સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.
રાજુલ ભાનુશાલી

ગઝલમાં દર્દ અને દવા – ૨

આજે પહેલી જુલાઈ એટલે ડોક્ટર્સ ડે. એક તબીબ હોવાના નાતે આજે મારે લયસ્તરોના વાંચકોને શેનું પ્રિસ્કીપ્શન આપવું? ગઝલમાં દર્દ અને દવાનો બીજો ડોઝ આપી દઉં, ચાલશે? અગાઉ લયસ્તરો પર આપ પહેલો ભાગ વાંચી ચૂક્યા છો.

જેનું નામ જ મરીઝ છે એમનાથી શરૂઆત કરીએ તો? મરીઝને વાંચતા એટલો અહેસાસ જરૂર થાય છે કે આ માણસ નીલકંઠથી પણ આગળ છે. શંકરે તો માત્ર ગળા સુધી ઉતાર્યું હતું ઝેરને, મરીઝે તો આખા જીવનને!

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

હો પ્રેમમાં જ ફક્ત દર્દ એ રિવાજ નથી,
મળે ન તક તો હવસનો ય કંઈ ઈલાજ નથી.

દિલના અનેક દર્દ અજાણે મટી ગયાં,
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી !

પ્રણયના દર્દનું બસ નામ છે નહિ તો ‘મરીઝ’,
અનેક દર્દ છે, જેની દવા નથી મળતી.

છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ.

કદાચિત હતાં દર્દ કારણ વગર,
કે મટતાં રહ્યા એ નિવારણ વગર.

ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય ના
સોચો તો લાખ સૂઝે-કરો તો ઉપાય ના

હજાર દર્દની એક જ દવા છે અવગણના,
જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.

સુરતના કવિઓને પૂછીએ? ડૉ. રઈશ મનીઆર કયો ઈલાજ લઈને આવ્યાં છે?:

એય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

અને સુરતના જ ડૉ. મુકુલ ચોક્સી પ્રેમીઓની અંદર જ વસતા દવાખાનાઓને કેવી સહજતાથી પારખી શક્યાં છે?:

ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે !

સુરતના શ્રી ગનીચાચા પાસે જે ઈલાજ છે કદાચ એ લાજવાબ છે:

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં

દર્દની વાત હોય અને ઘાયલ માણસો ગેરહાજર રહે એ કેમ ચાલે? ‘ઘાયલ’ના ‘અમૃત’ને નાણી જોઈએ:

ખુદ દર્દ આજ ઊઠી દિલની દવા કરે છે,
જે કામ વૈદનું છે તે વેદના કરે છે.

એક જગાએ દર્દ હો તો થાય કંઈ એની દવા !
હોય જો રગરગ મહીં અંગાર, કોઈ શું કરે !

ભયંકરમાં ભયંકર રોગ લાગે પ્રેમ છો સૌને,
મને અક્સીરમાં અક્સીર એ ઉપચાર લાગે છે.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

જલન માતરી સોમરસથી જલન બુઝાવવાની વાત કરે છે:

હું ચિંતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ,
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે.

જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો ,
તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.

કલાપી જખ્મો પર ચુંબનોનો બેમિસાલ મલમ લઈને આવ્યાં છે:

જહીં ઝખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઈશ્કનાં દર્દો બધાં એ વહોરનારાઓ.

તો નસીમને ઈલાજ તો દૂર, નિદાનની ય પરવાહ નથી:

થઈ રહ્યું છે હૃદયવ્રણ ફરીને મુજ તાજું;
નથી હું પૂછતો એનું નિદાન છે કે નહીં ?

બાગે-વફાના સંચાલક મોહમ્મદઅલી ભૈડુ”વફા” પણ એક વાત લઈને આવ્યાં છે:

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

‘શૂન્ય’ પાલનપુરીએ એટલી માંદગી વેઠી હતી કે એમની ગઝલોમાં તો તબીબ, દર્દ અને દવાનો જાણે સાક્ષાત્કાર થતો અનુભવાય છે:

મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

પ્રેમ-દર્દીનો ઉપચાર મૂકો, સૌ ઈલાજોની એને ખબર છે;
રોગ થઈ જાય જેનો પુરાણો, શું ભલા એ તબીબોથી કમ છે?

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ
મુજને પડી દરદની તને સારવારની.

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો,
પીડા જ રામબાણ હતી કોણ માનશે ?

કોઈ જઈને સમજાવો ઉપચારકોને, ચિકિત્સા નકામી છે ખોટા નિદાને;
મરણ થાય ના ક્યાંક રોગીનું એમાં, દરદ પણ અજાણ્યું દવા પણ અજાણી.

બરકત વિરાણી ‘બેફામ’ પણ દર્દને જીવન માનીને બેઠા છે:

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.

તબીબો કદી માંદા નથી પડતાં એવી મથરાવટી ધરાવતાં લોકોને મારે શું કહેવું?:

તબીબ છું હું તો પોતે, શું દર્દ હોય મને?
શું કહેવું લોકને મારે? ગઝલ લખું છું હું.

11 Comments »

 1. ઉર્મિ સાગર said,

  July 1, 2006 @ 1:53 pm

  “દર્દ આપીને કહે છે એ મને, કે એ દવા છે,
  રહીશ હું પણ એજ ભ્રમમાં, એજ પ્રીતની સજા છે.”

  વિવેકભાઇ, તમારો દર્દ અને દવાનો ડોઝ એકદમ અકસીર તો છે અને એડીક્ટેડ પણ છે…
  …વારંવાર પાછો આપવો જ પડશે!!

  ઉર્મિ સાગર
  https://urmi.wordpress.com

 2. Suresh Jani said,

  July 1, 2006 @ 5:37 pm

  Good collection . Give your Dava also !

 3. Dave hs said,

  July 1, 2006 @ 10:22 pm

  તમે તો કમાલ જ કરી દીધી, પ્રિય ડોક્ટર મિત્રો! ખૂબ સુંદર વેબ-સાઈટ!

  અભિનંદન! તમે સુંદર આયોજનપૂર્વક, જહેમત ઉઠાવીને, દિલ રેડીને “લયસ્તરો”ને પુનર્જન્મ આપ્યો છે! User-friendly and versatile, by all means! ધરાઈ ધરાઈને સાઈટને માણી!

  ધવલભાઈ-વિવેકભાઈ! તમારી ખુશીમાં માત્ર હું જ નહીં, સમગ્ર ગુજરાતી બ્લોગ-જગત સાથે છે. ગુજરાતી બ્લોગ-જગત ગર્વ લઈ શકે તેવી સાઈટ “લયસ્તરો”ના નવા અવતારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! … હરીશ દવે

 4. Mayur said,

  July 2, 2006 @ 11:27 pm

  Excellent!!!!!!!! khub j saras collection chhe 🙂

 5. Foram said,

  July 3, 2006 @ 4:20 am

  ખૂબ સરસ છે…અભિનંદન…લયસ્તરો નું નવું રૂપ ખરેખર આકર્ષક છે…તમારા જેવા બિઝિ માણસ માટે વેબસાઇટ બનાવવી અને એને નિયમિત રીતે અપડેટ કરવી એ ખરેખર કપરું કામ છે. છેલ્લા છ માસ થી લયસ્તરો નો નિયમિત વાચક છું, પણ લયસ્તરો આટલી પ્રગતિ કરશે એવી અપેક્ષા ન હતી. ખૂબ ખૂબ અભિનંદન!!

 6. Jayshree said,

  July 4, 2006 @ 2:04 am

  ખરેખર સુંદર રચનાઓ છે. આ ડોકટર્સ ડે વર્ષમા એક વાર નહીં, દર મહિને એક વાર આવવો જોઇએ.

  પ્રણયનું દર્દ જયારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું

  તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી

  રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો

  વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી

  લયસ્તરોનું નવું રૂપ પણ ઘણું જ સુંદર છે. ખૂબ ખૂબ અભિનંદન.

 7. Dilip R. Patel said,

  July 4, 2006 @ 8:10 pm

  પ્રિય ડૉ. વિવેકભાઈ અને ધવલભાઈ,

  ડૉક્ટર ડે નિમિત્તે આપની દવા ખૂબ જચી.

  એમ લાગતું હતું કે–

  બનવું હોય તબીબ ને મરીજ બની જાઉં તો કાંઈ નહીં
  સિમ્પ્ટમ્સ એ દર્દનાં “દિલ” આપમેળે કળી જશે.

  પરંતુ અમેરિકામાં ગુજરાતી ભાષાનો મરીજ બની ગયો છું.
  કવિદિલ તબીબ હોવાના નાતે દવા શોધવા કાજે કવિલોક.કૉમ નામે વેબસાઈટ / બ્લોગ શરૂ કર્યાં છે, પરંતુ એમાં પડતી તકલીફોને લીધે દર્દ અકબંધ રહ્યું છે. લયસ્તરોનું આવું આગવું રૂપ જોયું, જાણ્યું અને માણ્યું તો હવે લાગે છે કે દવાનો ડોઝ લેવા અહીં નિયમીત આવવું પડશે.

  ગુજરાતી કાવ્યસૃષ્ટિ થકી દૂર હોવાનું દર્દ હતું
  ધવલ વિવેકી લયસ્તરો માંહે એની દવા મળી.

  આપ બન્ને બંધુઓનો અંતરતમનો આભાર.
  દિલીપ આર. પટેલ, એમ.ડી.

 8. Muhammedali Bhaidu'wafa' said,

  July 4, 2006 @ 10:50 pm

  પ્રિય ધવલ ભાઇ, આદાબ. આપના ઈ-મેલ થી આનઁદ થયો.નવો ઘાટ આકર્ષક છે.આપ્ના સુચન મુજબ નવા બ્લોગ પર ગઝલ ઉપર લખાયેલી બે ગઝલો મુકી છે. આભાર
  રણકે ગઝલ

  દર્દનો ભાર હૈયા પર વધે સણકે ગઝલ.
  મહેકે કોઇની યાદ ના પુષ્પો રણકે ગઝલ.

  હવેતો કયાંથી વસંતી વાયરા પાછા ફરે
  સબઁધો કઁટકો થૈને ખુઁપે તણખે ગઝલ.

  રદીફ નીલાગણી ને કાફિયા દુ:ભાય જયાઁ,
  વજનની અસ્મિતાઓ તૂટતાઁ કણસે ગઝલ.

  ઉજાડીદો કોઈના બાગના ભર્યાઁ ભર્યાઁ ફૂલો,
  દુ:ખી ની હાય ના રણવગડા પણ જણશે ગઝલ.

  સરળ ને સાદી બાની મા ‘વફા’કહીદો મરમ,
  સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.

  ગઝલ- મોહઁમદઅલી ભૈડુ”વફા”
  લદાદા લદાદા લદાદા લદાદા.
  ગઝલને મળ્યાછે બળાપા બળાપા.

  રદિફ કાફિયાની કેવી આ બંદિશછ,
  તાં રુપ એનૂ સરાપા સરાપા.

  વરસ સેંક્ડોથી લખાતી રહી છે,
  છતાં એના રંગો સુહાના સુહાના.

  કોઇ નવ દુલ્હનની હઠેળી એ જાણે,
  રંગોની રમજ્ઝટ હિનાના હિનાના.

  ઢળી ગુજ્ર્રી અંગે એની અદાઓ,
  અરબ ફારસીની ઝનાના ઝનાના.

  ગઝલ ને રૂબાઈ નઝમને મુસદદસ,
  અને મસ્નવીના ખઝાના ખઝાના.

  અરબ ફારસી ઉર્દુની સોગાત લૈને,
  થયા કેવા પગરવ મઝાના મઝાના.

  વફા આ ગઝલ તો હૈયાની ભાષા,
  સ્રોતા ઓ એના દિવાના દિવાના.

  મોહઁમદઅલી ભૈડુ”વફા”
  ફેબ્રુ.2006
  છઁદ: લદાદા લદાદા લદાદા લદાદા
  (ફઊલુન ,ફઊલુન, (ફઊલુન ,ફઊલુન,)
  મુતકારિબ(ભુજંગી) છન્દ.(12 અક્ષરી)

 9. લયસ્તરો » ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન said,

  July 1, 2008 @ 9:11 am

  […] બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!! […]

 10. rajieve said,

  July 23, 2008 @ 1:59 pm

  google મા ર. પા. ને શોધતો તો ત્યા તો ખજાનો મ્લી ગ્યો………… really good work.
  wanted to share with friends but copy / paste is not working even if fonts are visible in browser.
  is it technical snag or done intentionally ?
  any help available ?

  anyway it’s really good one

  pl keep it up.

 11. MAHESH BARIYA said,

  November 3, 2008 @ 9:02 am

  સરસ્ , ઉમદ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment