પોતપોતાની સમજ પણ હોય છે
હોય છે જ્યારે સહુનો એક મત
ભરત વિંઝુડા

થાઉં તો સારું -‘શેખાદમ’ આબુવાલા

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!

જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!

જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!

ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!

યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!

તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
– મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!

-‘શેખાદમ’ આબુવાલા

પ્રણયરંગી ગઝલ… ખાસ કરીને ગાલનો તલ થવાવાળો અને લયબદ્ધ ચંચળતાવાળો શે’ર ખૂબ જ મજાનાં થયા છે!  વળી, બુદ્ધિનું કહ્યું ન કરનારને તો આમેય દુનિયા પાગલ જ માને છે, ખરું ને મિત્રો ?! 🙂

9 Comments »

  1. Girish Parikh said,

    November 22, 2009 @ 6:15 PM

    ૧૯૫૨-૧૯૫૩ દરમિયાન અમદાવાદમાં ગુજરાત કોલેજમાં ભણતો હતો ત્યારે એક વાર શેખાદમ આબુવાલા આવેલા ત્યારે એમની ગઝલ “આદમથી શેખાદમ સુધી” એમના સ્વમુખે સાંભળવાનો લહાવો મળેલો. એ પ્રસંગ યાદ કરતાં શેખાદમ સામે જ ઉભેલા દેખાય છે! આખી ગઝલ અને ખાસ કરીને “એ જ છે — લાગી શરત” વાળો શેર જે છટાથી બોલેલા એ હજુ પણ યાદ છે. કોઈક વિદ્યાર્થીએ એ વખતે કહેલું કે એમની રચનાઓ ઉમાશંકર જોશીના ઉચ્ચ કોટીના “સંસ્ક્રુતિ” માસિકમાં પ્રગટ થાય છે.

  2. pragnaju said,

    November 22, 2009 @ 11:02 PM

    હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
    છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!
    વાહ્

    પાર્થિવનો સૂર સંભળાયો
    આપણા પ્રેમની સુખદુ;ખની વાતો કરું છુ,
    શબ્દો આગળ એટલો પાગલ

  3. BB said,

    November 22, 2009 @ 11:56 PM

    GHANIJ SUNDER GHAZAL.

  4. Viren Patel said,

    November 23, 2009 @ 1:06 AM

    Shekhadam ni aa ek adbhut pranayrangi gazal ! Shri Amrut Ghayal ni gazal – ‘ E Gabharu aankhon ma kajal thaai laherai javama lijjat chhe’yaad aavi gayi. Complements for uploading it.

  5. manhar m.mody ('mann' palanpuri) said,

    November 23, 2009 @ 1:24 AM

    શેખાદમ સાહેબની ગઝલ ના વખાણ માટે શબ્દો શોધવા મુશ્કેલ.

  6. વિવેક said,

    November 23, 2009 @ 3:04 AM

    મદમસ્ત ગઝલ…

    ગાલ પરના તલવાળો શેર તો મારો અતિઅતિઅતિપ્રિય શેર…

    આભાર, ઊર્મિ !

  7. AMRIT CHAUDHARY said,

    November 23, 2009 @ 4:05 AM

    ખુબ જ સુન્દર ગઝ્લ છે.શેખાદમને આપે સ્થાન આપ્યુ તે બદલ તમને ખુબ અભિનન્દન્.
    શેખાદમના મુક્તકો પણ મુક્વા પ્રય્ત્ન કરશો.
    આભાર.

    અમ્રુત ચૌધરી..

  8. akhsay said,

    November 23, 2009 @ 4:59 AM

    જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
    હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!

    લયબદ્ધ ચંચળતા!!! વાહ શું વિચાર છે.!
    અદભુત…..
    ગઝલ સાગર નો ઉંડામાં ઉંડો વિચાર…

  9. kanchankumari parmar said,

    November 23, 2009 @ 5:52 AM

    ઉમ્મિદ છે મારી ;તારિ કાજળ કેરી આંખો મા ખોવાતો જાઉ;ને ત્રુસ્ણા છે મારી કે તારા હાસ્ય ના ફુવારા મા ભિંજાતો જાઊ. આશા છે મારિ તારિ વાળો નિ ઘટાઓ મા સ્ંતાતો જાઊ…..ને પ્યાસા છે મારિ કે તારા પ્રણય ના પુર મા તણાતો જાઊ……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment