તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨”

કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.

નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:

તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.

મારો અવાજ શંખની ફૂંકે વહી જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.

આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.

સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:

શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું ખાલી કરે તે છંદ છે.

શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:

સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !

શોભિત દેસાઈનું મન અલગ જ ગાડીમાં મુસાફરી કરે છે:

કદાચ એથી ગઝલ ધારદાર આવે છે,
ભીતરમાં લાંગર્યો છે એક કાફલો અયમન

શબ્દની ગાડીમાં સાવ જ મન વગર
મારી ઈચ્છાને ઢસેડી હોય છે

સુરેન ઠાકર ‘મેહુલ’ ગઝલ લખ્યા પછીની સંતુષ્ટિથી અભિભૂત છે:

‘મેહુલ’ ગઝલ લખીને એવું અનુભવું છું,
જાણે અમીનો મીઠો એક ઓડકાર નીકળ્યો

સર્જકોની મહેફિલ હોય અને પાલનપુરી ન હોય? શૂન્ય વિનાના સૌ એકડા નિર્માલ્ય છે. જે પ્રેરણા સદૈવ ચર્ચાનો વિષય રહે છે, એ પ્રેરણાની કબૂલાત કર્યા પછી પણ એને મોઘમ જ રાખે તે ‘શૂન્ય’ પાલનપુરી:

અમસ્તી હોય ના ભરતી કદી ઊર્મિના સાગરમાં,
એ કોની પ્રેરણાથી ‘શૂન્ય’ની ગઝલો લખાઈ છે !

જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય,
ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.

અમૃત ‘ઘાયલ’ ગઝલ એ દર્દ અને લોહીની પેદાશ હોવાની વાતને સિક્કો મારી આપે છે:
દરદ ન હોય તો આવી રીતે દ્રવી ન શકું,
ને શબ્દરૂપે અહીં આમ હું સ્ત્રવી ન શકું.

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં !

લખતા લહિયો થવાય એ કદાચ આદિલ મન્સૂરીની ફિલસૂફી છે:

શબ્દ સાથે ક્યાં હતો સંબંધ પણ,
લખતા લખતા અંતે લહિયો થઈ ગયો.

હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા આદિલ,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિશે.

મનહર મોદી ગધેડા જેવા પ્રતીકથી અક્ષરોનું વહન કરવાની વાત ટૂંકમાં અને સચોટ કરે છે:

કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું ?
મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું.

મરીઝ એની સરળ ભાષામાં કવિની મર્યાદા સ્વીકારે છે:

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.

મનોજ ખંડેરિયા શબ્દોની દાદાગીરી સામે નમતું જોખે છે:

“મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
મને કોઈ મનમાંથી આપે છે જાસો

આ સતત લખવાનો આશય એ જ કે
સ્વપ્નની જેવું જ કંઈ લગભગ દઉં

શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો,
એક ઝંઝાવાતને ખાળી લીધો.

કાવ્યલેખનની પ્રક્રિયામાંથી હું શી રીતે પસાર થાઉં છું કે શા માટે હું કવિતા લખું છું એની કેફિયત મારે આપવાની હોય તો શું આપું? :

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

વહેતું રહે છે શબ્દનું ઝરણું સતત એ કારણે
કે હર ગઝલના અંતે જાગે પ્યાસ – ‘આ આખર નથી!’

હણહણી ગઝલો મહીં એથી સદા,
શ્વાસ પર મુજ શબ્દના અસવાર છે.

લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

-વિવેક ટેલર

4 Comments »

 1. Anonymous said,

  June 24, 2006 @ 11:39 pm

  Mitr Vivek,
  aabhar.. abhinandan… ne have kaavya sarjan ni prakriya -3 ni raah ma

  Meena

 2. radhika said,

  June 25, 2006 @ 1:50 am

  dr. vivek tailor = shree Raish Maniar = now any comman gujarati can understand and can creat ” KAVYA ”

  Radhika..

 3. ધવલ said,

  June 25, 2006 @ 11:14 am

  સર્જનની પ્રક્રિયાથી વધારે સંકુલ વિષય થોડા જ હશે. લોઢું જ લોઢાને કાપી શકે એ રીતે આ પંક્તિઓ જ સર્જનપ્રકિયાને માપી શકે.

  લયસ્તરો પર રજૂ થયેલ સર્વોત્તમ પોસ્ટમાંથી એક છે.

  અને હા, શ્યામ સાધુની વાત ગમી ગઈ !

  સાવ પાસેથી ગઝલને સાંભળો,
  જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !

  અને…

  હણહણી ગઝલો મહીં એથી સદા,
  શ્વાસ પર મુજ શબ્દના અસવાર છે.

  અને, આ શેર ના ગમે એવું બને જ કેવી રીતે ?:-)

  કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું ?
  મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું.

 4. ઉર્મિ સાગર said,

  June 30, 2006 @ 3:26 am

  very nice selection Vivekbhai…

  કવિની પોતાની ઉર્મિ પ્રત્યેની નિખાલસતા…

  દરદ ન હોય તો આવી રીતે દ્રવી ન શકું,
  ને શબ્દરૂપે અહીં આમ હું સ્ત્રવી ન શકું

  કવિની મર્યાદા…

  એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
  આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.

  કવિની દાદાગીરી…

  “મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
  મને કોઈ મનમાંથી આપે છે જાસો

  અને બીજા કેટલાયે…ખુબ જ સરસ કવિના વિવિધ ભાવો દર્શાવતી કડીઓ છે.

  Enjoyed very much..
  Thank you for sharing…

  ઉર્મિ સાગર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment