દિલ, દીવાલો, પહાડ, રસ્તા- બસ, તિરાડો છે બધે,
કંઈ નથી એવું કે જે અકબંધ છે, શંકા નથી.
– રમેશ શાહ

ગુજરાતી સાહિત્ય હવે સીડી સ્વરૂપે

ગુજરાતી સાહિત્યના રસિયાઓ માટે એક ખુશખબરી એ છે કે આપણી ભાષાના મોભીઓને કોમ્પ્યુટર અને સીડીના માધ્યમના ઊગતા સૂરજનો પ્રકાશ દેખાવા માંડ્યો છે. આપણી ભાષાની અમર કૃતિઓ હવે ધીમે સીડી સ્વરૂપે ઉપલબ્ધ થઈ રહી છે અને જો શરૂઆત સફળ થશે તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ મોટાભાગની જૂની અમર કૃતિઓને સીડી સ્વરૂપે પ્રકાશિત કરવાની યોજના સાકાર કરશે.

1887માં જેનો પ્રથમ ભાગ અને 1901માં જેનો ચોથો ભાગ પ્રગટ થયો હતો એ ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠી લિખિત ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી ભાષાની સૌથી વધુ વખણાયેલી, ચર્ચાયેલી અને વંચાયેલી નવલકથા છે. નડિયાદની ડાહીલક્ષ્મી લાઈબ્રેરી અને પ્રો. હસિત મહેતાના પુરૂષાર્થના પ્રતાપે સમગ્ર નવલકથા ફક્ત પચાસ રૂપિયામાં બે સીડીના સેટમાં ઉપલબ્ધ છે, જેમાં ચાર ભાગની આખી નવલકથા ગો.મા.ત્રિ.ના હસ્તાક્ષરમાં હસ્તપ્રતરૂપે અને છાપેલાં પૃષ્ઠ – એમ બેવડા સ્વરૂપમાં વાંચવા મળશે. (અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સમડીચકલા, નડિયાદ-387001. ફોન.:091-268-2567271).

જે માસિકમાં કવિતા-લેખ છપાવામાત્રથી ગુજરાતી સાહિત્યજગત કવિ-લેખક તરીકે તમારો સ્વીકાર કરી લે એ ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ગણાતું ‘આવતીકાલના નાગરિકોનું માસિક’ ‘કુમાર’ પણ હવે આપણા સદભાગ્યે સીડી સ્વરૂપે ઉપલબ્ધ છે. છેક ઈ.સ. 1924 ના પ્રથમ અંકથી 2004 સુધીના એંસી વર્ષોના સળંગ 924 અંકો ફ્ક્ત રૂ. 2500માં સોળ સીડીના રૂપમાં મેળવી શકાય છે. વધુ 1000 રૂ. ઉમેરો તો પાંચ વર્ષનું લવાજમ, 924 અંકોની અનુક્રમણિકાની સીડી તથા છ થી સાત સુંદર પુસ્તકો પણ ભેટરૂપે મળે છે. (‘કુમાર ટ્રસ્ટ’, 1454, બાવાની પોળ સામે, રાઈપુર ચકલા, અમદાવાદ-380001. ફોન.: 079-22143745).

Leave a Comment