એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
અમૃત ‘ઘાયલ’

સમરથ સાથ સગાઈ – ગિરીશ ભટ્ટ

કીધી – એ સમરથ સાથ સગાઈ;
એની ઊંચી ઊંચી મેડી, ઊંચી છત્તર લગાઈ.

તાણો જોડ્યો, વાણો જોડ્યો, ચિત્ત જોડ્યું સાંવરિયે;
અનહદના સ્વામીને જોડ્યો, ભીતરના મંદિરિયે.

કેવી ફૂલી-ફાલી-હું થઈ, સગપણ થકી સવાઈ !
કીધી – એ સમરથ સાથ સગાઈ.

પ્રેમ-વેલ વાવી સાંવરિયે, ને મેં સીંચ્યાં આંસુ;
પરબારું મંડાયું ઘેઘૂર ઘેઘૂર એક ચોમાસું.

તૂટી તંદરા મનની, ભાગી ભવની બધી ભવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.

એવી શણગારી સ્વામીએ- જેમ ઓકળી ભીંતો;
હશે હાથ પીંછી કોમળ કે કોઈ અમૂલખ કિત્તો !

પળેપળે પામું મબલખને પળપળ થાતી નવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.

– ગિરીશ ભટ્ટ

મીરાંની પ્રેમલક્ષણા ભક્તિ યાદ આવી જાય એવું અદભુત ભક્તિગીત… સમર્થ સાથે સગાઈ માંડીએ એટલે ચિત્તના એક-એક તાણાવાણા એની સાથે જોડી દેવા પડે તો જ એ અનહદનો સ્વામી ભીતરના સિંહાસને આરુઢ થાય. ભવની ભવાઈ ભાંગે ને અંદરની ને અંતરની તંદ્રા તૂટે ને આંસુઓનું સીંચન થાય ત્યારે વાત આગળ વધે… અને આટલું થાય પછી તો આપણે કશું કરવાનું બાકી જ રહેતું નથી. એના કોમળ હાથે એ જ આપણને જેમ કોઈ ભીંત ઓકળતું હોય એમ આપણને એ રીતે શણગારે છે કે આપણને દરેક પળે મબલખ મળતું જણાય અને દરેક પળ સાનંદાશ્ચર્યની ભેટ બની રહે…

6 Comments »

 1. pragnaju said,

  September 18, 2009 @ 2:42 am

  કુરાને શરીફ હોય કે ગીતા હોય, રામાયણ હોય કે ઉપનિષદ હોય, ગુરુ ગ્રંથ સાહેબ હોય કે બાઈબલ હોય, સર્વ ધર્મનો સાર છે માત્ર ને માત્ર વિશુદ્ધ પ્રેમ…
  પ્રેમ-વેલ વાવી સાંવરિયે, ને મેં સીંચ્યાં આંસુ;
  પરબારું મંડાયું ઘેઘૂર ઘેઘૂર એક ચોમાસું.

  તૂટી તંદરા મનની, ભાગી ભવની બધી ભવાઈ;
  કીધી – એ સમરથ સાથ સગાઈ.
  અ દ ભૂ ત
  પૂજા- પ્રાર્થના અને ધ્યાન વગેરેને એક નિત્યક્રમના નિશ્ચિત ભાગરૃપ બનાવી દીધા છે અને એ રીતે પ્રેમભક્તિના રંગે રંગાયા વગર પૂજા- પ્રાર્થનાની વિધિ પતાવી દેતા હોઈએ છીએ. પ્રેમભક્તિ વિનાના એવા ક્રિયાકાંડ કે ધ્યાન- ધારણા વગેરે સાવ અર્થહીન હોય છે. એને માટે ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ અનિવાર્ય છે. તેમનું સમગ્ર જીવન પ્રેમભક્તિના પર્યાયરૃપ બની ગયું હતું..ત્યારે
  પળેપળે પામું મબલખને પળપળ થાતી નવાઈ;
  સૂફી સંતો તો…ઈશ્કેહક્ક
  અગર હૈ શૌક્ મિલને કા ,
  તો હરદમ લૌ લગાતા જા
  જલા કર ખુદ નુમાઈ કો
  ભસમ તન પર ચઢાતા જા
  ક્હે મન્સુર મસ્તાના
  હક મૈને દિલમે પહેચાના
  વહી મસ્તો કા મૈખાના
  ઉસી કે બીચ આતા જા”

 2. Pancham Shukla said,

  September 18, 2009 @ 2:41 pm

  વાહ ! નીકળી જાય એવું મઝાનું ગીત. શબ્દ, લય , ભાવ બધું જ રસમય છે.

 3. sudhir patel said,

  September 18, 2009 @ 4:56 pm

  ખૂબ જ ઊંડા ભક્તિભાવ પૂર્વક રચાયેલ લયાન્વિત ગીત!
  પજ્ઞાબેનનો પ્રતિભાવ પણ માણવાની મજા અનોખી છે.
  સુંદર પસંદગી બદલ વિવેકભાઈનો પણ આભાર!
  સુધીર પટેલ.

 4. Dhaval said,

  September 18, 2009 @ 5:36 pm

  વાહ !

  એવી શણગારી સ્વામીએ- જેમ ઓકળી ભીંતો;
  હશે હાથ પીંછી કોમળ કે કોઈ અમૂલખ કિત્તો !

  પળેપળે પામું મબલખને પળપળ થાતી નવાઈ;
  કીધી – એ સમરથ સાથ સગાઈ.

 5. રાકેશ ઠક્કર , વાપી said,

  September 19, 2009 @ 12:21 am

  આ ભક્તિપદ વાંચીને મનમાં ભક્તિનાદ થૈ ગયો.
  તૂટી તંદરા મનની, ભાગી ભવની બધી ભવાઈ;
  કીધી – એ સમરથ સાથ સગાઈ.

 6. kantibhai kallaiwalla said,

  October 13, 2009 @ 5:56 pm

  Tatvanu tipadu vyasne tuchh lagyu, narde kahiyu ane bharatne BHAGVAD amulu maliyu, tatvanu tipadu narsine tuchh lagyu, ane bharatne BHUTALE BHAKTI PADARTH motu e pad maliyu, tatvanu tipadu sankarne tuchh lagyu ane bharatne BHAJ GOVINDAM pad maliyu. The value of Premlakhsana bhakti is shown clearly in this poem and it is really worth to appreciate. Congratulations and salute to poet

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment