આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં
ગની દહીંવાલા

વેચવા માંડો – શેખાદમ આબુવાલા

તિમિરના હાથે સૂરજના ઈશારા વેચવા માંડો
ગગન ખાલી કરી દો ચાંદતારા વેચવા માંડો

કિનારાની જરૂરત ક્યાં રહી છે ડૂબનારાને
કે એ ડૂબી જશે હમણાં કિનારા વેચવા માંડો

કે ઓ સોદાગરો લાચારીના સોનેરી તક આવી
ઘણી મજબૂર છે દુનિયા સહરા વેચવા માંડો

કે આ દૂરત્વના બદલામાં છે નૈકટ્યનો સોદો
કે આંસુના બદલામાં સિતારા વેચવા માંડો

જો વેચી નાખો તો સારું કે એ છે વિઘ્ન રસ્તાના
તકાદો મંઝિલોનો છે ઉતારા વેચવા માંડો

હવે બાગોને ભડકા જોઈએ ફૂલો નહીં આદમ
બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો

હકીકતનો તો એવો તાપ છે લાચાર દુનિયામાં
કે આદમ સ્વપ્નના શીતલ ફુવારા વેચવા માંડો

– શેખાદમ આબુવાલા

તકવાદીઓની છે આ દુનિયા. અહીં તક જોઈને દિશા બદલનારા જ ફાવે છે. સમય આવે દરેક વસ્તુ પર ‘ફોર સેલ’નું લેબલ લગાડવાની તૈયારી રાખનાર તકસાધુઓ પર કવિનો કટાક્ષ છે. પ્રેમના કવિ શેખાદમે, સમય આવે રાજકિય કટાક્ષ કાવ્યો પણ ખૂબ લખેલા. કટોકટીના અરસામાં લખાયેલો એમનો સંગ્રહ ‘ખુરશી’ કદાચ આપણી ભાષાનો એકમાત્ર રાજકિય કટાક્ષ કાવ્યસંગ્રહ છે.

9 Comments »

  1. sapana said,

    September 28, 2009 @ 9:56 PM

    ખરેખર કટાક્ષવાળી ગઝલ છે.લોકોનુ ચાલે તો ઝમીર પણ વહેંચી નાંખે અને મા બાપના પણ સોદા કરે.
    બળુકુ પણ્ હ્રદયસ્પર્શી.
    સપના

  2. P Shah said,

    September 28, 2009 @ 10:53 PM

    કિનારાની જરૂરત ક્યાં રહી છે ડૂબનારાને
    કે એ ડૂબી જશે હમણાં કિનારા વેચવા માંડો

    કે ઓ સોદાગરો લાચારીના સોનેરી તક આવી….

    સુંદર કટાક્ષભરી રચના !

  3. pragnaju said,

    September 29, 2009 @ 12:17 AM

    હવે બાગોને ભડકા જોઈ ફૂલો નહીં આદમ
    બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો

    હકીકતનો તો એવો તાપ છે લાચાર દુનિયામાં
    કે આદમ સ્વપ્નના શીતલ ફુવારા વેચવા માંડો

    વેધક કટાક્ષ
    કાબિલેદાદ ગઝલ્

  4. રાકેશ ઠક્કર , વાપી said,

    September 29, 2009 @ 1:11 AM

    આજના સંદર્ભમાં સરસ રચના.
    હવે બાગોને ભડકા જોઈ ફૂલો નહીં આદમ
    બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો

  5. Kirtikant Purohit said,

    September 29, 2009 @ 6:35 AM

    સરસ રચના.

  6. sudhir patel said,

    September 29, 2009 @ 7:44 PM

    શેખાદમ સાહેબની સુંદર અવળવાણી ઉચ્ચારતી ગઝલ!

    આ શે’ર વધુ ગમ્યો. જોકે ઉલા મિસરામાં એક ગુરૂ ખૂટતો લાગે છે.
    ‘જોઈ’ ને બદલે ‘જોઈએ,’ હશે એમ માનું છું. ધવલભાઈ જોઈને કહેશો તો ગમશે.

    હવે બાગોને ભડકા જોઈ ફૂલો નહીં આદમ
    બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો

    સુધીર પટેલ.

  7. ધવલ said,

    September 29, 2009 @ 8:38 PM

    આભાર સુધીરભાઈ… સુધારી લીધું છે !

  8. વિવેક said,

    September 30, 2009 @ 2:34 AM

    માર્મિક ગઝલ.. ઘણા સમયે વાંચી… રોમાંચ અનુભવ્યો.. શેખાદમ તો શાળાજીવન અને કોલેજકાળનો અમારો પ્રિય કવિ…

  9. Anal Shah said,

    December 16, 2011 @ 11:31 AM

    khub j sundar rachana chhe…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment