ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી સહુ કહે છે, જમાનો ખરાબ છે !
મરીઝ

લે હાથે કરતાલ ફકીરા – ઝાકીર ટંકારવી

લે હાથે કરતાલ ફકીરા;
સંતો સાથે ચાલ ફકીરા.

એની મેડીએ બેસીને,
થૈ જા માલંમાલ ફકીરા.

હુંયે માણસ તું યે માણસ
સૌનું લોહી લાલ ફકીરા.

બંને ખાલી હાથે જઈશું,
અંતે તો કંગાલ ફકીરા.

ડર ને ચિંતા ફેંક નદીમાં,
માલિક મોટી ઢાલ ફકીરા.

સરકી જાશે એક જ પળમાં
દુનિયાને ના ઝાલ ફકીરા.

દોલત તો દાસી છે તારી
ખિસ્સામાં ના ઘાલ ફકીરા.

સંન્યાસીનું તો એવું કે
સૂર અહીં ત્યાં તાલ ફકીરા.

રસ્તા તો આડા ને અવળા,
જૂની વાટે ચાલ ફકીરા.

– ઝાકીર ટંકારવી

કબીર-રંગે રંગાયેલી આ રચનામાં બહુ સરળ રીતે ઊંડી વાતો કરી છે.  સંન્યાસીની ‘સૂર અહીં ત્યાં તાલ ફકીરા’ જેવી વ્યાખ્યા બીજે વળી ક્યાં જોવા મળવાની ? છેલ્લા શેરથી તો રોબર્ટ ફ્રોસ્ટની અમર રચના The Road Not Taken ની યાદ આવી ગઈ.

13 Comments »

 1. Girish Parikh said,

  December 2, 2009 @ 12:02 am

  ઝાકીર ટંકારવીનો આધ્યાત્મિક ટંકાર!

 2. pragnaju said,

  December 2, 2009 @ 12:54 am

  લે હાથે કરતાલ ફકીરા;
  સંતો સાથે ચાલ ફકીરા.
  મત્લા જ એક ગઝલ લાગે છે.સંતોનું ઘ્યેય એક જ હોય. ઈશ્વરમાં લીન થઇ જવું. સંપૂર્ણ સમર્પણની આ ભાવનાને સૂફીઓ ‘ફના’ કહે છે. કંઇક અંશે આપણા અદ્વૈતના સિદ્ધાંતોને મળતી આવે છે. એમના ત્રણ મૂળ સિદ્ધાંતો હતા-ખૌફ (અલ્લાનો ભય) રેઝા (સંપૂર્ણ સમર્પણ) અને મહોબ્બત (શ્રદ્ધા). સૂફીઓએ સંતોષને એક નવી વ્યાખ્યા આપી. બધું જ છોડી દેવાથી જે પામવા મળે છે તે એક આહલાદક અનુભવ છે.
  સંન્યાસીનું તો એવું કે
  સૂર અહીં ત્યાં તાલ ફકીરા.

  પરિગ્રહ વિનાની આ સ્થિતિમાં મન પ્રફુલ્લિત થઇ નાચી ઊઠે છે.
  ‘ખ્વાજા મેરે ખ્વાજા’ ગાતા ભાવવિભોર થઇ નૃત્ય કરવા લાગતા.
  સંતો કલેશ વિના સહઅસ્તિત્વ પર ભાર મૂકે છે. રસ્તા ભલે જુદા હોય દરેકની મંઝિલ એક જ છે.
  —-
  “કબીર-રંગે રંગાયેલી આ રચનામાં “…દુનિયાની દરેક ભાષામાં કેટલાક કવિઓ પાસે પોતીકો અવાજ હોય છે, તો કેટલાક કવિઓ પડઘાઓથી રમે છે. ઝાકીર ટંકારવી પાસે પોતીકો અવાજ છે. રસ્તાને જેમ નામનાં પાટિયાં મારીએ છીએ એમ કવિને લેબલ લગાડાય નહીં. છતાંયે અંદર તર્યા વિના વાતો કરવી હોય તો કેટલાક વિવેચકો લેબલ લગાવીને સંતોષ માને છે. ટંકારવીની વાત આવે ત્યારે એ તો કબીરપંથી કવિ છે એમ કહીને કંઠી પહેરાવીને કવિની કવિતાને કુંઠિત કરે છે અને વિવેચન કર્યાનો આનંદ પણ માણી લે છે.

 3. વિવેક said,

  December 2, 2009 @ 1:39 am

  સુંદર ગઝલ…

  મત્લાનો શેર અદભુત થયો છે.

  ડર ને ચિંતા ફેંક નદીમાં,
  માલિક મોટી ઢાલ ફકીરા.
  – આ શેર વાંચતા જ જયંત પાઠકની કવિતા યાદ આવી ગઈ: “નોટ ને સિક્કા નાંખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.. “

 4. Dr. J. K. Nanavati said,

  December 2, 2009 @ 4:05 am

  અદભુત……..

 5. P Shah said,

  December 2, 2009 @ 4:14 am

  એની મેડીએ બેસીને,
  થૈ જા માલંમાલ ફકીરા

  આ રચના વાંચતા મન પુલકિત થયું.

 6. વજેસિંહ પારગી said,

  December 2, 2009 @ 4:52 am

  આ ગઝલ મને બહુ ગમે છે.
  વિવેકભાઈએ નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ, રચનાને જયંત પાઠકની કહી છે, ખરેખર હું ભૂલતો ના હોઉં તો આરચના મકરંદ દવેની છે.

 7. Vihang vyas said,

  December 2, 2009 @ 5:10 am

  મસ્ત મિજાજની ગઝલ….

 8. વિવેક said,

  December 2, 2009 @ 6:52 am

  સાચી વાત, વજેસિંહભાઈ…

  આ ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આપનો અને વિહંગ વ્યાસનો ખૂબ ખૂબ આભાર..

  ધૂળિયે મારગ ચાલ ગીત મકરંદ દવેનું જ છે અને એ આપ અહીં આખું માણી શકો છો:

  http://www.forsv.com/guju/?p=213

 9. Pinki said,

  December 2, 2009 @ 7:52 am

  હું યે માણસ તું યે માણસ
  સૌનું લોહી લાલ ફકીરા…… વાહ !!

  સરસ ગઝલ … બાકી સંસારમા તો,

  દુનિયા આખી રાંક ફકીરા,
  કોનો કાઢું વાંક ફકીરા ?

 10. sudhir patel said,

  December 2, 2009 @ 7:55 pm

  બઢિયા ગઝલ! બધાં જ શે’ર કાબિલે-દાદ છે! સુંદર પસંદગી બદલ ધવલભાઈને અભિનંદન!
  પ્રજ્ઞાબેનના પ્રતિભાવ સાથે સહમત છું.
  સુધીર પટેલ.

 11. ધવલ said,

  December 2, 2009 @ 8:23 pm

  પ્રજ્ઞાબેન, તમારી વાત ખરી છે… નામના ‘માદયિયા’ પહેરાવવાથી કોઈ ફાયદો નથી. બધાનો પોતાનો સૂર હોય છે, જે પોતાની રીતે અલગ અને અદભૂત હોય છે.

  અહીં એક-બે લીટીમાં કવિતા વિશે વાત કરતી વખતે stereotypes હાથવગા થઈ પડે છે. કબીર-રંગી બે જ શબ્દોથી એક આખું વાતાવરણ અને વિચારસરણી આંખો સામે તાદ્રશ થઈ જાય છે… એટલે એ પ્રયોગ કર્યો છે. આ કવિ ( જેને હું જરાય જાણતો નથી) વિષે વાત નથી.

 12. ઊર્મિ said,

  December 3, 2009 @ 7:47 pm

  મજા આવી ગઈ… સાચી વાત કરી છે… આખી ગઝલ જાણે કે કબીર રંગે રંગાયેલ હોય એમ લાગે છે.

 13. laxman parmar said,

  December 27, 2009 @ 11:36 am

  વાહ અતિ સુન્દર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment