માણસ કેરા ચ્હેરાઓ છે, માણસ ક્યાં છે ?
ચ્હેરા પણ ક્યાં ? મ્હોરાઓ છે, માણસ ક્યાં છે ?
પદ પ્રતિષ્ઠા પૈસા કેરી હવા ભરીને
ખૂબ ફૂલેલા ફુગ્ગાઓ છે, માણસ ક્યાં છે ?
કિશોર બારોટ

વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

-મનોજ ખંડેરિયા

4 Comments »

 1. sagarika said,

  March 26, 2007 @ 1:00 pm

  “આ સપનું તો બરફ નો સ્તંભ છે, હમણાં ઓગળશે, હું એને તોડવા બેસુ તો વરસો નાં વરસ લાગે.” આ શેર ઘણાં સમય પહેલાં “ડો. ની ડાયરી” માં વાચેલો, તે આ જ ગઝલ નો શેર લાગે છે.

 2. ધવલ said,

  March 27, 2007 @ 10:13 am

  ખરી વાત છે… આ જ ગઝલનો શેર છે !

 3. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

  May 22, 2009 @ 4:57 am

  આખી ગઝલ ઑડિયો સાથે મારા બ્લોગપર માણી શકો છો. અલબત્ત ધવલભાઇ – વિવેકભાઇની મંજૂરી હોય તો…..
  http://preetnageet.blogspot.com/2009/05/blog-post_22.html

 4. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

  May 22, 2009 @ 4:58 am

  ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
  બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

  કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
  ને ખડિયા ખોળવા બેસું તો વરસોના વરસ લાગે.

  કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
  અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

  કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
  એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

  કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક,
  ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

  આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે,
  હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

  કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
  હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

  મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
  ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

  હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
  ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment