સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.
વિવેક મનહર ટેલર

હસ્તક્ષેપ – ચંદ્રકાંત ટોપીવાળા

જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?

દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.

બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.

આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.

તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.

વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?

ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.

પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.

મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.

જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.

-ચંદ્રકાંત ટોપીવાળા
(‘પરબ’ ફેબ્રુઆરી 2010માંથી)

આપણા બહુશ્રુત ભક્તિપદોની હાઈકુના સ્વરૂપે હળવી ઠેકડી કરવાનો આ પ્રયોગ મને તો બહુ જ ગમી ગયો. કવિતામાં બધુ ગંભીર જ હોવું જોઈએ એવો તો કોઈ નિયમ  નથી, છતાંય કેટલાય કવિઓ કારણ વગર ગંભીર રહેવાની કોશિશ કર્યા કરે છે. કવિએ આ પ્રયોગથી એ બધા ‘ચહેરા-ભારે’ (માથા-ભારે જેવું ચહેરા-ભારે)  કવિઓને ‘ટોપી’ પહેરાવવાની કોશિશ કરી છે એવું લાગે છે 🙂

27 Comments »

 1. Dr. J. K. Nanavati said,

  February 22, 2010 @ 10:26 pm

  બહુ ઉડાડી,
  ટોપીવાળા સાહેબ,
  બધાની ટોપી
  ….!!!!

  ડો. જગદીપ,
  નાણાવગરનો હું
  નાણાવટી છું…!!!!

 2. કલ્પેશ સોની said,

  February 23, 2010 @ 1:43 am

  મહાન કવિઓની મહાઆનંદની અનુભૂતિ કાવ્ય દ્વારા રજૂ થઈ છે જેની સામે ટોપીવાળા જેવા સમર્થ વિવેચક-કવિ આટલી છીછરી હરકત કરે એ માફ ના કરી શકાય.

 3. વિવેક said,

  February 23, 2010 @ 2:42 am

  આ પ્રકારની કવિતાઓને બધા વાચકો એકસમાન ભાવે ન જ જોઈ શકે અને એમાં કોઈ જ શંકા નથી… મારા અંગત અભિપ્રાય મુજબ કવિએ કોઈ સમર્થ સર્જકની ઠેકડી ઊડાડી હોઈ એવું લાગતું નથી… પેરેડી એ પણ કવિતાનો જ એક પ્રકાર છે અને એને સ્વસ્થતાપૂર્વક સ્વીકારવી જોઈએ…

 4. tirthesh said,

  February 23, 2010 @ 3:24 am

  ગુજરાતીમાં હાસ્ય કવિતા લગભગ લગભગ વણખેડાયેલો વિષય છે. જે લખાયું છે તે હિન્દી હાસ્ય કવિતા જેટલું ઉત્કૃષ્ટ નથી. હાસ્ય અને વ્યંગ માટે આ ઓરમાયું વર્તન દૂર થાય તો મઝા આવે……

 5. kanchankumari parmar said,

  February 23, 2010 @ 5:00 am

  હવે તો આવા નિ જ બધે બોલબાલા …સાચા નિ કિંમત જ ક્યા છે મારા ભાઇ…..

 6. નિનાદ અધ્યારુ said,

  February 23, 2010 @ 5:40 am

  કવિ ખરેખર શું કહેવા માગે છે ?

 7. purvi shukla said,

  February 23, 2010 @ 6:12 am

  very funny, and interesting also.

 8. Pinki said,

  February 23, 2010 @ 8:28 am

  જો દેવળ જૂનું થયું એમાં તારું કશું ના ગયું તો –

  રાડો પાડ્યા વિના, દિલમાં દીવો કર તો અજવાળું ફેલાય અને કશુંક જાય તો પમાય !

  બ્રહ્મ લટકાં કરે ( આપણા માંહ્યલામાં રહેલો ઈશ્વર જ આ બધાં ખેલ કરે તેની ચાડી ના કર ! )

  આ તન રંગ પતંગ ( સમયના વ્હેણ જેમ ઊડાવે તેમ ઊડી રાજી રહે ! )

  તરણાં ઓથે ડુંગર કો ન દેખે – ઈશ્વર વદતિ : સાલ્લા આંધળાં !

  વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું – ઈશ્વર વદતિ : મેં ક્યાં બોલાવ્યો ?

  ઊભા રહો તો કહું એક વાત કહું – ઈશ્વર નવરો નથી !

  પ્રેમની પીડા તે કોને કહીએ ? – કોઈને નહીં.

  મને લાગી રે કટારી પ્રેમની; હા પણ કાટ ખાધેલી !! કાટ વિનાની હોય તો, ઈશ્વર કંઈક વિચારત !

  જાગીને જોઉં તો જગત દીસે નહિ – પાછો સૂઈ જા.

  મને તો હવે સૂવાની ઈચ્છા નથી ! 🙂

 9. preetam lakhlani said,

  February 23, 2010 @ 9:29 am

  હાસ્યના નામે આ એક મોટો બકવાસ છે, આ જ વાત એકાદ અઠવાડિયા પહેલા મને રાજકોટના અને ગુજરાતી સાહિત્ય જગતના નામિ, પ્રખર કવિ/વિવેચક મુરબ્બી ભાનુપ્રસાદ ત્રિવે દીએ ફોન પર કરી ત્યારે મે તેમને આ જ વાત કરેલ અને તેમને મને કહેલ તમારી વાત બિલકુલ સાચી છે, ખાસ કરીને હિન્દી કવિતામા આવો બકવાસ બહુ જ વિસેસ વર્તમાનમા જોવા મલે છે..દા..ત્…શુભાસ કાબરા, નરેન્દ શમા,કુસુમ જોશી, વિગરે…અને લોકોને ગમે છે..ચાલ્યા કરે, કદાચ આ જ વાત જો બિજા કોઈ કવિએ કરી હોત તો…..ચન્દકાન્ત ટોપિવાલા તેમજ કવિ/વિવેચક શેઠ કહેત કે આ બકવાસ આપણે કયા સુધી વાચ્યા કરીશુ………

 10. sudhir patel said,

  February 23, 2010 @ 8:35 pm

  આ હાઈકુ ‘પરબ’માં વાંચ્યા ત્યારે જ બહુ છીછરાં લાગેલા અને જો કવિ તરીકે ચંદ્રકાંત ટોપીવાળાનું નામ ન હોત તો ‘પરબ’માં પ્રગટ થાત કે કેમ એ પણ પ્રશ્ન છે. વળી, આમાં કોઈ એવું હાસ્ય પણ ઉત્પન્ન થતું નથી. ભારતમાં પણ આના પડઘા પડ્યા છે. ખેર, આ મારો અંગત અભિપ્રાય છે એટલે કોઈએ બંધબેસતી ટોપી ઓઢી ન લેવા વિનંતી.
  સમય મોટો વિવેચક છે અને એ ગાળી-ચાળીને યોગ્ય કાવ્ય-પદાર્થને જ ટકાવી રાખે છે.
  સુધીર પટેલ.

 11. Pancham Shukla said,

  February 23, 2010 @ 9:22 pm

  જરા સાચવીને જોઈએ તો આ હાસ્યકાવ્યો નથી. હાસ્યની પાછળ વ્યંગ છે અને વ્યંગની પાછળ અચેત મનનું ફ્રસ્ટ્રેશન છે. આધ્યાત્મિક અને ચિંતનપ્રદ કાવ્યો આપણા કવિઓ અને શ્રોતાઓને વધુ રૂચે છે એની સામેનો આ વિશિષ્ટ બળાપો છે.

  ચોક્કસ પરિપ્રેક્ષમાં જોઈએ તો એકંદરે આ રસપ્રદ હાઈકુ ગુચ્છ છે. આમાં કવિની પર્સનાલિટી, આસપાસના સાહિત્યિક સંક્ષોભોથી ડહોળાયેલું મન – બધું સરસ ઉપસી આવ્યું છે.

 12. akur vyas said,

  February 23, 2010 @ 9:32 pm

  બ્રહ્મ લટકાં
  કરે બ્રહ્મ પાસે;
  એ તો કરતા કરશે પણ આપણેતો લટકી ગયા ભાઈ!!!!!ખોટિીકવિતામાં.
  વાંચનારને
  કવિતા કરે
  ટોપીવાળા, તું
  પાછો સૂઈ જા.

 13. Girish Parikh said,

  February 23, 2010 @ 10:02 pm

  આ પ્રયોગખોરી મને ન ગમી. ટોપીવાળાએ મૌલિક હાસ્યકાવ્યો આપ્યાં છે ખરાં?

 14. ધવલ said,

  February 23, 2010 @ 11:01 pm

  આ હાઈકુઓ કોઈને ગમ્યા તો કોઈને ન ગમ્યા. પણ બધાએ વાંચ્યા અને બધાએ પોતાનો અભિપ્રાય આપ્યો એટલે આ કવિતા અહીં મૂકવાનો ઉદ્યમ પૂરો સફળ થઈ ગયો !

  મારી સમજ આવી છે : આ હાઈકુ દ્વારા કવિ ‘ભક્તિવેડા’ની તરફ વ્યંગ કરે છે. ભક્તિ અને ભક્તિવેડા બે અલગ બાબત છે. મનમાં ઈશ્વરને ભજવો એક વાત છે અને ચોતરફ રાડો પાડીને ભક્તિની જાહેરાત કરવી તદ્દન અલગ બાબત છે. આ પ્રકારના કર્કશ અને કૃત્રિમ ‘ભક્તિવેડા’એ કવિતામાં પણ પગપેસારો કરેલો છે. એ તરફ કવિની આંગળી છે.

  બીજી વાત ધ્યાનમાં આવી કે ‘ભક્તિ’ આપણા માટે હજુ પણ taboo વિષય છે. એના પર વ્યંગ સહન કરવા કદાચ આપણે હજુ પણ તૈયાર નથી. અતિશયોક્તિ તો વ્યંગનું અભિન્ન અંગ છે. અને આપણે તો કદાચ જરા જેટલું ટીખળ સહન કરવા પણ તૈયાર નથી.

  મને પીંકીબહેને કરેલા પ્રતિવ્યંગ ગમ્યા. અને જે લોકોએ પોતાને આ હાઈકુ નથી ગમ્યા એવું લખ્યું એ બધા પણ પોતાની રીતે બરાબર છે. આપણે બધાને ‘હાથી’ને પોતપોતાની રીતે વર્ણવવાનો અધીકાર છે 🙂

  જે કવિતા તમને એક અનુભવમાંથી પસાર થવા માટે ફરજ પાડે, અને પછી વિચાર કરતા કરી મૂકે એ કવિતાને બીજું કશું પણ કહી શકાય, પણ વ્યર્થ તો ન જ કહી શકાય.

 15. Pinki said,

  February 23, 2010 @ 11:56 pm

  ‘ભક્તિ’ આપણા માટે હજુ પણ taboo વિષય છે. એના પર વ્યંગ સહન કરવા કદાચ આપણે હજુ પણ તૈયાર નથી…. આપણે તો કદાચ જરા જેટલું ટીખળ સહન કરવા પણ તૈયાર નથી.

  I think, the whole thing is here, only. Moreover, it is written by a well-known and established poet. People expect more best things from him and if readers don’t like it .. it’s a pride for poet, too. 🙂

 16. કલ્પેશ સોની said,

  February 24, 2010 @ 12:36 am

  મનસ્વી અમારું વર્તન ને છીએ અમે સ્વૈરાચારી,
  અમ કલમે રચાતા કાવ્યો નગ્ન અને અતિ વલ્ગરી.
  અભિવ્યક્તિ મનમાની કરીએ છતાં કહેવાઈએ સંસ્કારી,
  ન ચિંતા લગીરે સમાજની ભલે ને રહ્યા સમાજપ્રહરી.
  પૃથ્વી પરના અસુરો એવા છીએ અમે સહુ નરબંકા,
  શ્રદ્ધા ઉપર માનવની અમે કરીએ શ્વાન સમ લઘુશંકા

  શાને આ પાપ આચરવાનું?
  દૂધ પાઈને સાપ ઉછેરવાનું !
  હાથમાં કલમ ને ખંધુ હસતાં,
  નિર્લજ્જ થઈ કવિતા કરતા.
  શક્તિનો મિસયુઝ કરતાં,
  સજ્જનો શાને મૂંગા રહેતા?
  ઉઠાવ ગાંડીવ ને કર સંહાર, શાને ડરવાનો?
  અવસર આવ્યો છે શત્રુને, કળા કરીને હણવાનો.
  .

 17. વિવેક said,

  February 25, 2010 @ 12:51 am

  સ્થૂળ અને સૂક્ષ્મ હાસ્ય તથા વ્યંગ-કટાક્ષ વચ્ચેનો ભેદ સમજવાનું કામ થોડું કઠિન છે…

 18. Dr. J. K. Nanavati said,

  February 25, 2010 @ 3:57 am

  …ટુંકમાં કહું
  તો હું જે જે લખુ છું
  …તેને તેમે સૌ

  …હાઈકુ માનો
  તો પછી એ તમારા
  …ભોગ ગણવા

  …ને હવે સૌ આ
  ચર્ચા બંધ કરીએ
  …એજ ઇચ્છું છું

 19. P Shah said,

  February 25, 2010 @ 5:07 am

  કોઈ વિષય ના મળે ત્યારે આ રીતે કવિતા કરી કવિતાનું
  અપમાન કરવું કેટલું યોગ્ય છે ? અને એમાં કેટલાક વાચક
  કવિઓ પણ રસ લે ? આ રીતે તો ગુજરાતી ભાષાના ગૌરવનું જ
  ખંડન થશે.

 20. અનામી said,

  February 25, 2010 @ 11:59 am

  personally speaking………..jo bhi tha accha tha……..કંઈ વખોડવા લાયક નથી………

 21. Urmi said,

  February 26, 2010 @ 11:59 pm

  કોમેન્ટ વાંચ્યા પહેલા જ હાઈકુ માણ્યા અને ગમ્યા… હળવી શૈલીનાં હાઈકુઓ સાચે જ હસાવી ગયા (એટલે કદાચ કવિકર્મ સફળ થયું !)… અને આપણે ત્યાં પ્રતિકાવ્યો લખવાની પ્રથા ક્યાં નથી?! નિર્મિશભાઈ ઠાકર યાદ આવી ગયા…

 22. Urmi said,

  February 27, 2010 @ 12:00 am

  પંચમભાઈની વાત ગમી… it makes more sense.

 23. vajesinh said,

  February 27, 2010 @ 4:23 am

  અર્થપૂર્ણ ને કાવ્યમય હાઈકુગુચ્છ. હસ્તક્ષેપની નૈતિકતાનો પશ્ન ઓગાળી નાખીએ તો કવિએ કવિતાની દૃષ્ટિએ સાચો હસ્તક્ષેપ કર્યો છે. એક અર્થઘટન એવું પણ થઈ શકે કે આપણે બધા આ કવિતાઓ ગરબાની જેમ ગાઈ નાખીએ છીએ, પણ એના મરમને પામતા નથી, એ ત્રીજા પદમાં કટાક્ષ દ્વારા કહેવાનું કવિને અભિપ્રેત હોઈ શકે! દા.ત., દેવળ જૂનું થયું… એમાં તારું શું ગયું -કેટલી મોટી વાત છે! દેવળ એટલે આપણું શરીર પણ આપણું ક્યાં છે? શરીર જૂનું થાય, પડે ત્યારે ખરેખર આપણું શું હતું -તે ખોવાનો- નાહક અફસોસ કરવો જોઈએ..જાગીને જોઉં તો… પાછો સૂઈ જા. જાગીને કશું જોવાનું જ ન હોય તો પછી જાગવાનું શું કામ? આધુનિક જીવનની વિભીષિકા સુપેરે વ્યક્ત કરે છે. દરેક હાઈકુમાં આવી અર્થગર્ભ વ્યંજનાઓ છુપાયેલી જ છે. કવિને નવા પ્રયોગ બદલ ને લયસ્તરોને આવી ઊફરી રચના મૂકવા બદલ અભિનંદન

 24. વિવેક said,

  February 27, 2010 @ 8:28 am

  પંચમભાઈ, ધવલ અને વજેસિંહની વાતમાં વજૂદ છે…

  કવિતાની અંદર આપણે ‘ખરેખર’ કેટલું ઉતરી શકીએ છીએ?

 25. pragnaju said,

  March 3, 2010 @ 1:08 am

  મને લાગી રે
  કટારી પ્રેમની; હા
  કાટ ખાધેલી.

  જાગીને જોઉં
  જગત દીસે નહિ;
  પાછો સૂઈ જા.
  જે લખતા લાગે કે આવી હકીકત છે પણ કેમ લખાય?
  તે બિંદાસ કહી દીધું
  ગમ્યું

 26. Pancham Shukla said,

  March 12, 2010 @ 11:36 am

  જાગીને જોઉં તો… (ત્રણ લઘુકાવ્યો)

  http://dhaivat.wordpress.com/2007/07/21/jaagine-joun-to/

 27. A P PATEL said,

  March 7, 2013 @ 1:14 pm

  Chandrakantbhai,
  The contents of your poem(Topi) fits to all the readers without any exception.I am much impressed by the way you have incorporated selected elements of earlier writings. Thanks for the joy you gave to me.Commentators also contributed something by their comments.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment