જીવ તો ચાલ્યો ગયો છે ક્યારનો,
શ્વાસની છે આવ-જા કારણ વગર.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(તૈયાર છું) – રવીન્દ્રનાથ ટાગોર, અનુ.: શૈલેશ પારેખ

મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારીપાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.

– રવીન્દ્રનાથ ટાગોર
અનુ.: શૈલેશ પારેખ

ગઈકાલે ગાગરમાં સાગર સાઇટ પર રાજેન્દ્ર શાહના અંતિમ શબ્દો વાંચ્યા: “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”

– આ વાંચીને ટાગોરની આ કવિતા યાદ આવી ગઈ. મૃત્યુ અફર છે એ જાણવા છતાં અને પ્રત્યેક શ્વાસ મૃત્યુ તરફની અનવરત ગતિ હોવાનું પૂર્ન જ્ઞાન હોવા છતાં દરેક મનુષ્ય પોતે કદી મરવાનો જ નથી એ જ રીતે જીવતો હોય છે અને મૃત્યુની એંધાણી મળે ત્યારે બહુધા સ્વસ્થ રહી શક્તો નથી. ઋષિકવિ જ મૃત્યુને આવકારી શકે. મરતી વખતે વિદાય લેવાની કવિની આ રીત ખરેખર તો જિંદગીનું ગૌરવગાન છે. ‘હવે પરોઢ થયું છે’ પંક્તિમાં આ કાવ્ય ખરો ઉજાસ પામે છે…

7 Comments »

  1. સુનીલ શાહ said,

    January 7, 2010 @ 7:57 AM

    વાહ..મૃત્યુને આવકારવાની આ રીત ગમી..

  2. Girish Parikh said,

    January 7, 2010 @ 10:08 AM

    વિવેકાનંદ વેદાંત સોસાયટી, શિકાગો, ના સ્વામી ભષ્યાનંદજી મૃત્યુને Final Music (અંતિમ સંગીત) કહેતા. એ અંતિમ સંગીત સુમધુર બનાવવાની તૈયારી કેવી રીતે કરવી એનાં સૂચન ટાગોરના કાવ્યમાંથી મળે છે.

  3. ધવલ said,

    January 7, 2010 @ 8:36 PM

    આ મુસાફરીને ટાળવાની કોશિશોમાં જ મોટા ભાગનો જ સમય જાય છે… આ મુસાફરી માટે તૈયારી કરવાનો તો સમય રહેતો જ નથી.

  4. pragnaju said,

    January 7, 2010 @ 11:25 PM

    મૃત્યુને મંગળમય માની આવકારવાની અદભૂત રચના

  5. ઊર્મિ said,

    January 8, 2010 @ 12:10 AM

    મજાની રચના… મુસાફરી શરૂ કરવાનાં પ્રયત્નોને અંતે જ કદાચ સમજાય છે કે ‘હવે તો પરોઢ થઈ ગયું’ !

  6. Pancham Shukla said,

    January 10, 2010 @ 8:03 AM

    મૃત્યુને નવપરોઢ ગણી આવકારતી રચનાની વિધાયકતા ગમી.

  7. Anil Shah.Pune said,

    September 21, 2020 @ 12:30 AM

    મધ્ય રાત્રિએ જોઉં છું હું એકાંત માં
    આ ચંદ્ર નો પ્રકાશ..
    મારા વિચારો ને પણ પ્રોત્સાહિત કરી
    કરવો છે મારે ખલાસ….
    સવાર ની રાહ જોઈ રહ્યો છું.
    અને છેલ્લી વાર જોઈ રહ્યો છું
    પ્રભુ એ તો ખુલાસો કર્યો છે ક્યારનો,
    ગમે ત્યારે મને બોલાવવા નો,
    મિત્રો, આવજો કહું છું છેલ્લી વખત,
    ફક્ત આવવાનો નથી ફરી વખત,
    આયુષ્ય માં અગણિત મુલાકાત થઈ,
    થોડી ઘણી ખબર છે, વાતો પણ રહી,
    દોસ્તો આપવા કરતાં ઘણું મેળવ્યું છે,
    તમે મનથી ભારોભાર જાળવ્યું છે,
    બસ મિત્રો હવે રજા લઉં છું,
    ફરી ન મળવાની તમને સજા દઉં છું…્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment