લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

યાદ- હરીન્દ્ર દવે

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહીતી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયોતો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

તમે એમને પત્રકાર, નિબંધકાર, નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક, અનુવાદક યા સંપાદક તરીકે ભલે ઓળખો, હરીન્દ્ર દવેની સાચી ઓળખ તો કવિ તરીકેની જ. કવિ તરીકે મુખ્યત્વે એ ગીતકાર. રાધા-કૃષ્ણના ભક્તિગીતો એ હરીન્દ્ર દવેની આગવી લાક્ષણિક્તા. સ્વભાવ જેટલો મૃદુ, ગીતો ય એટલાં મસૃણ. પરંપરા અને આધુનિક્તાનું સાયુજ્ય સાધીને નમણી ઊર્મિઓ લયની નજાકત લઈને એમના ગીતમાંથી પથ્થરમાંથી ફૂટતા ઝરણાની સહજતાથી વહી નીકળે છે. અને ગીત જેટલી જ મધુરી છે એમની ગઝલો. ‘યાદ’ કાફિયા પરથી રચાયેલી યાદગાર ગઝલોમાંની એક અહીં માણીએ. (જન્મ 19-09-1930ના રોજ કચ્છમાં અને મૃત્યુ 29-03-1995ના રોજ મુંબઈમાં. એમ.એ. સુધીનો અભ્યાસ. કાવ્ય સંગ્રહો: આસવ, મૌન, અર્પણ, સમય, સૂર્યોપનિષદ, મનન, હયાતી અને મારગે મળ્યાતા શ્યામ. ચાલ, વરસાદની મોસમ છે…. એ એમની સમગ્ર કવિતા.)

3 Comments »

 1. ઊર્મિ સાગર said,

  July 15, 2006 @ 9:55 am

  શ્રી હરિન્દ્ર દવેની ઘણી જ સુંદર “યાદ”…

  ઘણો જ આભાર વિવેકભાઇ આ ગઝલ લયસ્તરો પર પોસ્ટ કરવા બદલ!!
  આ ગઝલના થોડા શેરો ઘણીવાર માણ્યા હતા પણ આખી ગઝલ પ્રથમવાર જ વાંચવા મળી..
  “વફા”સાહેબે મને મોકલેલ જિગર મુરાદાબાદીની “યાદ” ગઝલ હું તમને ટૂંક સમયમાં જ મોકલીશ. લયસ્તરોનાં વાંચકોની સંખ્યા વધુ હોય એને પણ અહિં પોસ્ટ કરવા વિનંતી છે.

  સસ્નેહ…

  “ઊર્મિ સાગર”
  https://urmi.wordpress.com

 2. Jayshree said,

  July 15, 2006 @ 1:26 pm

  ‘કોઇની યાદ’ની યાદ અપાવે એવી સુંદર ગઝલ.
  આભાર.

 3. “યાદ” રદીફની ગઝલો « ઊર્મિનો સાગર said,

  October 26, 2006 @ 2:52 pm

  […] હરીન્દ્ર દવે: (7 શેરોની આ આખી ગઝલ પણ લયસ્તરો પર ઉપલબ્ધ છે.) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment