જળ તણાતું જાય છે તે જોઉં છું
તું જુએ છે કે નદી વહી જાય છે !
ભરત વિંઝુડા

હવે કેટલો વખત – મકરન્દ દવે

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.

પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.

ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.

રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત

છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત

પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત

અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.

પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત

– મકરન્દ દવે

સાંઈકવિની વિચારસૃષ્ટિના ઊંડાણનો પરિચય આ ગઝલમાં થાય છે. છેલ્લા પાંચે શેર એકમેકથી ચડે તેવા થયા છે. હવે એક આખો દિવસ આ બધા શેરને મમળાવવામાં જશે.

6 Comments »

 1. વિવેક said,

  January 13, 2010 @ 12:18 am

  સુંદર મજાની ગઝલ.. બધા શેર ધવલે કહ્યું તેમ મમળાવ્યા કરવા ગમે એવા…

 2. Pancham Shukla said,

  January 13, 2010 @ 8:59 am

  મને ગમતી ગઝલ. દરેક શેર સાચવી, સમજીને વાંચવાના- પછી મમળાવવાના.

 3. Chandresh Patel said,

  January 13, 2010 @ 2:14 pm

  અતિ સુંદર!

 4. sudhir patel said,

  January 13, 2010 @ 6:25 pm

  વિચાર પ્રેરક ગહન ગઝલ!
  સુધીર પટેલ.

 5. pragnaju said,

  January 16, 2010 @ 12:42 pm

  અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
  રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.

  પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
  શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત
  અતિગહન વાત સરળ પંક્તીઓ દ્વારા!

 6. કેટલો વખત – મકરન્દ દવે | વિજયનું ચિંતન જગત- said,

  September 23, 2015 @ 12:10 pm

  […] http://layastaro.com/?p=3842 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment