ નહીં,
પણ હંમેશ કાદવ ગળચતી,
સમતુલા ગુમાવી બેઠેલી, તોતિંગ ભેખડોએ
એકમેકના મૂંડા આછેરા અફાળ્યા
અને કંદરાઓમાં ગબડવા લાગી.
આખા ને આખા ભૂમિખંડો પોપડે પોપડે ઉતરડાઈ ગયા.
આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
મને હચમચી ગઈ લાગી.
પણ પીછેહઠના એક જ પગલાથી
મેં મારી જાતને પડવાગબડવામાંથી ઉગારી લીધી.
છિન્નવિચ્છિન્ન થયેલું એક વિશ્વ
મારી આંખ સામેથી પસાર થઇ ગયું.
ત્યાર પછી વરસાદ ને વાવાઝોડું જંપ્યાં
અને મને કોરો કરવા માટે સૂરજ બહાર પડ્યો.

-રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ.- જગદીશ જોષી)

Exsistentialism (અસ્તિત્વવાદ) ની વાત છે…. કવિની ખાસિયત પ્રમાણે નાનાંનાનાં સૂચક શબ્દો ખૂબી થી પ્રયોજ્યાં છે (દા.ત. બીજી પંક્તિમાં ‘ફરી એક વાર….’). મૂલ્યો ખાતર કુરબાન થવું કે પછી એક પગલાની પીછેહઠથી મૂલ્યોના ભોગે જાતને બચાવવી અને એક નવી સવારની આશા અને પ્રતિક્ષામાં તોફાનને પસાર થઇ જવા દેવું-અત્યંત અંગત પ્રશ્ન છે અને ઉત્તર સરળ નથી. અસ્તિત્વ જ ન રહે તો મૂલ્યોનો શો અર્થ ? મૂલ્યો વગરના અસ્તિત્વનો શો અર્થ ?

***

One Step Backward Taken – Robert Frost

Not only sands and gravels
Were once more on their travels,
But gulping muddy gallons
Great boulders off their balance
Bumped heads together dully
And started down the gully.
Whole capes caked off in slices.
I felt my standpoint shaken
In the universal crisis.
But with one step backward taken
I saved myself from going.
A world torn loose went by me.
Then the rain stopped and the blowing,
And the sun came out to dry me.

5 Comments »

 1. pragnaju said,

  June 13, 2010 @ 11:43 am

  સુંદર કવિતા
  સુંદર અનુવાદ
  આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
  મને હચમચી ગઈ લાગી.
  પણ પીછેહઠના એક જ પગલાથી
  મેં મારી જાતને પડવાગબડવામાંથી ઉગારી લીધી.
  સરસ અભિવ્યક્તી
  યાદ
  “હું ધીમે ચાલુ છું પણ પીછેહઠ કરતો નથી”— અબ્રાહમ લિંકન

 2. Ramesh Patel said,

  June 13, 2010 @ 4:26 pm

  દિલીપભાઈ ,માનવજાતના ખેલ જોઈ….

  ‘હરિતો ઉપર બેસી હસતા….’
  આપે તાદૃશરીતે પરિસ્થિતિને રજૂ કરી છે.
  મને આ કૃતિ ખૂબ જ ગમી.
  રમેશ પટેલ(આકાશદીપ્)

 3. Ramesh Patel said,

  June 13, 2010 @ 5:15 pm

  દિલગીરી..ભૂલથી ઉપર્ બીજો પ્રતિભાવ ક્લીક થઈ ગયો.

  આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
  મને હચમચી ગઈ લાગી.
  આજની વૈશ્વૈક સમસ્યાને કેટલી આબેહૂબ વણી.ઓરીજીનલ
  વિચારોને શ્રી જગદિશભાઈએ કેટલા સરસ રીતે ગુજરાતીમાં મઢ્યો.
  અભિનંદન ,લયસ્તરોને આવી સરસ કૃતિ આપવા બદલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. વિવેક said,

  June 14, 2010 @ 12:55 am

  સુંદર રચના…

  મૂલ્યો વિનાનું અસ્તિત્વ અને અસ્તિત્વ વગરના મૂલ્ય- રૉબર્ટ ફ્રોસ્ટે ખૂબ જ સુંદર ગુંથણી કરી આ સનાતન પ્રશ્નને કાવ્યદેહ બક્ષ્યો છે અને કવિશ્રી જગદીશ જોષીનો અનુવાદ પણ એવો સરસ થયો છે કે પરભાષીય કાવ્ય વાંચતા હોવાની લગીરેય અનુભૂતિ થતી નથી…

 5. tjaytanna said,

  June 15, 2010 @ 8:20 am

  બહુ જ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment