કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
શેખાદમ આબુવાલા

ઊઠબેસ – અનામી (અનુ. હરિવલ્લભ ભાયાણી)

આ આવી એ જો !
વસ્ત્રવાઘા ?
શિર પરે રહી જીરણ જર્જર કામળી;
કૈં ભૂષણો ?
નહીં કંઠ મણકા વીશ પૂરા
(વાનથી પણ શામળી) –
ને તોય રસીલી મંડળી
મુગ્ધા-પ્રવેશે
ઊઠબેસે
શી બની ગઈ આકળી.

– અનામી (અપભ્રંશ)
અનુ. હરિવલ્લભ ભાયાણી

સ્ત્રીસૈંદર્ય કોઈ પણ ભાષા અને કોઈ પણ સંસ્કૃતિમાં હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે. અપભ્રંશ ભાષાના કોઈ એક અનામી કવિની શૃંગારરસની કવિતાનો આ અનુવાદ કેટલા ઓછા શબ્દોમાં આ વાત કેવી ઉજાળી આપે છે ! કવિતાની પહેલી પંક્તિમાં માત્ર ચાર શબ્દો અને પાંચ જ અક્ષરોમાં કવિ એક આખું શબ્દચિત્ર ખડું કરી આપે છે. આ શબ્દની શક્તિ છે…

અને આવનારી સ્ત્રી પણ કેવી? વસ્ત્રોના નામે માથે એક જીર્ણ ફાટેલી કામળી અને ગળામાં પૂરા વીસ મણકાંય ન હોય એવી માળા… વાનેય શામળો પણ તોય એની ઊઠબેસ મંડળી પર કેવી અસર છોડી જાય છે!

5 Comments »

 1. vishwadeep said,

  March 27, 2010 @ 7:14 am

  મુગ્ધા-પ્રવેશે
  ઊઠબેસે
  શી બની ગઈ આકળી.
  સુંદર રચના..સુંદર અનુવાદ.

 2. Panna Naik said,

  March 27, 2010 @ 10:06 am

  નાનું સુંદર કાવ્ય. કામળી, શામળી, મંડળી, આકળી – અંત્યાનુપ્રાસો અનુવાદકની કાવ્યસૂઝ દર્શાવે છે. વિવેકભાઈ, સરસ પસંદગી.

  પન્ના નાયક

 3. pragnaju said,

  March 27, 2010 @ 4:19 pm

  સત્યનો રણકો સૌને દેખાય છે. તત્કાલીન સમાજમાં જે રૃઢિવાદ તેમજ જુદા જુદા વાડા હતા તેનો તેમણે વિરોધ કર્યો હતો. પ્રભુભક્તિ અને સમાજ કલ્યાણ એ બંને બાબતો તેમના જીવનનું મુખ્ય
  લક્ષ્ય હતું.પ્રેમપૂર્વક લેવાયેલું એક જ વારનું રામનામ ,તે રામ આજ
  શિર પરે રહી જીરણ જર્જર કામળી;
  કૈં ભૂષણો ?
  નહીં કંઠ મણકા વીશ પૂરા
  (વાનથી પણ શામળી)

 4. ધવલ said,

  March 27, 2010 @ 11:22 pm

  એક લયબદ્ધ લસરકા જેમ સરતું કાવ્ય !

 5. Pancham Shukla said,

  March 31, 2010 @ 11:45 am

  ટચૂકડું પણ ‘વાહ’ નીકળી જાય એવું કાવ્ય. મને ભાયાણી સાહેબે કરેલા સંસ્કૃત/પ્રાકૃત સુભાષિતોના અનુવાદ આમેય પ્રિય છે. વર્ષો પહેલાનાં નવનીત સમર્પણમાં આનો અદભૂત ખજાનો પડેલો છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment