ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
કૃષ્ણ દવે

(યાદના છાંટા ન મોકલાવ) -આદિલ મન્સૂરી

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ

મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ

વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.

-આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)

છઠ્ઠી નવેમ્બરે જનાબ આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… ર.પા.ની યાદમાં એમણે લખેલી આ ગઝલ આજે એમને અને એમનાં છ અક્ષરોનાં નામને પણ એટલી જ લાગુ પડે છે!  અધવચ્ચે અટકીને મક્તા લખી દઈ જીવનની ગઝલને પૂરી કરીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયેલા શ્રી આદિલભાઈને લયસ્તરો અને લયસ્તરોનાં વાંચકો તરફથી હૃદયપૂર્વકની સાદર શ્રદ્ધાંજલિ.

12 Comments »

 1. Just 4 You said,

  November 9, 2009 @ 1:29 am

  તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
  તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ

  મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
  તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

  જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
  વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

  Whole gahzal is awesome…

 2. pragnaju said,

  November 9, 2009 @ 1:45 am

  અમારા ન્યુ જર્સીમા શાંત થયેલ આદિલ સાહેબ
  અમારા હ્રુદયમાં તો સદા જીવિત જ છે
  અમારી ભાવભીની શ્રધ્ધાંજલી
  તેમની આ પંક્તી તો લોકગીતની થઈ ગઈ
  લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
  ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી

 3. Viren Patel said,

  November 9, 2009 @ 2:27 am

  This gazal is one of the star gazals from Adil Bhai.
  06 letters name (in Gujarati) is synonyms with Ramesh Parekh. But equally true of Adil Bhai. Date when he left us also is 06 !! He had a Laya with Kaal Chakra ! Thanks for uploading this on Layastaro. -Viren Patel – Mumbai

 4. Dr. J. K. Nanavati said,

  November 9, 2009 @ 4:09 am

  ગઝલના ધબકાર…ગઝલનું જન્નત…
  એવા શ્રી આદિલ મન્સુરીને લાખ લાખ સલામ…….

  આદિલને આ દિલની…સદા….

  ચુક્યો ધબકાર રે આદિલ, ખુદા
  થયો પુરવાર ના-કાબિલ ખુદા

  હતું કોમળ, ઋજુ, સાલસ હ્રદય
  તમે પથ્થર સમા કાતિલ ખુદા

  ગઝલને, આંગળી ઝાલી અને
  પુગાડી આગવી મંઝિલ ખુદા

  ખુદાઈ એમની ભારે પડી..!!
  બડો કમજોર ને બુઝદિલ ખુદા..

  ખજાનો કેટલો ભાર્યો હજુ
  કરી લેજે બધું હાંસિલ ખુદા

  ભલે શાયર કર્યો જન્નત નશીં
  હવે દોઝખ અમારાં દિલ ખુદા

  ડો.જગદીપ નાણાવટી

 5. kanchankumari parmar said,

  November 9, 2009 @ 4:14 am

  વરસવુ હોય તારે તો અનરાધાર વરસાવ ;આમ અમથો વરસિ સાવ કોરા ન રાખ………+

 6. dr. pravina pandya said,

  November 9, 2009 @ 10:06 am

  આદિલ સાહેબને સાચી સ્મરણાન્જલી.બહુ યાદગાર ગઝલ.
  વાચેલી ગઝલો વાગોળી.

 7. Rohit Darji said,

  November 9, 2009 @ 10:14 am

  આદીલ સાહેબની પ્રથમ પુણ્યતિથીએ એક ઉમદા ગઝલ રજુ કરીને સાચી શ્રાદ્ધાન્જલી અર્પી છે. આભાર.

 8. sapana said,

  November 9, 2009 @ 11:03 am

  જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
  વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

  આદિલ સાહેબ્ને દિલથી શ્રંધાજલી
  સપના

 9. ગાગરમાં સાગર » Blog Archive » ચાર ગઝલો (વિડીયો પઠન) -આદિલ મન્સૂરી said,

  November 10, 2009 @ 1:38 pm

  […] ર.પા.ને આપેલી ગઝલાંજલિ (જે આજે એમનાં માટે પણ એટલી જ સાચી લાગે […]

 10. Manan Desai said,

  July 28, 2011 @ 12:32 am

  વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
  આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.

  વાહ વાહ વાહ્

  હ ને નિચે સચુ જ લખ્યુ આ ગઝલ એમ્ને પન લગુ…..

 11. Avi said,

  February 24, 2012 @ 12:23 am

  મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
  તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

  અદ્દભુત……….

 12. alpa Rana said,

  November 21, 2014 @ 12:32 am

  ખુબ જ સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment