ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.
પારુલ ખખ્ખર

સૂરતનો વરસાદ – નયન દેસાઈ

પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ

બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…

નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે…  સૂરતનો…

– નયન દેસાઈ

સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? 🙂

18 Comments »

  1. Gaurang Thaker said,

    June 7, 2010 @ 10:43 PM

    ધવલભાઈ..મઝાનુ ગીત….આ ગીત નયનભાઈના પઠનમા માણવાની મઝા જુદી છે.

  2. વિવેક said,

    June 8, 2010 @ 1:20 AM

    ગૌરાંગભાઈની વાત સાચી છે… નયનભાઈને સાંભળવા એક લહાવો છે…

  3. RAHUL SHAH said,

    June 8, 2010 @ 1:23 AM

    નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
    આછું કિચૂડકચ્ચ એવું
    સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
    એકલું પારેવુ.

    આ મઝ હ્વવે ક્યા ?

    No words to say anything…. really enjoyed lots monsoon by Shri Nayanbhai.

  4. RAHUL SHAH said,

    June 8, 2010 @ 1:32 AM

    સૂરતના વરસાદ માટે

    કાળી કાળી વાદળી ખુલ્લા આકાશમાં
    વરસી નહીં કે નહીં આછરી :

  5. વિહંગ વ્યાસ said,

    June 8, 2010 @ 2:57 AM

    ખૂબજ સુંદર ગીત છે. શિવાજી શહેરને લૂંટે એ અદભૂત કલ્પન છે. સૂરતનાં ચારેક વર્ષનાં વસવાટ દરમિયાન નયનભાઇનાં મુખે આ ગીત અને મનભરીને વરસાદ માણ્યો છે. આભાર ધવલભાઇ.

  6. archana said,

    June 8, 2010 @ 6:01 AM

    nice poem of first rain.

  7. pragnajuvyas said,

    June 8, 2010 @ 6:37 AM

    નયનની હેલીમાં ભીતર-બહાર ભીજાઈ ગયા
    વાહ્
    …જેમ શિવાજી શહેરને લૂંટે
    બાળપણમાં-સૂરતની પડતીના કારણો આગ,રેલ અને શિવાજીની લૂંટ યાદ કરતા
    ભીતેરે તો
    સાત જનમના તૂટે તાંતણા, વીજળીને ઝબકારે,
    ભવભવ કેરી તરસ બુઝાતી હરિરસ મૂશળધારે.

  8. Girish Parikh said,

    June 8, 2010 @ 10:03 AM

    ‘લયસ્તરો’ એટલે કાવ્ય, આસ્વાદ, અને ભાવ પ્રતિભાવનો ત્રીવેણી સંગમ.
    –ગિરીશ પરીખ

  9. MG Dumasia said,

    June 8, 2010 @ 10:58 AM

    નયન ભાઇ,
    હવે તો છાપરાં પર તડીઓ પડતી હોય અને વરસાદી ટીપાં નું ગીત સાભળવાં મળે એવા ઘર ક્યાં છે?

  10. રાજની said,

    June 8, 2010 @ 11:29 AM

    વાહ ! સુંદર ગીત…

  11. Kirtikant Purohit said,

    June 9, 2010 @ 11:08 AM

    સરસ રચના.

  12. indravadan g vyas said,

    June 9, 2010 @ 1:40 PM

    એક વડીલ મિત્રે આ કાવ્ય વાંચી મને ભલામણ કરી કે આ રચના જરા મોટ્ટે થી વાંચજો,મઝા આવશે.મે તેમની સુચનાનુ બરાબર પાલન કર્યું,ખુબ મઝા આવી.શ્રોતા માં મારી પત્નિ હતી.બન્ને જણે ખુબ માણી.
    ફાંકડું કાવ્ય.આ તો ખુબ ગમ્યું.

    નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
    આછું કિચૂડકચ્ચ એવું
    સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
    એકલું પારેવું
    રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
    શિવાજી શહેરને લૂંટે… સૂરતનો


    આફ્રીન કહ્યા વગર ચાલે નહી.

  13. ડૉ.મહેશ રાવલ said,

    June 9, 2010 @ 4:30 PM

    સૂરતના વરસાદમાં અમેરિકા બેઠા-બેઠા પલળવાની લિજ્જત માણી,નયનભાઈ…!
    ખૂબ સરસ રચના.
    -ગમ્યું.

  14. sudhir patel said,

    June 9, 2010 @ 10:08 PM

    વાહ નયનભાઈનો સૂરતી વરસાદ તો અહીં અમેરિકામાં પણ સંભળાય એમ પડ્યો!
    સુધીર પટેલ.

  15. varsha tanna said,

    June 10, 2010 @ 6:33 AM

    સૂરતના વરસાદમાં ભીંજાઇ જવાની મઝા આવી.

  16. Pinki said,

    June 11, 2010 @ 4:22 AM

    વાહ્… નયનભાઇનો વરસાદ ગમ્યો !

  17. Sandhya Bhatt said,

    June 12, 2010 @ 11:22 AM

    નયનભાઈનું સુરતી લહેજામાં લખાયેલું ગીત વાંચીને મઝા આવી ગઈ.

  18. Pancham Shukla said,

    June 14, 2010 @ 7:06 AM

    કોઈની પાસે ઑડિયો હોય તો મઝા પડી જાય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment