ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
અમૃત 'ઘાયલ'

યાદગાર ગીતો :૦૫: ગીત અમે ગોત્યું -ઉમાશંકર જોશી

અમે સૂતા ઝરણાંને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું …

અમે ગોત્યું વસંતની પાંખે;
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું …

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું …

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું …

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું …

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી;
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું …

ઉરે આંસુ પછવાડે હીંચતું,
ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું …

-ઉમાશંકર જોશી

(જન્મ: ૨૧-૭-૧૯૧૧, મૃત્યુ: ૧૯-૧૨-૧૯૮૮)

સંગીત : અજીત શેઠ
સ્વર : નિરૂપમા શેઠ અને કોરસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Geet Ame Gotyun Gotyun.mp3]

ઉમાશંકર જોશીનો પહેલો સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયો ત્યારે એમની ઉમ્મર હતી માત્ર વીસ વર્ષ ! એ પછીના પચાસ વર્ષ સુધી એ સતત ગુજરાતી સાહિત્ય પર છવાયેલા રહ્યા. એમણે નાટકો, વાર્તાઓ, નિબંધો, અનુવાદ, વિવેચન બધું કર્યુ છે. ઉત્તમ રીતે કર્યું છે. પણ કવિતા એમનો પહેલો પ્રેમ હતી અને છેવટ સુધી રહી. એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જ જોવા મળે છે. ( કાવ્યસંગ્રહો : વિશ્વશાંતિ, નિશીથ, ગંગોત્રી, ધારાવસ્ત્ર, અભિજ્ઞા, સપ્તપદી, સમગ્ર કવિતા )

ઉમાશંકરે એકથી એક ચડિયાતા એવા સરસ ગીત આપ્યા છે કે એમનું ગીત પસંદ કરવાનું કામ બહુ સહેલું છે. આ ગીત પસંદ કરવાનું ખાસ કારણ એ કે આ ગીતમાં એમના કોમળ લય અને કલ્પનના સુંદર ઉદાહરણ સમાન છે. આ ગીતમાં કવિ ગીત શોધવા નીકળે છે ! કવિ ગીત શોધવાની શરૂઆત ઝરણાંથી કરે છે. પ્રકૃતિના વિવિધ અંગો – વન, વીજળી, સાગર – પાસે જઈને એ ગીત શોધવાની કોશિશ કરે છે. પણ કશેય એમને ગમતું ગીત મળતું નથી. એ પ્રિયજનની આંખો અને સેંથીમાંય જોઈ આવે છે. ને બાળકના ગાલમાં ગીત શોધી જુએ છે. પણ એમને ક્યાંય ગીત જડતું નથી. છેવટે ગીત એમને પોતાની અંદર જ – આંસુની પછવાડે ને સપનાં સીંચતું – મળી આવે છે.

ગીત એટલે તો લયનો ટહુકો. લય તો દરેક જણે પોતાનો  જાતે જ – પોતની અંદરથી જ – શોધવો જરૂરી છે, એ કોઈનીય પાસે ઉછીનો લઈ શકાય નહીં. કવિએ આ વાત બહુ કોમળ રીતે – એક ગીત દ્વારા જ – અવિસ્મરણીય રીતે કરી છે.

8 Comments »

 1. pragnaju said,

  December 7, 2009 @ 2:08 am

  તાલ અને લયનો સમન્વય .
  અમે સૂર અને તાલ મિલાવી
  ફરી ફરી ગાયું
  મઝા જ મઝા

 2. વિવેક said,

  December 7, 2009 @ 2:12 am

  ઉમાશંકર જોશીનું અદભુત ગીત જેનું સ્વરાંકન અને ગાયકી બંને એટલા સુંદર અને અભૂતપૂર્વ છે કે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો ત્યારે આ ગીત હોઠેથી અને હૈયેથી હટતું નહોતું…

 3. Monal said,

  December 7, 2009 @ 3:16 am

  સુંદર ગીત!

 4. rekha sindhal said,

  December 7, 2009 @ 9:08 am

  મારા પ્રિય ગીતોમાંનુ એક . ફરી ફરીને સાંભળવાનું મન થાય તેવી રચના !

 5. BB said,

  December 7, 2009 @ 11:55 am

  How nice the Lyrics and the Gayaki . I love it.

 6. Jayshree said,

  December 7, 2009 @ 4:31 pm

  કેટલાક ગીત એવા સૂરીલા હોય છે કે જેટલીવાર સાંભળીયે એટલીવાર જાણે નશો કરાવે…. શબ્દો-સ્વર-સંગીત… કોનો કેફ વધુ ચડે એ નક્કી કરવું મુશ્કેલ છે આ ગીત માટે..!

 7. Deejay said,

  December 7, 2009 @ 9:32 pm

  ખુબ સુન્દર

 8. sudhir patel said,

  December 8, 2009 @ 10:48 pm

  સુંદર ગીત અને ઉત્તમ સ્વરાંકન અને સ્વર એને ચાર ચાંદ લગાડે છે!
  સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment