કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે !
મુકુલ ચોકસી

ચાર નયનો – ‘શાદ’ જામનગરી

કેમ વિહ્વળ છું પ્રતીક્ષા પણ નથી,
આમ જો પૂછો તો કંઈ કારણ નથી.

પારદર્શક કાચ જાણે કાયદો,
અવતરણ મધ્યેય કંઈ વિવરણ નથી.

ખૂબ ટીપાયો ઘડાયો ઘાટ પણ,
તાપ, એરણ કે હથોડા, ઘણ નથી.

સાત સાગર પણ ઊલેચાઈ ગયા,
ને હથેળી મધ્યબિંદુ પણ નથી.

ઘર મહીં આવ્યાં અને ચાલ્યાં ગયાં,
ને છતાં પગલાંનાં કંઈ લક્ષણ નથી.

ભાવભીનું છે અહીં સ્વાગત ઘણું,
બારણે બાંધ્યાં કોઈ તોરણ નથી.

આપને જોયા વિના મસ્તક નમે,
મન મનાવું એટલી સમજણ નથી.

ચાર નયનો કંઈક ક્ષણ-બે-ક્ષણ મળ્યાં,
પ્રેમ માટે ‘શાદ’ કંઈ ભાષણ નથી.

-‘શાદ’ જામનગરી

એક એવી ગઝલ જેને જેટલી વધુવાર ઘૂંટીએ, એ વધુ ને વધુ ગમતી જાય અને અર્થોના નાનાવિધ આકાશ ઉઘડતાં જાય…

7 Comments »

 1. Kirtikant Purohit said,

  October 25, 2009 @ 1:43 am

  હર શેરમાં અલગ મિજાજ અને રંગ.”પણ” કાફિયા રીપીટ થયો છે જે ગઝલમાં ઓછું જોવા મળે સિવાયકે કાફિયાના શબ્દનો બીજો અર્થ ઉઘડતો હોય.

 2. pragnaju said,

  October 25, 2009 @ 2:23 am

  ચાર નયનો કંઈક ક્ષણ-બે-ક્ષણ મળ્યાં,
  પ્રેમ માટે ‘શાદ’ કંઈ ભાષણ નથી.
  વાહ આવી આત્મીયતા અને લાગણીઓ અનુભવવાથી કેટલાક રસાયણો ઉત્પન્ન થઈ શરીરમાં વહે છે. મગજ તથા હૃદય સંકલન સાધી શરીરના તમામ અવયવો વચ્ચે અરસ-પરસ એક જટીલ પ્રક્રિયા શરુ થાય છે. એડ્રેનલિન અને એકસીટોસીન નામના રસાયણો ઉદ્ભવી શરીરમાં વહેતા અનુક્રમે હૃદય વધુ ઝડપથી ધબકે છે અને નરમ સ્નાયુઓને ઉત્તેજીત કરી જ્ઞાનતંતુઓ સંવેદના આપે છે. તેથી આનંદ થાય અને લાગણીશીલ બની લાગણીઓનું ખેંચાણ અનુભવાય ત્યારે તમને લાગે કે તમો પ્રેમમાં પડા છો, આમ આ રાસાયણિક પ્રક્રિયાના ચક્રથી ટેવાઈ જાવ છો. ગમતી વ્યકિતની ઝલક કે અવાજ મેળવવાથી આ પ્રક્રિયા શરુ થઈ જાય છે. આ રીતની રાસાયણિક પ્રક્રિયાથી તે વ્યકિત તમોને ગમવા લાગેછે.

 3. MAYANK TRIVEDI,surat said,

  October 25, 2009 @ 9:02 am

  ચાર નયનો કંઈક ક્ષણ-બે-ક્ષણ મળ્યાં,
  પ્રેમ માટે ‘શાદ’ કંઈ ભાષણ નથી.
  ભાઈ વાહ
  હૉઠ કરે ઇટટા કિટા ને આંખૉ કરતી વાતૉ

 4. manharmody ('મન' પાલનપુરી) said,

  October 25, 2009 @ 10:21 am

  બધા જ શેર અર્થપૂર્ણ અને ચોટદાર.

  કેમ વિહ્વળ છું પ્રતીક્ષા પણ નથી,
  આમ જો પૂછો તો કંઈ કારણ નથી.

  એક ઉર્દુ શેર યાદ આવે છે.

  કોઈ આયા ન આયેગા લેકિન
  ક્યા કરે ગર ના ઇંતેઝાર કરે.

  અને એક ગુજરાતી શેરની એક પંક્તિ પણ ઃ

  ગયું કોઇ નથી ને થાય છે પાછુ ફરે કોઇ.

 5. kirankumar chauhan said,

  October 26, 2009 @ 1:20 am

  ભૈ જબરદસ્ત ગઝલ. બીજા શે’ર માટે તો સલામ.

 6. Pinki said,

  October 26, 2009 @ 6:57 am

  કેમ વિહ્વળ છું પ્રતીક્ષા પણ નથી,
  આમ જો પૂછો તો કંઈ કારણ નથી. પ્રણયોન્મત્ત…!

  ભાવભીનું છે અહીં સ્વાગત ઘણું,
  બારણે બાંધ્યાં કોઈ તોરણ નથી.

  મસ્ત ગઝલ !!

 7. ડૉ.મહેશ રાવલ said,

  October 26, 2009 @ 1:14 pm

  ‘શાદ’ભાઈ….!
  સુંદર ગઝલ બની છે
  -અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment