ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
આ એકલતા પછી ઇંડા મૂકે તો !
હર્ષ બ્રહ્મભટ્ટ

…આપો – ‘સાકિન’ કેશવાણી

રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.

પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો.

સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો.

વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
તમે ‘સાકિન’ને એવો પ્રેમનો પારસમણી આપો.

– ‘સાકિન’ કેશવાણી (મહમ્મદ હુસેન હબીબભાઈ કેશવાણી)
(૧૨-૦૩-૧૯૨૯ થી ૩૧-૦૩-૧૯૭૧)
ગઝલ સંગ્રહ: ‘આરોહણ’, ‘ચાંદનીના નીર’

આ ગઝલ વિશે વાત કરતી વખતે કવિ હરીન્દ્ર દવે કહે છે, ‘ વિષ્ણુ અને નારદ વચ્ચે સંવાદ થાય અને નારદ જો વિષ્ણુને પૂછે કે પ્રભુ! આ મૃટ્યુલોકના માનવીઓ તમારી પાસે ઘણું ઘણું માંગતા હોય છે પણ એમાં સૌથી સરસ માગણી કરતાં કોને આવડે છે? તો ભગવાને ઉત્તર આપ્યો હોત, દેવર્ષિ, માગણી કરતા તો બે જ માણસોને આવડે છે – કવિને અને પ્રેમીને. કવિ અને પ્રેમીજન જે માગણી કરે છે એ હંમેશા અદભુત હોય છે – કારણ કે તેઓ ભાગ્યે જ પોતાના માટે કંઈક માંગે છે. એમાં ‘હું’ કે ‘મને’ આવે ત્યારે પણ એ શબ્દો તમામ વાંચનારા માટે અને પ્રેમ કરનારાઓ માટે સાચા હોય છે.

યુવાન વયે અચાનક નિધન પામનાર આ કવિની આ ગઝલમાં કવિ અને પ્રેમી બંનેની માગણી એક જ બિંદુ પર આવીને કેન્દ્રિત થઈ છે. લગાતાર દર્શન નહીં, એક ઝલક આપો… આખો ચંદ્ર નહીં, માત્ર ચાંદની આપો… આખા વિશ્વના નફરતના લોઢાને કંચન બનાવી શકે એવો પારસમણી આપો…

8 Comments »

  1. Kirtikant Purohit said,

    October 24, 2009 @ 2:11 AM

    એક સારી ગઝલ સાથે સારો પરિચય.આભાર.

  2. pragnaju said,

    October 24, 2009 @ 8:23 AM

    અમારા ફીલાડૅલફીયાવાળા જમાઈના બંસીનાદ
    પર બે વર્ષ ઉપરાંત માણેલી આ ગઝલ ફરી ફરી
    માણતા ગમે તેવી છે…
    તેમા આ શેર

    વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
    મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

    હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
    તમે ‘સાકિન’ને એવો પ્રેમનો પારસમણી આપો
    આ ફ્ રિ ન

  3. manhar m.mody said,

    October 24, 2009 @ 8:32 AM

    સંતુષ્ટિ અને સમર્પણ ભાવની અનોખી મિસાલ. એકે એક શેર અફલાતુન.

  4. sapana said,

    October 24, 2009 @ 10:48 AM

    વાહ ક્યાં બાત હૈ..

    વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
    મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

    બહુ સરસ ગઝલ્
    સપના

  5. sudhir patel said,

    October 24, 2009 @ 12:08 PM

    ખૂબ જ સુંદર મનભાવન ગઝલ! મક્તાનો શે’ર અદભૂત છે અને આજે તો વધુ પ્રસ્તુત છે!!
    સુધીર પટેલ.

  6. Ramesh Patel said,

    October 24, 2009 @ 1:31 PM

    આ ગઝલ જાણે સોને મઢી છે. ખૂબ જ મન ભાવન રસવિહાર.
    આભાર લયસ્તરોનો કેઆવું સરસ નઝરાણું ધર્યું ,સાચે જ લાભાન્વિત થયા.

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. urvashi parekh said,

    October 24, 2009 @ 5:33 PM

    સરસ રચના,
    ઘણુ બધુ નહીં પણ થોડુ આપો અને થોડી પણ આશા આપો તો એના આધારે ઘણુ બધુ કરી શકીશ.
    સુન્દર..

  8. Dr P A Mevada said,

    November 7, 2009 @ 11:07 AM

    કવિ ની વેદના ના સૂર સંભળાય ત્યારે વાંચ નાર ને પણ વેદના થાય.
    ખરેખર ખુબજ સરસ અભિવ્યક્તિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment