પોતપોતાની સમજ છે કેદની,
પોતપોતાની ગૂંથેલી જાળ છે.
વંચિત કુકમાવાલા

મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

ઘણા વખતથી આ ગઝલ મનમાં રમતી હતી. મૃત્યુને નવી રીતે જોવાની વાત અહીં સરસ રીતે આવી છે. ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,’આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો, એ મારી પ્રિય પંક્તિ છે. આ ગઝલ આખી શોધી આપવા માટે આભાર, ક્લ્પન.

5 Comments »

  1. radhika said,

    May 29, 2006 @ 1:34 AM

    ખુબ જ સુંદર ગઝલ છે

    દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
    કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

    મૃત્યુને નવી રીતે જોનાર કવીઓમાં શ્રી ઉદયન ઠક્કર ની રચના મરતા માણસની ગઝલ પહેલા અહી જ વાંચી પતી તે પણ સુંદર હતી

  2. વૈશાલી said,

    May 30, 2006 @ 1:09 AM

    આખી રચના જ ઘણી સુંદર છે…. દરેક શબ્દમાંથી કવિત્વ ટપકે છે… આવું વાંચીએ તો મોત પણ વ્હાલું લાગી આવે…

    -વૈશાલી

  3. Harindra Dave - 1 « My thoughts said,

    September 15, 2006 @ 1:06 PM

    […] https://layastaro.com/?p=320 […]

  4. Vishal said,

    October 3, 2006 @ 6:43 AM

    એકદમ અસરદાર એવી આ કવિતા મને વાન્ચી ને પછી પહેલો વિચાર એ આવ્યો કે ગુજરાતી ભાષા કેટલી સમ્રુદ્ધ છે. આજ સાઈટ પર મે અમર પાલનપુરી દ્વારા રચિત – અમર હમણા જ સૂતો છે – વાન્ચી હતી. તે પણ એક ખૂબ સુન્દર રચના છે.

    પોતાની લાગણીઓ ને અક્ષરો મા કેટ્લી સરસ રીતે ઉતાર્યા છે. મને મારી ભાષા માટ ખૂબ આદર છે. હુ પણ પોતાની આવી એક બ્લોગ સાઈટ બનાવ્વાનુ વિચારી રહ્યો છુ.

  5. લયસ્તરો » વળતાં… - રમેશ પારેખ said,

    June 18, 2007 @ 10:09 PM

    […] પરમ સખા મૃત્યુની અહીં વાત છે. ર.પા.ના શબ્દોનો જાદૂ અહીં જુઓ. મૃત્યુની ઘડીની વાત કેવી અદભુત રીતે કરી છે – રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર ! આગળ રજૂ કરેલી આ જ વિષય પરની કવિતાઓ પણ સાથે જોશો… મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે, મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈનું મુક્તક. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment