દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !
શ્યામ સાધુ

કૃષ્ણ – રાધા

આ નભ ઝૂક્યું તે કાનજી
          ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
          ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
          ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
          ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
          પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
          ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
          ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
          ને નજરું જુએ તે રાધા રે !

-પ્રિયકાંત મણિયાર

5 Comments »

 1. Rajendra Trivedi,M.D. said,

  September 16, 2006 @ 9:18 pm

  IF, I RECALL THE POEM’S TWO LINES ARE EXCHANGED.
  IN THE SECOND STANZA SECOND LINE NEEDS TO FOLLOW IN THE 3RD STANZA SECOND LINE AND 3RD STANZA SECOND LINE NEEDS TO BE INTHE SECOND STANZA’S SECOND LINE.
  HOPE, ONE DAY I WILL SUBMIT IN GUJARATI.

 2. Jayshree said,

  September 17, 2006 @ 3:02 am

  આજે જ વહેલી સવારે આ ગીત 3-4 વાર એકધારું સાંભળ્યું. શ્યામલભાઇએ શરુઆતમાં જે પ્રસ્તાવના આપી છે, એમાં એક ખૂબ જ સરસ વાત કરી છે : સંવેદનાના શિલાલેખ ના હોય.

  રાધા-કૃષ્ણના અલૌકિક પ્રેમની અભિવ્યક્તિ વાળું આ ગીત મારા હૃદયની ખૂબ જ નજીક છે.

 3. વિવેક said,

  September 17, 2006 @ 3:08 am

  માફ કરજો, રાજેન્દ્રભાઈ… પણ બધી લીટીઓ જ્યાં છે ત્યાં જ સાચી છે. પોયણી સરોવરના જળમાં જ હોઈ શકે અને બાગ ખીલ્યો હોય ત્યાં પવનની લ્હેરી જ હોઈ શકે સુગંધને ફેલાવવા અને રેલાવવા માટે…. પ્રિયકાંત મણિયારની રચનામાં આ જેમ લખાયું છે એમ જ યથાવત છે. એક બીજી લિન્ક પર આપ મારી વાતનું અનુમોદન પણ મેળવી શક્શો:

  http://jhbhakta.blogspot.com/2006/08/blog-post_16.html
  -આપની ચીવટાઈ અને ઝીણવટભરી નજર બદલ ખૂબ ખૂબ આભાર… આપનો આવો પ્રેમ અને ઝવેરી જેવી તીક્ષ્ણ બાજ-નજર જ અમને સતત સતર્ક રાખે છે…
  ફરી એકવાર આભાર…

 4. સુરેશ જાની said,

  September 17, 2006 @ 8:32 am

  રાધા અને કૃષ્ણ …
  પ્રતીકોથી સભર હિંદુ માન્યતાના બે વિલક્ષણ પ્રતીકો.
  હમણાં શ્રી કૃ‍ષ્ણના જીવ્ન પરનો સ્વામી સચ્ચિદાનન્દનો લેખ વાંચતો હતો, જેમાં તેમણે કૃષ્ણલીલાનું આધ્યાત્મિક અર્થ ઘટન આપ્યું છે. એ વિચારોના આધારે –
  રાધા એટલે આપણું ચિત્ત – મન – ચેતના …
  કૃષ્ણ એટલે પરમ તત્વ – સર્વ જડ અને ચેતનના મૂળમાં રહેલું ચાલક બળ…
  જ્યારે આપણી ચેતના પરમ તત્વ સાથે આ તાદાત્મ્ય અનુભવે, ત્યારે આપણે આ અમર જોડીના રૂપકને બરાબર સમજ્યા કહેવાઇએ.
  નહીં તો એ ઠાલી શ્રધ્ધા.

 5. સુરેશ જાની said,

  September 17, 2006 @ 8:35 am

  બીજી અને દસમી લીટીના પ્રારંભમાં ‘ને’ રહી ગયો લાગે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment