એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે, સખા !
ઊર્મિ

એ મુસાફર હશે એકલો – હરીન્દ્ર દવે

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં
સમયના સૂર્યના તાપથી સૂકશે;
સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ
રાહદારી રવાના થશે;
અગ્નિના વાહને દેહ સોંપી દઈ
સૌ સગાં પણ જશે,
માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
એ મુસાફર હશે એકલો.

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

– હરીન્દ્ર દવે

મૃત્યુ અનિવાર્ય છે છતાં અકળ છે એટલે એ મનુષ્યજાતને આદિમકાળથી સતત આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. એની અનુભૂતિ ગોપનીય છે એટલે જ એના રહસ્યના દરિયામાં મરજીવા થઈ કવિ સતત ડૂબકી મારતા આવ્યા છે અને ફલતઃ આપણને ક્યારેક પ્રાપ્ત થાય છે આવી ઉત્તમ સંવેદનશીલ કૃતિ.

જીવતા અને મરેલા માણસ વચ્ચે દેખીતો ફેર છે શ્વાસની હાજરી અને ગેરહાજરીનો. (આત્માનું આવાગમન તો કોણે જોયું જ છે?) એટલે જ કવિ લ્યો કહીને (અલ્પવિરામ સાથે) પોરો ખાઈને કહે છે કે હવે શ્વાસનો કાફલો દૂ…રની સફર પર જવા રવાના થયો છે. સ્નેહીઓના આંસુ તો સમય સાથે સૂકાઈ જ જવાનાં છે એટલે કવિ એના માટે ઝાકળ-સૂર્યનું સુંદર કલ્પન પ્રયોજે છે. આપણા ગયા બાદ પણ સૃષ્ટિનું ચક્ર અનવરુદ્ધ અને અનવરત ચાલુ જ રહેવાનું છે…

8 Comments »

 1. pragnaju said,

  September 4, 2009 @ 1:47 am

  લ્યો, રવાના થયો
  દૂરની સફર પર શ્વાસનો કાફલો.
  ગહન વાત –સરળ અભિવ્યક્તી

  દરિયાઇ મુસાફરી વખતે તોફાન આવવાથી મુસાફરો જીવ બચાવવા પ્રાથના કરતા હતાં, ઉપાયો શોધતા હતાં, ચીસો પાડતા હતાં, પણ એક સૂફી સંત શાંત ઊભા હતાં. તોફાન શાંત પડ્યા બાદ એક મુસાફરે તેમને પૂછ્યું, ‘આપણી અને મોત વચ્ચે દરિયા અને હોડી જેટલું જ અંતર હતું છતાં આપ શાંત કેમ હતાં?
  સૂફી સંતે જવાબ આપ્યો, ‘જમીન પર હોત તો કદાચ આટલું અંતર પણ ન હોત.’
  મનની વાસનાની વેદી ઉપર માનવી દેહનું બલિદાન આપે છે. (ક્યારેક મજબૂરીથી, ક્યારેક પ્રલોભનથી કરેલ ભૌતિક દોડનો અંત જ્યારે માંદગીથી આવે છે ત્યારે માનવીને આ સત્ય સમજાય છે.) – લાઓત્ઝે

 2. MAYANK TRIVEDI,surat said,

  September 4, 2009 @ 4:23 am

  અગ્નિના વાહને દેહ સોંપી દઈ
  સૌ સગાં પણ જશે,
  માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
  એ મુસાફર હશે એકલો.

  લ્યો, રવાના થયો
  WONDER FUL
  જિવન નુ સનાતન સત્ સહજ રીતે પ્રગટ થયું છે

 3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  September 4, 2009 @ 5:59 am

  આવ્યો છું એકલો ને જાઉં છું એકલો.
  બે-ઘડી સાથ રહ્યો સંબંધોનો કાફલો.

 4. Kirtikant Purohit said,

  September 4, 2009 @ 6:35 am

  લ્યો, રવાના થયો
  દૂરની સફર પર શ્વાસનો કાફલો.

  આપ્ણા એક આદરણિય કવિની આહ્લાદક કૃતિ.

 5. manharmody ('મન' પાલનપુરી) said,

  September 4, 2009 @ 1:29 pm

  જીવનની ક્ષણભંગુરતાનું સરસ નિરૂપણ્.

  બાળપણ માં સાંભળેલુ એક આવા જ ભાવાર્થવાળું ભજન યાદ આવી ગયું ઃઃ

  હંસલો ચાલ્યો જવાનો એકલો રે,
  ત્યાં નથી કોઇનો રે સંગાથ, હંસલો ચાલ્યો જવાનો એકલો રે.

 6. ફારુક ઘાંચી 'બાબુલ' said,

  September 4, 2009 @ 3:47 pm

  ક્યાંક જે ‘અજવાળા પહેરીને ઉભા’ હતા એ બધાં શ્વાસને કવિએ કાફલામાં સાંકળી લીધા અને એમણે આદરેલા દૂરના પ્રયાણને ખૂબ સાહ્જિકતાથી વ્રર્ણવ્યા છે. એક પ્રબળ વેદનાને હરીન્દ્ર્ભાઇ જ્ કોઇ ઝાઝા વળગણ વિના આલેખી શકે અને એ પણ લાઘવથી – એક બહુ જ પ્રભાવક રચના. એને પ્રસ્તુત કરવા બદલ આભાર!

 7. anil parikh said,

  September 5, 2009 @ 5:42 am

  છેવટે ઍકલા જ જવાનુ છે ને?

 8. varsha tanna said,

  September 12, 2009 @ 3:21 am

  દૂરના પ્રયાણનુ અદભૂત મ્ંથન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment