તું મારામાં કેમ ન આવે ?
જો પથ્થર પર કૂંપળ આવે.
ભાવિન ગોપાણી

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.

– નરસિંહ મહેતા

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે.  નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે.  નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે…

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

9 Comments »

 1. pragnaju said,

  August 14, 2009 @ 12:58 am

  શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
  નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.
  ગાતા તો ભાવવિભોર થઈ જવાય્…
  એક ભાગમાં ગોપીઓ જશોદા પાસે કાનાની ફરિયાદ કરે છે,
  અને
  બીજા ભાગમાં જશોદા તેનાં કાનાનો પક્ષ લે છે
  અને
  ગોપીઓની ફરિયાદ કાને લેતી નથી.
  કાવ્યમાં નરસિંહ મહેતાએ કાનો ઘરની બહાર ગયો નથી તેવું વર્ણવીને બાળ કાનાની વિરાટતા રજુ કરી છે. બીજી બાજુ અહીં ગોપીઓ પણ ફરિયાદ કરવાનાં બહાને કાનુડાનાં દર્શન કરવા ઇચ્છે છે તેવો ભાવ વ્યક્ત થયો છે.

 2. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

  August 14, 2009 @ 10:19 am

  આજે આવું જ એક ગીત મારા બ્લોગ પર પણ મુક્યું છે.

  http://preetnageet.blogspot.com/2009/08/blog-post_14.html
  તારા તે કાનુડાને તું નહીં જાણે રે
  જાણું હું જેટલો જશોદા!
  ગોકુળના મારગડે રોકીને રાધિકા,
  કરતો રે દિલ કેરા સોદા!
  તારા તે કાનુડાને….

  આકાશે ઊડતાં પંખીને વીંધીને
  પાડે છે પળમાં નીચે,
  નમણી નાજુક ગોપીને બાથ ભરી
  કદંબની ડાળ પર હીંચે.
  તારા તે કાનુડાને….

  જમનાનાં જળ મહીં મારીને ભૂસકા
  ખેલે છે પ્રીતીના ખેલ.
  ડૂબકી લગાવતાં લગાવતાં રાધાની
  ડૂબાડે મોંઘેરી હેલ
  તારા તે કાનુડાને….

 3. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,

  August 14, 2009 @ 2:04 pm

  કાનુડાને યાદ કરવા માટે નરસિહ મહેતા થી વધુ સારુ માધ્યમ કયુ હોઈ શકે!! સૌ મીત્રો ને શ્રીકૃષ્ણ જન્મ ની હાર્દિક શુભેચ્છાઓ……

 4. ધવલ said,

  August 14, 2009 @ 8:26 pm

  મધમીઠુ ગીત… ઘણા વખતે વાચ્યું !

 5. sudhir patel said,

  August 14, 2009 @ 9:33 pm

  આદ્યકવિ નરસિંહ મહેતાનું ભાવ-વિભોર કૃષ્ણ-ગીત! સૌને કૃષ્ણ-જન્માષ્ટમીની હાર્દિક વધાઈ!
  સુધીર પટેલ.

 6. મીના છેડા said,

  August 14, 2009 @ 9:52 pm

  મજાનું ગીત

 7. M.Rafique Shaikh,MD said,

  August 16, 2009 @ 12:49 am

  I love the way mother Jashoda denies all the accusations and defends her kid! Just adorable!
  I remember in our Gujarati text, her response started with refusing to listen to anything against her child. It went something like this:
  ડાહ્યો ડમરો લાડકો મારો કદી ન એમ કરનાર રે
  આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે !

 8. નરસિંહ મહેતા, Narasinh Mehta « ગુજરાતી પ્રતિભા પરિચય said,

  June 12, 2011 @ 2:27 am

  […] ”વૈષ્ણવ જન તો તેને કહીએ જે…..” ”જશોદા ! તારા કાનુડાને….” ”અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી […]

 9. suthar arvindkumar said,

  December 7, 2012 @ 9:44 am

  arvindkumar miyal sree miyal praimry school

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment