શબ્દની છેલ્લી ગલીમાં, અર્થથી આગળ જરા,
મૌનની પેલી તરફ ઊભો છું હું, સાંભળ જરા.
વિવેક મનહર ટેલર

પારાવારના પ્રવાસી – બાલમુકુંદ દવે

આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી; 
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

– બાલમુકુન્દ દવે

આઝાદીની ઝંખના,  જ્ઞાન-પ્રકાશની ખેવના અને ભક્તિના આનંદને ‘એક-તારે’ વણી લેતું ‘કાનથી વાંચવાનું’ ગીત. ઘણા ઘણા વખતથી મનમાં  તો હતું પણ આજે આ ગીત હાથમાં આવ્યું તો ‘આનંદ અપરંપાર’ થઈ ગયો !

6 Comments »

  1. Girish Parikh said,

    March 15, 2010 @ 9:11 pm

    આપણે તે દેશ કેવા ?
    આપણે વિદેશ કેવા ?
    આપણે પ્રવાસી પારાવારના હે…જી.

    વિદેશમાં વસતા વસતા દરેક ગુજરાતીના હ્રદયને આ પંક્તિઓ સ્પર્શશે. પરદેશમાં રહીને પણ પારાવારના પ્રવાસી થઈ શકાય છે.

    આખા ગીતની જેમ અંતિમ પંક્તિઓ પણ હૈયાને સ્પર્શે છે.

    બાલમુકુંદ એટલે બાલ-કૃષ્ણ.

  2. KIRTI GANATRA(DUSHMAN) said,

    March 16, 2010 @ 5:53 am

    જન્મદિન મુબારક વિવેક ભાઈ
    ………….દુશ્મન

  3. pragnaju said,

    March 16, 2010 @ 1:10 pm

    આપણે ભજનિક ભારે :
    આપણે તે એકતારે
    રણકે છે રામ જ્યારે
    આપણા આનંદ અપરંપારના હે…જી;
    આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.-ભારતીય સંસ્કૃતિમાં નિરંતર એક ખ્યાલ એવો રહ્યો છે કે આપણે સંકુચિત નથી, આપણે પરમ વ્યાપક છીએ. વેદ પહેલેથી જ ‘વિશ્વમાનુષ:’ ની વાત કરે છે. આ પૃથ્વી ઉપરના સહુ માણસોનો એક પરિવાર છે, એમ કહેતાં કહ્યું, ‘વસુધૈવ કુટુમ્બકમ’. આ આખી વસુધા એક કુટુંબ રૂપ છે. અને તે પણ પાછું ‘કુટુંબ’ ન કહ્યું. ‘કુટુંબકમ’ કહ્યું. એટલે કે નાનકડું કુટુંબ. આ પૃથ્વી ઉપરાંત જે બ્રહ્માંડ છે, તે બધું મળીને પૂરું કુટુંબ થશે. પૃથ્વી તો એક નાનકડું કુટુંબ છે. આ પ્રકારની એક વ્યાપક દષ્ટિ આપણા પૂર્વજોએ આપણને આપી છે. જ્ઞાનદેવે ‘જ્ઞાનેશ્વરી’ લખી મરાઠીમાં અને મરાઠી-ભાષાઓ માટે. પણ તે ગ્રંથના સમર્પણમાં લખ્યું, ‘આતાં વિશ્વાત્મકેંદેવેં. યેણે વાગ્યજ્ઞે તોષાવેં. તોષોનિ મજ ધાવેં. પસાયદાન હેં’ – વિશ્વરૂપ દેવ સંતુષ્ટ થાય, એ જ પ્રસાદ મને મળે. લોકમાન્ય તિલકે પણ ‘ગીતા રહસ્ય’ લખ્યું અને સમર્પિત કર્યું ‘શ્રીશાય જનતાત્મને’ – જનતારૂપી જનાર્દનને સમર્પણ કર્યું. તુકારામ બિચારો દેહૂમાં રહેનારો, બહુ બહુ તો પંઢરપુર ને નાસિક સુધી ક્યારેક ગયો હશે. તેમ છતાં ભાવના કેવી રાખે છે ? કહે છે ‘આમુચા સ્વદેશ ભુવનત્રયામધ્યેં વાસ !’ અમારું ઘર આ આખું ત્રિભુવન છે. જે સમાજને સંતોએ આટલી બધી વ્યાપક દષ્ટિ આપી છે તે સમાજ કદી સંકુચિત રહી જ ન શકે

  4. Pancham Shukla said,

    March 16, 2010 @ 8:01 pm

    આપણે તે દેશ કેવા ?
    આપણે વિદેશ કેવા ?
    આપણે પ્રવાસી પારાવારના હે…જી.

    ગમતું ભજન ગીત ઘણા વખતે માણ્યું.

  5. ઊર્મિ said,

    March 16, 2010 @ 10:27 pm

    અરે વાહ… મસ્ત મજાનું ભજન… પ્રથમવાર વાંચ્યું… વાંચીને મનેય અપરંપાર આનંદ થઈ ગ્યો હોં, પણ જ્યારે તમે કહ્યું એમ બિલકુલ કાનથી આ ગીત વાંચ્યું ત્યારે જ..

  6. વિવેક said,

    March 17, 2010 @ 1:38 am

    સુંદર ગીત…

    આપણે કેદી ના કારાગારના હે… – આ પંક્તિ બરાબર છે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment