મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.
‘શૂન્ય’ પાલનપૂરી

એક પ્રશ્નગીત – રમેશ પારેખ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
                         અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ 

વિરહીણી નારીની મનોવ્યથાને પ્રશ્નોના રૂપમાં બહુ સુંદર રીતે કવિએ અહીં વ્યક્ત કરી છે. ઝાડ પર ચઢીને પ્રિયતમની રાહ જોતી નારીના હૈયામાં ઊઠેલી આગ, અને પરપોટા જેવા મનોરથોએ દરિયો તરવાની બકેલી હોડ, માળાનો ભેંકાર ખાલીપો અને ઊંચી ઘૉડી પર બેસતા ‘એ’ અસવાર ના આવ્યાના સતત ભણકારા –
આ બધામાંથી નિખરી આવતું શબ્દચિત્ર જ્યારે સુંદર કંઠે, ભાવમય લયમાં સાંભળવા મળે છે ત્યારે આપણે પણ આ વિરહ વ્યથાના સહભાગી થઇ જઇએ છીએ.

4 Comments »

  1. amit said,

    August 23, 2006 @ 1:25 PM

    વિરહની વ્યથા ની અભિવ્યક્તિ !!! સરસ !

  2. Bhavna Shukla said,

    August 23, 2007 @ 5:00 PM

    dukh ni vat hoy bapu… vedana ni to varata bane je Ramesh bhai ne sulabh hati sav j…..

  3. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

    July 24, 2009 @ 3:08 AM

    આ ગીત બે અલગ-અલગ પ્રકારે ગવાયું છે. બન્નેની રજૂઆત એક બીજાથી થોડી અલગ છે અને બન્ને અત્યંત કર્ણપ્રિય છે
    ૧. સાધના સરગમ અને શ્યામલ-સૌમિલ મુન્શી
    ૨. અમર ભટ્ટ અને ક્ષેમુ દિવેટિયા
    સાંભળોઃ

    http://preetnageet.blogspot.com/2009/07/blog-post_24.html

  4. ચાલો રિવર્સમાં જઇએ…પરેશ વ્યાસ/Heal sinus problem… | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* said,

    August 24, 2013 @ 8:29 PM

    […] એક પ્રશ્નગીત – રમેશ પારેખ દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment