હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
વિવેક મનહર ટેલર

નદી – જગદીશ જોષી

સ્મૃતિઓ અને સ્વપ્નો વચ્ચે
એક નદી.

નદીમાં માછલીનાં પ્રતિબિંબ ઊડે છે,
સૂરજ કાદવમાં ફસડાઈ-તરડાઈ રહ્યો છે.
નદી પાસેના વૃક્ષ પર
પંખીના ઓછાયા માળો બાંધે છે;
માળાને સેવે છે શિકારીની આંખ.

નદી શિયાળામાં થીજી જાય છે
અને ઉનાળામાં સુકાઈ જાય છે :
સદીઓથી જાણે કે
વરસાદ પડ્યો નથી, અને
ઈન્દ્રધનુઓ જળમાં ખીલ્યાં નથી.

સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે
એક નદી…

– જગદીશ જોષી

સૂકી નદી કવિનું અતૃપ્ત જીવન છે. સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે ફસડાઈ પડેલી હકીકતને કવિએ કવિતામાં ઝીલી લીધી છે.

એક વાત વિચારવા જેવી છે – નદીમાં જરાય પાણી ન હોય તો પણ એને નદી જ કહેવાય છે.  નદી સૂકી હોય તો પણ એ પાણીની શક્યતાથી તો સભર જ હોય છે !

10 Comments »

 1. અનામી said,

  April 6, 2010 @ 10:41 pm

  વાહ…..

 2. ઊર્મિ said,

  April 6, 2010 @ 10:51 pm

  નદીમાં જરાય પાણી ન હોય તો પણ એને નદી જ કહેવાય છે. નદી સૂકી હોય તો પણ એ પાણીની શક્યતાથી તો સભર જ હોય છે ! — વાહ વાહ વાહ, ક્યા બાત કહી હૈ દોસ્ત!

 3. વિવેક said,

  April 7, 2010 @ 1:10 am

  સુંદર… નદીકિનારાના સ્થાપિત પ્રતીકોનું અરુઢ પ્રયોજન કવિતાની બાની ગહન-ગંભીર કરી દે છે… સ્મરણ અને સ્મૃતિના બે કિનારા વચ્ચે વસૂકાઈ ગયેલી જિંદગીની ઓછા શબ્દોમાં સરસ રજૂઆત થઈ છે…

 4. અભિષેક said,

  April 7, 2010 @ 1:13 am

  સરસ. નદી પર જેટલી કવિતા સાંભળી છે તે સહુમા જરીક હટકે.

 5. વિહંગ વ્યાસ said,

  April 7, 2010 @ 1:29 am

  હ્રુદયગમ્ય રચના.

 6. shrey said,

  April 7, 2010 @ 1:53 am

  નદી થી કવિએ સપના ની હકીક્ત વણૅન કરી સરસ!!

 7. Dr. J. K. Nanavati said,

  April 7, 2010 @ 4:10 am

  નદી પણ ક્યાં નદી જેવી રહી,
  સ્મરણના રણ વહે, એવી રહી…….
  ચરણ બે બોળ, ગંગાને હવે
  જરા વિશ્વાસમાં લેવી રહી…

  નદી મારો ગમતો વિષય છે….
  ગમે એવી રચના વાંચી ,ન રહેવાયું…
  ડો. નણાવટી

 8. Pinki said,

  April 7, 2010 @ 4:55 am

  અતૃપ્ત ઝંખનાઓ સ્મૃતિ અને સ્વપ્નાં વચ્ચે ફસડાઇ જતી હોય છે
  અને તે ક્ષણોને શિકારીની આંખની જેમ જ કવિએ ઝીલી લીધી છે.

  સરસ… !

  ધવલભાઈએ બરાબર કહ્યું, નદી એટલે જ પાણીની શક્યતાથી ભરપૂર !

 9. preetam lakhlani said,

  April 7, 2010 @ 5:45 am

  ઉત્તમ કાવ્ય !!!!!!!

 10. pragnaju said,

  April 7, 2010 @ 8:52 am

  સદીઓથી જાણે કે
  વરસાદ પડ્યો નથી, અને
  ઈન્દ્રધનુઓ જળમાં ખીલ્યાં નથી.

  સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે
  એક નદી…
  ખૂબ ભાવભરી અભિવ્યક્તી

  ઉપરથી ભીંજાયો અને ભીતરથી પીગળ્યો
  પથ્થરનો પ્હાડ એમ નદી થઇને નીકળ્યો
  કોઈ
  નદી સાગરમાં ન ભળતાં રણમાં લુપ્ત થઈ જાય છે
  માટે તેને કુમારીકા કહેવામાં આવે છે.
  કોઈને
  એને વિસ્તરવા જગા ટૂંકી પડી,
  એક દરિયાથી નદી છૂટી પડી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment