આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

મારા મને વાવડ મળે – રવીન્દ્ર પારેખ

કોઈ પણ રીતે ન એની ગડ મળે,
બીજમાંથી કઈ રીતે એક વડ મળે ?

બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે,
એ રીતે મારા મને વાવડ મળે.

એટલે લઈને ફરું માથું બધે,
શક્ય છે કે ક્યાંકથીયે ધડ મળે.

કોઈ મરતાંને પડે સાંસા સતત,
ને હવા ચોમેર આડેધડ મળે.

કોઈ કાળે ત્યાં નદી જેવું હશે,
એ વિના ના ભીતરે ભેખડ મળે.

કોઈ, કૂંપળને કહે છે પળ સતત,
રોજ એવો એક તો અણઘડ મળે.

મારા જ શહેર સુરતના રવીન્દ્ર પારેખ (21-11-1946) એટલે નખશીખ પ્રયોગશીલ કવિ. એમની કવિતામાંથી જ નહીં, સમગ્ર વ્યક્તિત્વમાંથી એક અજબ અજંપો તમને સતત ઝરતો અનુભવાય. સુંદર કવિ હોવા ઉપરાંત સારા વાર્તાકાર અને વિવેચક પણ ખરાં. એમનો પુત્ર ધ્વનિલ પણ સારો કવિ છે. કાવ્યસંગ્રહ: ‘ એ તો રવિન્દ્ર છે’.

Leave a Comment